ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 4 મહિલા પોલીસ અધિકારીએ કુખ્યાત આરોપીને જંગલમાંથી ઝડપી પાડ્યો છે. ગુજરાત એટીએસની 4 મર્દાની પીએસઆઈએ જૂનાગઢના કુખ્યાત વોન્ટેડ આરોપી જુસબ અલ્લારખાને બોટાદના દેવગઢ પાસે ડુંગરાઓમાંથી દબોચી લીધો.
એકે.47 પિસ્ટલ જેવા હથિયારથી સજ્જ ગુજરાત એટીએસની આ ચાર પીએસઆઇ કોઇ વિરાંગનાથી કમ નથી. જે આરોપીથી ભલભલા ધ્રુજતા તે આરોપીને ઘડીના છઠ્ઠા ભાગમાં ઘૂંટણીયે પાડીને દબોચી લેવામાં એટીએસની આ ચાર પીએસઆઇએ મહત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાત એટીએસની આ પીએસઆઇએ ખૂબજ ફિલ્મી ઢબે ખૂંખાર આરોપી જુસબ અલ્લારખાને ઝડપી પાડ્યો છે. ત્યારે જુસબને ઝબ્બે કરવાની શૌર્ય ગાથા ખૂબજ ગૌરવ અપાવે તેવી છે.
રાજકોટ ગ્રામ્યમાં પટેલ યુવકની હત્યાનો આરોપી જુસબ ફરાર હતો
માહિતી મળી કે બોટાદના જંગલ વિસ્તારમાં કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ થઇ રહી છે. બસ પછી તો એટીએસ ડીઆઇજી હિંમાશુ શુકલાએ ટીમ બનાવી. જેમાં આ ચારેય લેડી ઓફિસરને સામેલ કરીને બોટાદના જંગલમાં ચાલતી ગેરપ્રવૃતિને ડામવા તખ્તો ઘડાયો. જેમાં રાત્રિ દરમિયાન કોમ્બિંગમાં નીકળેલી આ ચારેય લેડી ઓફિસર્સને હાથ લાગી ગયો ખૂંખાર જુસબ અલ્લારખા. જુસબ જેનો જૂનાગઢમાં પણ એટલી હદે આતંક હતો કે તેની સામે જૂનાગઢમાં પણ 35 જેટલા ગંભીર ગૂનાઓ નોંધાયેલા છે.
કેવી રીતે ઝડપાયો ?
બોટાદના ડુંગરાળ વિસ્તારમાં જુસબને ઝડપી પાડીને તેને ઘૂંટડીયે બેસાડી દેવાયો હતો. આ વિસ્તાર એટલો દુર્ગમ છે કે જુસબ અહીં અવરજવર માટે ઘોડાનો ઉપયોગ કરતો હતો. આ વિસ્તારમાં રાત્રે તો શું દિવસે પણ કોઇ જવાની હિંમત ન કરે તે વિસ્તારમાંથી જુસબ અલ્લારખાને ઝડપીને ગુજરાતની આ વિરાંગનાઓએ સાબિત કરી દીધુ છેકે અગર જો હૈયામાં જોમ હોય તો જુસબ જેવા કોઇપણ આરોપીને ઝબ્બે કરવો શક્ય છે.