કોરોનાનો આ નવો સ્ટ્રેઈન વૃદ્ધો જ નહીં યુવાનોને પણ ભરખી રહ્યો છે. આ દરમિયાન વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા 95 વર્ષના દાદીએ માત્ર 6 દિવસમાં કોરોનાને મ્હાત આપી દીધી છે અને કોરોના સામે લડતા લાખો લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.
જાણવા મળ્યું છે કે, વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં 95 વર્ષીય સવિતાબેન વ્યાસને કોરોના થયો હતો. તે સમયે તેમના અશક્તિ ખૂબ જ હતી. તેમનું ખાવાનું બંધ થઇ ગયું હતું. જેથી તેઓને ઉચકીને સ્ટ્રેચરમાં મૂકવા પડ્યા હતા. તેઓને ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં જઇને તેઓ ઉભા થઇ ગયા હતા. માત્ર 6 દિવસમાં જ તેઓએ કોરોનાને હરાવી દીધો હતો. તેમના મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસને કારણે કોરોનાને માત આપીને તેઓ ઘરે પહોંચી ગયા છે.
સવિતાબેનના પુત્રવધૂ તુલસીબેન વ્યાસે જણાવ્યું હતું કે, હાલ કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને જે દર્દી હોસ્પિટલમાં જાય તે ઘરે પાછા આવતા જ નથી. તેમને જણાવ્યું કે, મારા સાસુને કોરોના થયો હતો. તેઓને હોસ્પિટલ લઇ ગયા, ત્યારે અમને એમ જ હતું કે તેઓ કદાચ પાછા નહીં આવે. આ દરમિયાન મે અને અમારા પરિવારે તેમના માટે ખૂબ પ્રાર્થના કરી હતી અને અમારો આખો પરિવાર ઇચ્છતો હતો કે, તેઓ સાજા થઇને ઘરે પાછા આવે અને ખરેખર અમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી અને ગોરવાની ખાનગી હોસ્પિટલમાંથી કોરોનાને હરાવીને તેઓ ઘરે પરત ફર્યા છે. તે માત્ર 6 દિવસમાં જ કોરોના મુક્ત થઇ ગયા છે. અમને ખૂબ જ ખુશી થઇ રહી છે.
સવિતાબેનના પુત્ર વિરેન્દ્ર વ્યાસે જણાવ્યું હતું કે, બા આટલી ઉંમરે કોરોના સંક્રમિત થતા ઘરના સૌ સભ્યો ચિંતાતુર બની ગયા હતા. સરકારી હોસ્પિટલમાં વધુ દર્દીઓના ભારણને કારણે અમે અમારા માતાને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા. જ્યાં તેમને જરૂરી સારવાર મળતાં તેઓ ઝડપભેર સાજા થઈ ગયા હતા. 6 દિવસની સારવાર બાદ તેઓ આજે સંપૂર્ણ સ્વસ્થ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓને પણ તબીબો દ્વારા સઘન આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેને પરિણામે હજારો દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી રહ્યા છે. હાલમાં બાને થોડી નબળાઈ છે. પરંતુ, ડોક્ટરની સલાહ મુજબ દવા અને લિક્વીડ આપવામાં આવે છે. જેથી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. કોરોનાથી ડરવાની, ગભરાવાની કે, નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી. જરૂર છે માત્ર મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસની. એનું ઉત્તમ ઉદાહરણ અમારા સવિતા બાએ 95 વર્ષની ઉંમરે કોરોનાને મ્હાત આપી પુરૂ પાડ્યું છે.
આ ઉપરાંત દર્દીના સગા શૈલેષભાઇ શુક્લાએ જણાવ્યું હતું કે, 95 વર્ષના દાદી કોરોનાની સામે લડીને જીત્યા છે. 95 વર્ષના માજી જો કોરોનાને હરાવીને બહાર નીકળી શકે, તો તેઓ તમામ લોકો માટે દાખલારૂપ છે અને સમયસર સારવાર લઇ લેવામાં આવે તો કોરોના મટી શકે છે. એટલે ગભરાયા વિના કોરોનાને હરાવવો જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.