સુરત(ગુજરાત): હાલમાં સુરતમાંથી એક ચકચાર મચાવતો વિડીયો વાઈરલ થવા પામ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલના ગેટ પર બે દારૂડિયા કુસ્તીના દાવપેચ કરતાં કેમેરામાં કેદ થઈ ગયા બાદ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. સવારે કુસ્તી અને સાંજે હોસ્પિટલના દર્દી-સગાંના મોબાઈલ તફડાવતા આખરે રંગેહાથે ઝડપાયા જતાં બન્નેને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોબાઈલ ચોરીના આરોપમાં પકડાયેલા બે પૈકી એક ચા-નાસ્તાની લારી પણ મજૂરી કામ કરી દર્દીઓના સગાંની કીમતી વસ્તુઓની રેકી કરી ચોરીના દાવપેચ કરતો હોવાની વાત સામે આવી છે.
આ અંગે શક્તિ સિક્યોરિટીના એક સુપરવાઇઝરે નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં મોબાઈલ ચોરીના અને કીમતી વસ્તુ ચોરીના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જાય છે. જેની પાછળ અંદરની જ કોઈ વ્યક્તિઓનો હાથ હોય છે. પરિચિત વ્યક્તિ જ આંખના પલકારે મોબાઈલ કે રૂપિયા ભરેલું પર્સ-થેલી તફડાવી શકે છે. વારંવાર આવી ફરિયાદ મળતી જ રહે છે પણ આવા ચોર પકડાતા નથી, જેની પાછળનું કારણ આપણાથી વાકેફ હોય છે અને આખી મંડળી કામ કરતી હોય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શુક્રવારે પણ આવી જ એક ફરિયાદ આવી હતી. ત્યારે ઘટનાસ્થળે દોડીને ગયા તો લોકો એકને પકડીને મેથીપાક આપતા હતા. તપાસ કરતાં જાણ થઇ કે, આ મોબાઈલ-ચોરને લોકોએ રંગેહાથે પકડી પાડ્યો છે અને તે પણ સિવિલ કેમ્પસમાં જ આવેલી ચા-નાસ્તાની લારી પર પડ્યો પાથર્યો રહે છે. પછી તેને પકડીને નીચે લઈ આવ્યા ત્યારે ચેક કરતાં ચોરાઈ ગયેલો મોબાઈલ પણ મળી આવ્યો હતો. મોબાઇલ-ચોર આ વ્યક્તિ આખો દિવસ નશામાં ચૂર રહે છે અને જાહેરમાં ગાળાગાળી સાથે કોઈની પણ સાથે હાથાપાઈ કરતા કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલા બન્ને મોબાઈલ-ચોરોએ સવારે જ સિવિલના ગેટ પર જાહેરમાં કુસ્તીના દાવપેચ કરી લોકોની ભીડ ભેગી કરી દીધી હતી. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં લોકો ટોક્યો ઓલિમ્પિક્સની કુસ્તીમાં કોણ જીત્યું સહિતના મેસેજ લખી મજા લઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.