સુરત(Surat): સુરત મહાનગર પાલિકા(SMC Scam)ના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. SMC દ્વારા હલકી ગુણવત્તા વાળી પ્રિન્ટેડ વેરાબિલ સ્ટેશનરી(Printable wearable stationery) ખરીદીને લાખ્ખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકાએ હલકી ગુણવત્તાવાળી પ્રિન્ટેડ વેરાબિલ સ્ટેશનરી ખરીદી અંગે જાગૃત નાગરિક સંજય ઇઝાવા(Sanjay Ezhava)એ મ્યુનિસિપલ કમિશ્નરને ફરિયાદ કરી તપાસ કરવાની માગ કરી હતી. સેક્શન ઓફિસર, ઇન્ફર્મેશન સીસ્ટમસ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ તપાસમાં કેટલીક ગેરરીતિઓ સામે આવી હતી. ત્રિવેણી કોમ્પ્યુટર ફોર્મસનું રૂ.30 લાખ 30 હજારનું પેમેન્ટ મ્યુનિસિપલ કમિશ્નર(Municipal Commissioner) દ્વારા હોલ્ડ રાખવામાં આવ્યું છે.
સેક્શન ઓફિસર, ઇન્ફર્મેશન સીસ્ટમસ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ તપાસમાં વ્યાપક ગેરરીતિઓ બહાર આવી. ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ નું રૂ.૩૦ લાખ ૩૦ હજાર પેમેન્ટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા હોલ્ડ રાખવામાં આવ્યું.
શહેરના જાગૃત નાગરિક શ્રી સંજય ઇઝાવા દ્વારા સુરત મહાનગર પાલિકામાં કરવામાં આવેલ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળની અરજીના જવાબ રૂપે મળેલ માહિતીમાં સુરત મહાનગર પાલિકા દ્વારા વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૦ સુધી પ્રિન્ટેડ વેરાબિલ સ્ટેશનરી ખરીદવામાં કરેલ ગેર રીતિઓ અને મિલી ભગત સ્પષ્ટ બહાર આવેલ હતી.
ટેન્ડર શરત મુજબ 80 GSM ગુણવત્તા ધરાવતું સફેદ પ્રિન્ટેડ પેપર વેરાબિલ પેટે ટેન્ડર બહાર પાડી માગવવામાં આવેલ હતું જે માટે વેરાબિલ સપ્લાય કરતા પહેલાં પપેરની ગુણવત્તા અંગે ચકાસણી કરાવી લેબ રીપોર્ટ પણ રજુ કરવાનો હોય છે. જે મુજબ અજેન્સી દ્વારા મહાનગર પાલિકામાં રજુ કરવામાં આવેલ ટેસ્ટ રીપોર્ટ મુજબ પેપર ૮૦.૨ અને ૮૦.૧ GSM ગુણવત્તા ધરાવે છે.
ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ દ્વારા સપ્લાય કરવામાં આવેલ અને મહાનગર પાલિકા દ્વારા સુરતના રહેશીયોને પાઠવવામાં આવેલ વેરાબિલની હલકી ગુણવત્તા અંગે શંકા થયા પછી આર.ટી.આઈ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા દ્વારા અલગ અલગ ઝોન વિસ્તારના અલગ અલગ વર્ષ ના વેરાબિલ સુરત સ્થિત લેબમાં મોકલી પેપરની ગુણવત્તા અંગે ચકાસણી કરાવતા કોઈ પણ વેરા બીલ ૮૦ GSM ગુણવત્તા ધરાવતું જોવા મળેલ નથી. વેરાબીલની ગુણવત્તા મહાનગર પાલિકા દ્વારા માંગેલ ગુણવત્તા કરતા ૪.૨૫ % થી લઈને ૨૮.૭૫ % જેટલી ઓછી જણાઈ આવેલ છે. આ અંગે તારીખ ૧૯.૦૨.૨૦૨૧ ના રોજ કમિશ્નર શ્રી, સુરત મહાનગર પાલિકા અને ડિરેક્ટરશ્રી, લાંચરુશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરીને પ્રિન્ટેડ વેરાબિલ સપ્લાય માં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ ની માંગણી કરવામાં આવેલ હતી.
ઓછી ગુણવત્તાવાળા પેપરો સપ્લાય કરનાર એજન્સીઓ :-
(૧) સુરત મહાનગર પાલિકા દ્વારા આ ફરિયાદ અંગે કરેલ તપાસ માં ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ દ્વારા સપ્લાય કરવામાં આવેલ ૧૮ પૈકી ૧૩ જેટલા અલગ અલગ પેપરો માં પ્રિન્ટેડ વેરાબિલ, જનરલ રિશીપટ, બ્લેન્ક પેપર, ટેક્સ ડીમાન્ડ રજીસ્ટર, કટ બુક ફોર્મ, અસેસ્મેન્ટ ખાસ નોટીસ, પ્રોફેશનલ ટેક્સ નોટીસ, પ્રોફેશનલ ટેક્સ બીલ, પ્રોપર્ટી ટેક્સ બીલ કમ નોટીસ જેવા પેપરો માન મેડ ટેક્સટાઈલસ રીસર્ચ એસોસીએશન, સુરત ખાતે કરાવવામાં આવેલ ગુણવત્તા ચકાસણીમાં ૨૭.૮૬% સુધીની ઓછી ગુણવત્તા સામે આવી છે.
