દેશમાં વધારે વરસાદને કારણે ઘણા રાજ્યોમાં પુર આવ્યું છે. જેને કારણે ઘણા લોકો મુસીબતમાં ફસાણા છે અને ઘણા લોકોના મૃત્યુ થયા છે. જેમાં એક રાજ્ય કેરાલા પણ ભીષણ પુરમાં સપડાયું છે. કેરાલામાં ઘણી જગ્યાઓ પર પુરના પાણી ફરી વળ્યા છે તેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના મત વિસ્તારનો પણ સમાવેશ થયો છે જેનું નામ વાયનાડ છે.
દરમિયાન રાહુલ ગાંધીએ કેરાલાના પૂર પીડિતો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરીને તેમની મદદ માંગી છે. ખાસ કરીને વાયનાડમાં લોકોને સહાય માટે તેમણે સહાયની માંગણી કરી છે.
રાહુલ ગાધીએ પોતે ટ્વિટર પર પીએમ મોદી સાથે વાત કરી હોવાની જાણકારી આપી હતી. મળતી વિગતો પ્રમાણે વાયનાડમાં 100 લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે.
આ પહેલા પણ રાહુલ ગાંધીએ વિવિધ રાજ્યોમાં પૂરની સ્થિતિને જોતા કોંગ્રેસના કાર્યકરોને લોકોને મદદ કરવા માટે આગળ આવવાની અપીલ કરી હતી.
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે પૂરના કારણે અત્યાર સુધીમાં 22 હજાર 165 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 315 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. કેરળની સીએમ પિનરાઈ વિજયનને ગુરૂવારે રાત્રે રાજ્યમાં પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. હવામાન વિભાગે ઝડુક્કી, મલપ્પુરમ, કોઝિકોડમાં વરસાદનું રેડ એલર્ટ જ્યારે ત્રિશૂર, પલક્કડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડમાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યુ છે.