ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અંગે સરકારે કાયદા કડક બનાવ્યા પછી હવે સરકાર ગ્રાહકોના હિતોના રક્ષણ માટે વધુ સખત જોગવાઈઓ સાથેના નવા ગ્રાહક સુરક્ષા ધારાના અમલની દિશામાં જઈ રહી છે. ખાસ કરીને ભેળસેળ ઉપરાંત આજકાલ ભ્રામક જાહેરાતો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાના કેસોમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભામાં આ નવું બિલ રજૂ થઈ ચૂક્યું છે અને બન્ને ગૃહમાં બિલ પસાર થયા બાદ આનો અમલ શરૂ કરાશે..
ગ્રાહક સુરક્ષા સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા મુજબ અગાઉ ગ્રાહક સુરક્ષા ધારામાં ઘણી ક્ષતિઓ હતી. સજાની જોગવાઈ પણ ઘણી ઓછી હોઈ સરકારી તંત્ર કે કાનૂનનો એટલો ડર ન હતો હવે કડક કાનૂન બાદ લોકોના હિતોની રક્ષા થશે. થોડા સમય અગાઉ સરકારે ખાણીપીણીની ચીજોમાં ભેળસેળના કાયદામાં સુધારો કર્યો છે. એક જ તેલમાં વારંવાર ફરસાણ તળવા ઉપરાંત આવી ચીજોમાં ભેળસેળ કરવા માટે કાયદા સખત બનાવ્યા છે.
હવે માત્ર ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જ નહી અન્ય તમામ ચીજોમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. નવા ગ્રાહક સુરક્ષા ધારામાં સૌથી મહત્ત્વની અને કડક જોગવાઈ ભ્રામક જાહેરાતો કરનારાઓ સામે આજીવન કેદ સુધીની સજા કરવાની છે. આજકાલ ટી.વી., અખબારો, સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ પર લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતોનો સખત મારો ચાલે છે. એક અઠવાડિયામાં અમુક કિલો વજન ઉતારો, દશ દિવસમાં ક્રીમ વાપરી ગોરા બની જાઓ, અમુક ટેબ્લેટો વાપરી શક્તિ વધારો જેવી જાહેરાતો જોવા મળે છે.
આ ઉપરાંત તબીબીજગત દ્વારા પણ કેટલીક જાહેરાતો કરવામાં આવે છે. રોજબરોજના જીવનમાં વપરાતી ચીજવસ્તુઓમાં પણ મોટા પાયે ભેળસેળ જોવામાં આવે છે. આવી તમામ ભ્રમ ફેલાવતી જાહેરાતો કરનારાઓ સામે જંગી દંડ તેમજ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આવી ચીજવસ્તુઓની જાહેરાત કરતી સેલિબ્રિટીઓ પર પણ તવાઈ આવી શકે છે. નવા બિલની જોગવાઈ મુજબ અત્યાર સુધી જે કેસો લાંબા સમય સુધી ચાલતા હતા તે હવે એક જ વર્ષમાં પૂરા થાય તે માટે કાર્યવાહી થશે. જરૂર જણાયે કાયદામાં ફેરફાર પણ કરાશે. સરકાર ગ્રાહકોને લગતી ફરિયાદો દૂર કરવા તમામ સ્તરે ફોરમ બનાવશે. ગ્રાહકોનું હિત સચવાય તે માટે તમામ પગલાં ભરાશે.