Vibrant Gujarat અંતર્ગત ગુજરાત સરકાર સાથે એક જ દિવસમાં 7 લાખ કરોડથી વધુના MOU થયા

7 lacs cr MoU signed before Vibrant Gujarat Summit: દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં 7 લાખ 12 હજાર 250 કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના MoU(Vibrant Gujarat ) નો વિક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં અને પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સર્જાયો છે. જેના યશ પરિણામ સ્વરૂપે રાજ્યમાં નવી રોજગારી સહિત અનેક લાભો થશે.ગુજરાતમાં યોજનાર આ વાઈબ્રેન્ટ સમિટ 10મી વાઈબ્રેન્ટ સમિટ છે.

3.70 લાખ રોજગારી મળવાનો દાવો
વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈને ઉત્સાહનો માહોલ છે.તેમજ આ પહેલા રેકોર્ડબ્રેક MOU થયાં છે. એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાના MOU હોવાનું સત્તાવાર સામે આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ઉપસ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. લગભગ પહેલીવાર એવું થયું કે કે વાઈબ્રન્ટ સમિટ યોજાઈ તે પહેલા જ કરોડોના MOU થયા છે. નોંધનિય છે કે એક જ દિવસમાં થયેલા MOU પૈકી 3.70 લાખ રોજગારી સર્જન મળવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

58 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા
આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે 58 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા હતા. તેના દ્વારા 3 લાખ 70 હજાર 165 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેપાર-ઉદ્યોગના ગ્લોબલ મેપ પર ગુજરાતને અગ્રેસર બનાવવાના ઉદ્દેશ્યથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે 2003થી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની 10મી કડી તા. 10 થી 12 જાન્યુઆરી 2024માં યોજાવાની છે.

કુલ 10.31 લાખ કરોડના MOU થયા હોવાનો દાવો
આ બુધવારે થયેલા 58 MoUમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના જાહેર સાહસો NTPC, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ, ONGC, HPCL, IOCL તથા રાજ્ય સરકારના સાહસો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશન દ્વારા પણ MoU કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રતિષ્ઠિત અને અગ્રણી ઉદ્યોગ ગૃહોએ પણ ક્ષેત્રોમાં રોકાણોના MoU કર્યા હતા.નોંધનીય છે કે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન પણ ખાસ ઉપસ્થિત રહેશે.

આ સિવાય મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી, રશિયાના એક વરિષ્ઠ મંત્રી સહિત અને નામી દિગ્ગજો ગુજરાતના આંગણે આવશે અને મહેમાન બનશે. સાથે જ સમિટ 2024માં અંદાજે એક લાખ જેટલા લોકો આવાની સંભાવના છે. ત્યારે આ સમિટ યોજાઈ તે પહેલા જ CMની ઉપસ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ MoU એક્ષચેન્જની 17મી કડીના અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાશન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ હૈદર તેમજ વરિષ્ઠ સચિવો, સંબંધિત વિભાગોના અધિકારીઓ અને ઉદ્યોગ-રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.