આજથી 25 વર્ષ પહેલા, જયારે શંકરસિંહ વાઘેલાને હરાવવા ખેલાયો જબરજસ્ત રાજકીય ખેલ- જાણો શું થયું હતું આ દિવસે?

ગુજરાત(Gujarat): રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.…

ગુજરાત(Gujarat): રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે ખરેખરીનો જંગ જામ્યો છે. 8 તારીખે ચુંટણીનું પરિણામ(8 December election results) જાહેર થશે. આ દરમિયાન રાજકીય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો છે.

રાધનપુર વિધાનસભા બેઠક પર યોજાઈ હતી રસપ્રદ ચૂંટણી:
જો વાત કરવામાં આવે તો વર્ષ 1996ના અંતમાં ગુજરાતના 11મા મુખ્ય મંત્રી સુરેશ મહેતાની સરકારના સ્થાને ભાજપ સામે બળવો કરીને શંકરસિંહ વાઘેલા મુખ્ય મંત્રી બન્યા હતા. મહત્વનું છે કે, મુખ્યમંત્રી બન્યા તે સમયે તેઓ ધારાસભ્ય નહોતા. તેથી છ મહિનામાં ચૂંટણી જીતીને પોતાના પદ પર જળવાઈ રહેવાનો પડકાર તેમની સામે ઉભો હતો. વર્ષ 1995માં પહેલી વખત જ સત્તાનો સ્વાદ ચાખનાર ભાજપ પાર્ટી પણ આંતરિક બળવાના કારણે સત્તાથી દૂર રહેવા મજબૂર બની હતી અને શંકરસિંહ વાઘેલાને ગમે તે ભોગે સત્તા પરથી હટાવવા જોર લગાવી રહી હતી.

મહત્વનું છે કે, 1997ના શરૂઆતના મહિનાઓમાં યોજાયેલ રાધનપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાંથી શંકરસિંહ વાઘેલાએ ઝંપલાવ્યું હતું. તે સમય દરમિયાન શંકરસિંહ વાઘેલાને હરાવવા માટે ભાજપે નરેન્દ્ર મોદીની ગુજરાત બહારની કામચલાઉ બદલી રદ કરીને પાછા તેમને ગુજરાત આ ચૂંટણીના કન્વીનર બનાવીને મોકલવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાનો પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટી(રાજપા) અને ભાજપ જુદી જુદી રણનીતિઓ ઘડીને પોતાના પ્રતિસ્પર્ધીને પછાડવા માટે તમામ પ્રયાસો કરી રહી હતી. જેમાં જુદા જુદા પ્રકારની તમામ રણનીતિઓ અજમાવવામાં આવી હતી.

રાધનપુરમાં જામી હતી પ્રતિષ્ઠાની જંગ:
મહત્વનું છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા માટે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણી સત્તા ટકાવી રાખવા માટેનો આખરી ઉપાય અને પ્રતિષ્ઠાની જંગ હતી. એ સમયના ચૂંટણીના માહોલ અંગે વાત કરતાં ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ જણાવતા કહે છે કે, રાધનપુર વિધાનસભા ચૂંટણી એ સમયે ખૂબ જ હાઇપ્રોફાઇલ માનવામાં આવી રહી હતી. ભાજપ ગમે તે ભોગે મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા હારે તે માટે તમામ તાકાત લગાવી રહી હતી અને સામે પક્ષે શંકરસિંહ વાઘેલાએ પણ પૂરું જોર લગાવી દીધું હતું.

રાધનપુર બેઠકની પસંદગી અંગે વાત કરતાં દિલીપ પટેલ કહે છે કે, શંકરસિંહ વાઘેલા દ્વારા રાધનપુરની બેઠક જાણીજોઈને પસંદ કરવામાં આવી હતી. કારણ કે આ બેઠકમાં ગ્રામીણ વસ્તી વધારે હતી અને વિસ્તાર પણ એટલો વિકસિત નહોતો.

જ્યારે સામેની બાજુએ ભાજપે ઘડેલ વ્યૂહરચનાની વાત કરતાં દિલીપ પટેલ કહે છે કે, કેશુભાઈની સરકારના પતન પછી નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા હતા. તેઓ હિમાચલ પ્રદેશ અને પંજાબના ભાજપના જનરલ સેક્રેટરી હતા. પરંતુ તેમને ફક્ત આ ચૂંટણીની જવાબદારી સંભાળવા માટે પાછા ગુજરાત બોલાવવામાં આવ્યા હતા. આ પરથી સ્પષ્ટ કહી શકાય કે ભાજપ આ બેઠક જીતવા માટે કેટલી તત્પર હતી.

એક સાથે 11 શંકરને ચુંટણીમાં ઉતારાયા:
રાધનપુર વિધાનસભા બેઠકની એ ચૂંટણી સમયે પત્રકાર તરીકે સ્થળ પર હાજર રહેલ વધુ એક પત્રકાર જણાવતા કહે છે કે, 1996માં શંકરસિંહે રાષ્ટ્રીય જનતા પક્ષની સ્થાપના કરી, ભાજપના બે ફાંટા પડ્યા એ વાતને કારણે રાધનપુર વિધાનસભાની બેઠકની ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દો બની જવા પામી હતી.

મહત્વનું છે કે, ભાજપ અને નરેન્દ્ર મોદી દ્વારા આ ચૂંટણીમાં વધુ એક રસપ્રદ વ્યૂહરચના અપનાવી હતી. જે હેઠળ મતદારોને મૂંઝવણમાં નાખવા માટે 34 જેટલા અપક્ષ ઉમેદવારો ઊભા રખાયા હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે.

પત્રકાર જણાવતા કહે છે કે, ઢગલાબંધ અપક્ષ ઉમેદવારોની સાથોસાથ ભાજપે એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે આ બેઠક પર શંકર નામની ઘણી બધી વ્યક્તિઓને એક સાથે ઊતારવામાં આવે, જેથી મતદારો સાચા શંકરસિંહને પસંદ કરવામાં ભૂલ કરી બેસે. ઉલ્લેખનીય છે કે, ભાજપના પોતાના ઉમેદવારનું નામ પણ શંકર ચૌધરી હતું. જે એ સમય દરમિયાન પહેલી વખત ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા હતા. તેમની સાથે બીજા દસ ઉમેદવારોનાં નામ પણ શંકર હતાં.

ભાજપે કામે લગાડેલી વ્યૂહરચનાઓ વિશે આગળ વાત કરતાં તેઓ જણાવતા કહે છે કે, ભાજપે હાથે કરીને નવા ઉમેદવારને ઉતાર્યા હતા અને પોતાના રાષ્ટ્રીય સ્તરના મોટા મોટા નેતાઓને પ્રચાર માટે રાધનપુર ઉતારી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *