સુરત(ગુજરાત): સુરતના ડુમસ એરપોર્ટ નજીકના એક ફાર્મમાં લોખંડની સીડી વીજળીની હાઇટેન્શન લાઈનને અડી જતા 2 મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા છે. બે લોકોનો બચાવ આ દુર્ઘટનામાં થયો છે. ચારેય મજૂરો કોન્ટ્રાક્ટના મજૂરો હોવાનું અને રાકેશભાઈ ગજ્જરના ફાર્મ પર લોખંડની ગ્રીલ બનાવવા આવ્યા હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લોખંડની સીડીને લઈ જતી વખતે દુર્ઘટના સર્જાઇ છે. આ ઘટનામાં મૃતકોનું નામ તોસીફ સફીઉલ્લા ખાન અને રમીઝ શિરાજખાન પઠાણ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, મૃતક રમીઝ શિરાજખાન પઠાણના કાકાના જણાવ્યા અનુસાર, ત્રણ ભાઈઓમાં રમીઝ નાનો દિકરો હતો અને ધોરણ-11 માં અભ્યાસ કરતો હતો. પરિવારનું ગુજરાન પિતા પાઉભાજીની લારી ચલાવીને કરે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, GEB ની હાઇટેન્શન લાઈન નિયત કરતા વધુ નીચે એટલે કે 12 ફૂટની ઉંચાઈ એ હોવાથી આ દુર્ઘટના બની છે.
એટલું જ નહીં પણ સાંજે 5:30 વાગે બનેલી ઘટના બાદ GEB ના અધિકારીઓ રાત્રે 7:15 વાગ્યાની આસપાસ ઘટના સ્થળે પહોંચ્યા પછી ચાલુ વીજ લાઈન બંધ કરી હતી. બંને મૃતદેહ ત્યાં સુધી ઘટના સ્થળે જ પડ્યા રહ્યા હતા. ક્યાંયને ક્યાંય GEBની લાપરવાહી થઈ હોય તેવું લાગી રહ્યું છે. અમે દિકરો ગુમાવ્યો છે. અમને ન્યાય મળવો જોઈએ.
GEBના એક્ઝિક્યુટીવ ઈજનેર એસ. આર. શાહના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતા જ અમે સ્થળ પર દોડી આવ્યા હતા. એલ્યુમિનિયમની સીડીને ખેંચતી વખતે હાઇટેન્શન લાઈન સાથે સીડી અડી જતા આ ઘટના બની છે.
ડુમસના પોલીસ ઇન્સપેક્ટર અંકિત સોમૈયાએ જણાવ્યું હતું કે, ગુરુવારે સાંજના સમયની આ ઘટના છે. મજૂરો વિક્ટોરિયા ફાર્મમાં વેલ્ડિંગનું કામ કરવા આવ્યા હતા. આ દરમિયાન હાઈટ નાની પડતા લોખંડની સીડી ખેંચી રહ્યા હતા. ત્યારે સીડી હાઇટેન્શન લાઈનને અડી જતા બંનેનું ઘટના સ્થળે જ કરંટ લાગતા મોત થયું હતું. મૃતક બે પૈકી એકના પિતા લાલગેટ નજીક પાઉભાજીની લારી ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ અંગે તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.