(૨) અન્ય એજન્સી એવા સ્વસ્તિક કમ્પ્યુટર દ્વારા સપ્લાય કરવામાં આવેલ ગુમાસ્તાધારા રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ (ઓરીજનલ) અને ગુમાસ્તાધારા રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ (ડુપ્લીકેટ) નિયત કરેલ GSM ટેસ્ટીંગ માં મળી આવેલ નથી. જેમા પણ ૧૧.૩૦% સુધીનો ઓછી ગુણવત્તા સામે આવી છે. ગુમાસ્તાધારા રજીસ્ટ્રેશન સર્ટીફીકેટો ગુણવત્તા ના હોવાથી સ્વસ્તિક કમ્પ્યુટર દ્વારા સપ્લાય કરવામાં આવેલ તમામ પેપરો મહાનગર પાલિકા દ્વારા રીજેક્ટ કરીને પેપર પરત આપવામાં આવેલ છે. અને સ્વસ્તિક કમ્પ્યુટરને આપવામાં આવેલ ઓર્ડરો પણ કેન્સલ કરવામાં આવેલ છે.
(૩) અન્ય એક એજન્સી એવા નેશનલ માર્કેટિંગ કોર્પોરેશન દ્વારા સપ્લાય કરવામાં આવેલ પ્રોપર્ટી ટેક્સ બીલ કમ નોટીસ પણ નિયત કરેલ GSM ટેસ્ટીંગમાં મળી આવેલ નથી. જેમાં પણ ૫.૨૮% સુધીની ઓછી ગુણવત્તા સામે આવી છે. વિવિધ સ્ટેશનરી નિયત સમય માં સપ્લાય ના કરવા બદલ નેશનલ માર્કેટિંગ કોર્પોરેશનને મહાનગર પાલિકા દ્વારા ૩ વર્ષ માટે ભૂતકાળમાં બ્લેક લીસ્ટ પણ કરવામાં આવેલ છે.
ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ દ્વારા બનાવટી પ્રમાણ પત્ર રજુ કરવામાં આવ્યું:
ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ દ્વારા સેન્ટ્રલ પલ્પ એન્ડ પેપર રીસર્ચ ઇન્સ્ટીટયુટ ના નામે તા.૦૭.૦૭.૨૦૨૦, તા.૨૫.૦૯.૨૦૨, તા.૨૦.૧૦.૨૦૨૦, તથા તા.૧૪.૦૧.૨૦૨૧ ના તારીખ વાળું ખોટું પ્રમાણ પત્ર રજુ કરીને લાખ્ખોના પેપર મહાનગર પાલિકામાં સપ્લાય કરવામાં આવેલ હતા. સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ પછી થયેલ તપાસમાં સેન્ટ્રલ પલ્પ એન્ડ પેપર રીસર્ચ ઇન્સ્ટીટયુટ ના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ ઉપર દર્શાવામાં આવેલ કોઈપણ તારીખ વાળું ગુણવત્તા અંગેનું પ્રમાણ પત્ર ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ માટે જારી કરવામાં આવેલ નથી. એટલે ત્રિવેણી કોમ્પુટર ફોર્મસ દ્વારા ખોટા પ્રમાણ પત્રો બનાવી મહાનગર પાલિકામાં રજુ કરવામાં આવેલ છે.
હલકી ગુણવત્તા વાળું પેપર સપ્લાયમાં અધિકારીઓની સંડોવણીની શંકા
ત્રિવેણી કોમ્પુટર ફોર્મસને લાખ્ખો રૂપિયાના પ્રિન્ટેડ પેપરો સપ્લાય કરવાના કામમાં પેપરની ગુણવત્તા અંગે મહાનગર પાલિકાના કોઈ પણ અધિકારી દ્વારા આજદિન સુધી ગુણવત્તાની ચકાસણી કરવા માટે કોઈ પણ ટેસ્ટ કરાવવામાં આવેલ નથી. એજન્સી દ્વારા રજુ કરવામાં આવેલ પ્રમાણ પત્રના આધારે લાખ્ખોની સખ્યામાં પ્રિન્ટેડ પેપરના સપ્લાય લઈ લેવામાં આવેલ છે. એજન્સી દ્વારા રજુ કરવામાં આવેલ પ્રમાણ પત્ર પણ આજ દિન સુધી ખરાઈ માટે જે-તે સંસ્થામાં મોકલવામાં પણ નથી આવ્યા. એટલે આ ભ્રષ્ટાચાર મહાનગર પાલિકા સંબંધિત અધિકારીઓની મિલીભગતથી થયેલ છે એમાં કોઈ શંકા નથી. સાધારણ નાગરિકને વેરાબિલ ગુણવત્તા અંગે શંકા ઉભી થાય તો પછી ટેન્ડર બહાર પાડવામાં આવેલ મહાનગર પાલિકાના અધિકારીઓને આ શંકા કેમ નથી થઇ એ એક મોટો પ્રશ્ન છે ?
અરજકર્તા સંજય ઇઝાવાએ જણાવતા કહ્યું હતું કે, ત્રિવેણી કોમ્પુટર ફોર્મસને ચૂકવવા પાત્ર તમામ રકમો હાલ પૂરતી સ્ટોપ કરવા સુરત મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા હુકમ કરવામાં આવેલ છે. જે રકમ અંદાજે રૂ. ૩૦.૩૦ લાખ છે. અધિકારીઓની સંડોવણી અંગે પણ તપાસ થવી જરૂરી છે. અધિકારીઓ તથા નેતાઓની મિલીભગત વગર આ રીતે મોટાપાયે ભ્રષ્ટાચાર કરવા કોઈ પણ એજન્સીઓ હિંમત ના કરે. જેથી એજન્સીઓ સાથે સાથે અધિકારીઓની પણ સંડોવણી અંગે તપાસ થવી જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.