‘ગામડુ સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ’ ના લક્ષ્ય સાથે ગુજરાતના 7.13 લાખ ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી

7.13 lakh farmers of Gujarat adopted natural farming: ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત એકલ અભિયાન ટ્રસ્ટ અંતર્ગત એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનના સુરત ચેપ્ટરનો શુભારંભ કરાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, ગરીબો, વંચિતો, પીડિતોના આંસુ લૂછવા એ સાચી માનવતા છે.(7.13 lakh farmers natural farming) અપાર ધન દોલત, વૈભવ, આધુનિક સુખસુવિધાઓ ભોગવતા સમાજ શ્રેષ્ઠીઓ છેવાડાના ગામોમાં વસતા અશિક્ષિત, સામાન્ય અવસ્થામાં જીવન જીવતા ખેડૂતો, શ્રમિકો, વનવાસીઓને શિક્ષિત કરવા તેમજ તેમના સર્વાંગી કલ્યાણ માટે ગામડાઓ ખૂંદી રહ્યા છે, અને જનસેવાના ધ્યેયમાં હિસ્સેદાર બની રહ્યા છે એ જ સાચી ઈશ્વર પૂજા છે.

રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રગતિશીલ, બુદ્ધિજીવી અને જાગૃત્ત સમાજસેવકોએ સાથે મળીને આ એકલ અભિયાન ટ્રસ્ટનું અદના માનવીની સેવા માટે સિંચન કર્યું છે. સાફ નિયત અને નિઃસ્વાર્થ ભાવે સમાજ ઉત્થાનના ધ્યેય સાથે કાર્ય કરવામાં આવે તો સફળતા અવશ્ય મળે જ એ વાતને એકલ અભિયાને સાર્થક કરી છે. એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન, સુરત પ્રથમ ચેપ્ટર તરીકે શરૂ થવા જઈ રહ્યું છે તેનો આનંદ વ્યક્ત કરીને રાજ્યપાલએ સંસ્થાના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ગ્રામ નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ શક્ય બને છે. ગામડાઓને આત્મનિર્ભર બનાવીને જ રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવી શકીશું. એકલ ફાઉન્ડેશન ગ્રામોત્થાનના ઉમદા કાર્ય સાથે રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બન્યું છે જેની તેમણે ખુશી વ્યક્ત કરી હતી.

‘ગામડુ સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ’ના લક્ષ્ય સાથે ગ્રામ્ય સ્તરે જ રોજગારી ઉભી કરવા અને યુવાનો, મહિલાઓનું કૌશલ્યવર્ધન કરી ગામોથી શહેરો તરફ થતું પલાયન રોકવાના ઉદ્દેશ સાથે આ સંસ્થા કામ કરી રહી છે જે સરાહનીય છે એમ પણ રાજ્યપાલએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, વનવાસી બંધુઓના ઉત્થાન સહિત ‘ગાય આધારિત ખેતી અને ખેતી આધારિત ગ્રામોદ્યોગ’ની ભાવનાને પ્રોત્સાહન આપતી આ સંસ્થા દ્વારા ખેડૂતોના ખેતરને રસાયણમુક્ત બનાવીને તંદુરસ્ત-પૌષ્ટિક કૃષિ પેદાશો દ્વારા ગામડાઓની સાથોસાથ શહેરોમાં પણ આરોગ્યવૃદ્ધિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ સંસ્થાના પ્રાકૃતિક ખેતીના પ્રસાર પ્રચારના પ્રયાસ પ્રેરણાદાયી છે. આ સંદર્ભે ગુજરાતના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે આવેલી જાગૃતિની વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતના ૭.૧૩ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાજ્ય સરકારના સતત પ્રયાસોથી રાજ્યની ૫૯૦૩ ગ્રામ પંચાયતોમાં પ્રત્યેકમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

