ગુજરાત(Gujarat): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ ૧થી ૯ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફલાઈન એજ્યુકેશન(Offline education) બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી- બાળકોના વ્યાપક આરોગ્યરક્ષા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે.
તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત તા. 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે તા. 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે. આ નિર્ણયની સમયાવધિ આજે પૂર્ણ થતા કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ ઓફલાઈન- વર્ગખંડ શિક્ષણ હજી વધુ સમય એટલે કે, તારીખ 5 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર હવે તારીખ 5 ફેબ્રુઆરી એ સ્થિતિની પુનઃ સમીક્ષા કરીને શાળાઓમાં ક્લાસ રૂમ ટિચિંગ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ અંગે યોગ્ય નિર્ણય કરશે.
કોર કમિટીની આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.