એક તરફ બેંકો સાથે ફ્રોડ કરીને વિજય માલ્યા અને નિરવ મોદી જેવા બિઝનેસમેનો ભારત છોડીને વિદેશમાં સેટલ થઇ ગયા છે. તો બીજી તરફ ૫૦૦૦ જેટલા ધનાઢ્યો (સુપર-રીચ) ગત ૨૦૧૮ના કેલેન્ડર વર્ષમાં ભારત છોડીને અન્ય દેશોમાં સેટલ થયા હોવાનું ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રીવ્યુમાં જણાવાયું છે.
તાજેતરમાં રજૂ થયેલા આ વેલ્થ માઈગ્રેશન રીપોર્ટમાં જણાવ્યા મુજબ વિવિધ દેશોમાં થતા ધનાઢ્યોની (સુપર રીચ એટલે કે હાઇ નેટવર્થ ઈન્ડીવીજ્યુઅલ્સ) માઇગ્રેશનની યાદીમાં ભારત ત્રીજા ક્રમાંકે આવે છે. આ યાદીમાં પ્રથમ ક્રમાંકે ચીન અને બીજા ક્રમાંકે રશિયા છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો ભારતમાંથી માઇગ્રેટ થનાર સુપર રીચની સંખ્યા બે ટકા જેટલી છે. (આ આંકડો દેશમાં વસતા કુલ એચએનઆઇની ટકાવારી થાય છે.)
વેલ્થ માઇગ્રેશન રીપોર્ટમાં રજૂ કરાયેલ આંકડા મુજબ ૨૦૧૮ના કેલેન્ડર વર્ષમાં ચીનમાં વસતા કુલ ધનાઢ્યોમાંથી ૧૫૦૦૦ જેટલા એટલે કે ૨ ટકા એચએનઆઇ ચીનને અલવિદા કરી અન્ય દેશોમાં સેટલ થયા હતા.
જ્યારે રશિયામાંથી ૭૦૦૦ જેટલા એટલે કે કુલ ધનાઢ્યોના ૬ ટકા એચએનઆઇ રશિયા છોડીને અન્ય દેશોમાં સેટલ થયા હતા. ૫૦૦૦ ધનાઢ્યો સાથે આ યાદીમાં ભારત ત્રીજા ક્રમે છે. જ્યારે ચોથા ક્રમે તુર્કીમાંથી ૪૦૦૦ એટલે કે ૧૦ ટકા એચએનઆઇ વિદેશમાં સ્થાયી થયા છે. આમ, ટકાવારીની દ્રષ્ટિએ તુર્કી પ્રથમ ક્રમાંકે આવે છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ૨૦૧૮માં ભારતની સંપત્તિમાં એચએનઆઇનો હિસ્સો ૪૮ ટકા જેટલો હતો. સ્થાનિક ધનાઢ્યોની યાદીમાં ભારત ૧૧૮ અબજોપતિ સાથે ત્રીજા ક્રમે આવે છે. આ યાદીમાં ૭૧૫ અબજોપતિ સાથે અમેરિકા પ્રથમ ક્રમે અને ૨૩૭ અબજોપતિ સાથે ચીન બીજા ક્રમે છે.
આ રીપોર્ટમાં કરાયેલ એનાલીસીસ મુજબ એચએનઆઇના દેશ છોડવા પાછળના મુખ્ય કારણોમાં બાળકો અને મહિલાઓની સલામતી, પ્રદુષણ-હવામાન, નાણાંકીય ચિંતા, બાળકો માટે શિક્ષણની તકો, બિઝનેસની તકો, વેરા, આરોગ્ય સવલત અને અદ્યતન રહેણી-કરણી, લાઇફ સ્ટાઇલ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
ચીન-અમેરિકા વચ્ચેના ટ્રેડવોરના પગલે ઊદભવેલ પ્રતિકૂળ સ્થિતિના કારણે ચીનમાંથી મોટા પાયે માઇગ્રેશન જોવા મળ્યું છે, તેમ જણાવાતા આ રીપોર્ટમાં ઉમેર્યું છે કે જો પરિસ્થિતિમાં બદલાવ નહીં આવે તો ચીનમાંથી હજુ વધુ એચએનઆઇ માઇગ્રેટ થવાની શક્યતા છે.
આમ, એક તરફ ‘મેરા ભારત મહાન’, ઈસ્ટ ઓર વેસ્ટ, ઈન્ડિયા ઈઝ ધ બેસ્ટના ગાણા ગવાઇ રહ્યા છે ત્યારે વિવિધ કારણોસર ભારતના ધનાઢ્યો દેશને અલવિદા કરીને અન્ય દેશોમાં સ્થાયી થઇ રહ્યા છે.
ક્રિમિનલ કેસ ધરાવતા ૩૬ બિઝનેસમેનો ભારત છોડી વિદેશમાં
બેંકોનું ફુલેકુ ફેરવીને માત્ર વિજય માલ્યા અને નિરવ મોદી જ ભારત છોડીને વિદેશમાં સ્થાયી થયા હોય તેમ નથી. પરંતુ, ક્રિમીનલ કેસ ધરાવતા કુલ ૩૬ જેટલા બિઝનેસમેનો તાજેતરના ભૂતકાળમાં ભારત છોડીને વિદેશ જતા રહ્યા છે.
ઓગસ્ટા વેસ્ટલેન્ડ ચોપર કેસ સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ (ઈડી) દ્વારા કોર્ટમાં આ મુદ્દાનો ઉલ્લેખ કરાયો હતો.
આ તમામ ૩૬ બિઝનેસમેનો સામે ક્રિમીનલ કેસ થયેલા છે. પરંતુ યેનકેન પ્રકારે તેઓ ભારત છોડવામાં સફળ પૂરવાર થયા છે. કેટલાક કેસમાં પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કરાયો છે.