એકલ અભિયાનના કેન્દ્રીય અભિયાન પ્રમુખ ડો. લલનકુમાર શર્માએ જણાવ્યું કે, વનવાસી સમાજને સાક્ષર બનાવવાનું, તેમને સંસ્કારી બનાવીને દેશના મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ આ સંસ્થા કરે છે. ગ્રામ અને કૃષિ સંસ્કૃતિના સંવર્ધનથી જ ભારત વૈશ્વિક તાકાત બનીને ઉભરશે, એ વાસ્તવિકતાને અનુસરી આ સંસ્થાએ ૨૨ રાજ્યો અને ૧.૨૫ લાખ ગામો સુધી સેવાકાર્યો વિસ્તર્યા છે. એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન-સુરત ચેપ્ટરના ટ્રસ્ટી અને વેસ્ટ ઝોનના ચેરમેન વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, એકલ અભિયાન ટ્રસ્ટની પેટા સંસ્થા એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન તેની બહુમુખી યોજનાઓ દ્વારા દેશના વનવાસીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. વનવાસીઓને જોડીને તેમનું ઉત્થાન કરવાના અભિગમરૂપે ભારતના પ્રથમ સુરત ચેપ્ટરનો પ્રારંભ થયો છે. ફાઉન્ડેશનના ૧૦૮ સદસ્યોનો લક્ષ્યાંક વધીને ૧૫૦ થયો છે જે પ્રશંસનીય હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે એકલ ફાઉન્ડેશનના ચેરમેન, સનસિટી પ્રોજેક્ટ્સ, એસ્સેલ ગ્રુપના ચેરમેન લક્ષ્મીનારાયણ ગોયલે જણાવ્યું હતું કે, શહેરોથી જોજનો દુર રહેતા વનવાસીઓના કલ્યાણ માટે એકલ ફાઉન્ડેશન કાર્ય કરી રહ્યું છે. આ ફાઉન્ડેશન આર્ય સમાજના પંથ પર ચાલી રહ્યું છે. આપણે ધન આપવાથની સાથે તન અને મન પણ સમર્પિત કરવા જરૂરી હોવાનું જણાવી તેમણે કહ્યું કે, ફાઉન્ડેશન દ્વારા વનવાસી ક્ષેત્રે, કૃષિ અને પશુપાલન સહિત અનેક ક્ષેત્રે કાર્ય થઈ રહ્યું છે. આજે વનવાસી યુવાનોને પંચમુખી શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. વનવાસીઓને વર્મી કમ્પોસ્ટ, ગૌ-પાલન, પ્રાકૃતિક ખેતીની તાલીમ, સિલાઈ મશીનથી આજીવિકા જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા આદિવાસી ક્ષેત્રના ઉત્થાન માટે વધુને વધુ કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પ્રારંભે વનવાસી બાલિકાઓએ સ્વાગત ગીત અને નૃત્ય પ્રસ્તુત કરીને રાજ્યપાલ અને મહાનુભાવોને આવકાર્યા હતા. તેમજ વનબંધુઓ, મહિલાઓ અને પુરૂષોના સમૂહે મધુર સ્વરે એકલ ગીત રજૂ કર્યું હતું. આ પ્રસંગે લેડી ગવર્નર દર્શનાદેવીજી, નવરચિત ચેપ્ટરના પ્રમુખ બ્રિજમોહન અગ્રવાલ, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ સંજય સરાવગી અને સંરક્ષક પ્રમોદ ચૌધરી, અગ્રણી એસ.કે. જિંદલ, ઉષા ઝાલન, એકલ અભિયાનના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રામોત્થાન માટે દેશભરમાં સતત કાર્યરત એકલ અભિયાન ટ્રસ્ટ
એકલ અભિયાન અંતર્ગત દેશના વનવાસી ગામોમાં એક લાખથી વધુ એકલ વિદ્યાલય કાર્યરત છે. ગ્રામોત્થાનના ધ્યેય સાથે ગુજરાતમાં ૨૩ પ્રોજેક્ટ અને દેશના ૨૨ રાજ્યોમાં ૧૮૧ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમાં મુખ્યત્વે ગ્રામોત્થાન રિસોર્સ સેન્ટર, કોમ્પ્યુટર ટ્રેનિંગ લેબ, એકલ ઓન વ્હીલ્સ (મોબાઈલ કોમ્પ્યુટર વાન), કૌશલ્ય વિકાસ કેન્દ્ર, સંકલિત ગામ વિકાસની કામગીરી, મહિલા સશક્તિકરણ કેન્દ્રો, પ્રાકૃત્તિક ખેતી જેવા પ્રોજેકટ્સ સક્રિયપણે ચાલી રહ્યા છે. છેવાડાના ગામડાઓના બાળકોને કોમ્પ્યુટરની તાલીમ આપવા માટે ગુજરાતમાં ૪૬ એકલ ઓન વ્હીલ્સ મોબાઈલ વાન ચલાવવામાં આવે છે, જેમાં ૯ કોમ્પ્યુટર અને એલઇડી સ્ક્રીનની સુવિધા ઉભી કરી આજ સુધીમાં ૨૮,૫૨૦ બાળકોને કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *