બનાસકાંઠા(ગુજરાત): સુરત દાનવીરોની ભૂમિ તરીકે પણ ઓળખાય છે. દાન કરવામાં સક્ષમ લોકો મંદિરો અથવા અનાથ આશ્રમમાં એમ ઘણી જગ્યાએ દાન કરતા હોય છે. ત્યારે મૂળ પાટણ બાલીસણાના રહેવાસી અને અમેરિકા ખાતે સ્થાયી થયેલા પટેલ બ્રધર્સના બેનર હેઠળ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ચલાવતા મહેન્દ્રભાઈ પટેલે આજે શક્તિપીઠ અંબાજીમાં રૂપિયા 48 લાખની કિંમતનું એક કિલો સોનું ભેટ ચઢાવી હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યું છે કે, મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાઈ હર્ષદભાઈ પોતે અમેરિકા ખાતે સ્થાયી થયેલા છે. તેઓ પૂનમ ભરવા અંબાજી આવતા રહેતા હોય છે.
છેલ્લા લાંબા સમયથી તેઓ અંબાજી ખાતે માતા અંબાના દર્શને આવી શક્યા ન હતા. જેથી તેમણે પોતાની ઈચ્છા અનુસાર એક કિલો સોનું તેમના પરિવારજનોના હસ્તે અંબાજી મોકલી આપ્યું હતું. આજે મંદિર પરિષર ખાતે સોના સાથે તેમના પરિવારના લોકો આવી પહોંચતા તેમનું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મા અંબાના નીજ મંદિરના ગર્ભગૃહ આગળ એક કિલો સોનું અર્પણ કરીને મહેન્દ્રભાઈ પટેલના પિતાએ પોતાના પુત્રોની દાન આપવાની ઈચ્છા પૂર્ણ કરી હતી.
હાલ અંબાજી મંદિરનું મુખ્ય શિખરને સોનાથી મઢી દેવામાં આવ્યું છે. હવે આગળના ગુંબજોને સુવર્ણથી મઢવા માટેની કામગીરી માટે આ સોનું દાન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, સોનાના દાતાએ અન્ય માઇ ભક્તોને પણ મંદિરને સોનાનું દાન કરી સંપૂર્ણ મંદિરને સોને મઢવાની કામગીરીમાં સહભાગી થવાની અપીલ કરી છે. એક કિલો સોનું દાનમાં આપનાર મહેન્દ્રભાઈના પિતા નટવરલાલ પટેલે જણાવ્યું હતું કે, “મારા બે દીકરા મહેન્દ્ર પટેલ અને હર્ષદ પટેલ અમેરિકા રહે છે.”
બંને ભાઈઓને મા અંબા પર ખૂબ શ્રદ્ધા છે. જેથી બંનેની ઘણા લાંબા સમયથી સોનાનું દાન કરવાની ઇચ્છા હતી. જાણવા મળ્યું છે કે, આજે તેમણે એક કિલોગ્રામ સોનું દાનમાં આપ્યું છે. તમામ શ્રદ્ધાળું જો ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપે તો મંદિરને સોનાથી મઢવાનું કામ વહેલામાં વહલી તકે પૂર્ણ થઈ શકે છે. અમે સ્વેચ્છાએ આ સોનું દાનમાં આપ્યું છે. અમે કોઈ માનતા માની ન હતી.
તેમણે જણાવ્યું કે, અમે પાટણના ધાયણોજના જહુ માતાના ભગત છીએ. અમે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વખતે લગભગ ત્રણ કરોડનું દાન આપ્યું છે.” આ ઉપરાંત, રાજકોટના એક દાતાએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને રૂપિયા 2.63 લાખની કિંમતના 4.485 કિલો ચાંદીમાંથી બનાવેલા વિવિધ વાસણો પણ દાનમાં આપ્યા છે. રાજકોટના દાતા દ્વારા ચાંદીના વાસણનો આખો સેટ માતાજીને જમવા માટે અર્પણ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.