વર્ષોથી ભારતીય સંસ્કૃતિમાં શિષ્યો તેમના ગુરુને ઈશ્વરતુલ્ય અને પૂજનીય ગણતા આવ્યા છે. આ વાતની સાબિતી તાજેતરમાં સુરતની ગુરુકુળ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કરી બતાવી છે. આમ તો, ગુરુ દ્રોણાચાર્ય અને એકલવ્યનો પ્રસંગ દરેક લોકો જાણતા જ હશે. કેવી રીતે, એકલવ્યએ ગુરુ દ્રોણાચાર્યને જમણા હાથનો અંગુઠો કાપી દક્ષિણા રૂપે આપ્યો હતો. આ ગાથા આજે દરેક શાળામાં ગુંજી રહી છે. ત્યારે સુરત ગુરુકુળ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આવી જ એક ગાથા તાજી કરી ગુરુ અને શિષ્યો વચ્ચે રહેલા આત્મીય સબંધને નવી પરિભાષા આપી છે.
ગુરુકુળ વિદ્યાલયમાં વર્ષોથી ગણિત વિષય ભણાવતા શિક્ષક સુરેશભાઈ સાટોટે દરેક વિદ્યાર્થીઓના ફેવરીટ શિક્ષક છે. મૂળ સૌરાષ્ટ્રના વતની સુરેશભાઈ છેલ્લા 24 વર્ષથી સુરતની ગુરુકુળ વિદ્યાલયમાં માધ્યમિક વિભાગમાં ગણિતનો વિષય ભણાવી રહ્યા છે. ધોરણ 12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓને સુરેશભાઈ વગર, ગણિત વિષય મનમાં બેસે તેમ હતો જ નહિ. પરંતુ થોડા દિવસ પહેલા, શરુ કલાસે સુરેશભાઈ નર્વસ થઈને બ્રેકડાઉન થયા હતા. જયારે આ અંગેની જાણ પ્રિન્સીપાલને થઇ ત્યારે તેમણે, એક અલગ રૂમમાં તેમને આરામ કરવાની વ્યવસ્થા કરી આપી હતી.
બીજા દિવસે જ પરિવારજનો સુરેશભાઈને લઈને હોસ્પિટલ પહોચ્યા હતા, જ્યાં ડોકટરે સુરેશભાઈને બ્રેઈન ટ્યુમર હોવાનું જણાવ્યું હતું. ડોકટરે પણ તાત્કાલિક નિદાનની તમામ તજવીજ હાથ ધરી હતી. જયારે વિદ્યાર્થીઓને જાણ થઇ કે, તેમના પ્રિય શિક્ષક હોસ્પીટલમાં દાખલ છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ગમગીની છવાઈ હતી. વિદ્યાર્થીઓને ખંત અને પ્રેમથી ભણાવતા સુરેશ સરના સમાચાર મળતા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં પણ એકલવ્ય જેવો ગુરુભાવ સ્થાપ્યો હતો, અને તાત્કાલિક સુરેશ સરની ખબર અંતર પૂછવા પહોચ્યા હતા.
જ્યાં તેમને માલુમ પડ્યું કે, આર્થિક પરીસ્થિતિ નબળી હોવાથી પરિવાર સારવારનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. ત્યારે તરત જ દીપેશ ગોટી નામના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ તેમના WhatsApp ગ્રુપમાં ‘આર્થિક સહાય’નો મેસેજ ફરતો કર્યો હતો. મેસેજ મળતા જ ગુરુને સહાયરૂપ બનવાની ભાવનાથી વિદ્યાર્થીઓએ ગણતરીની કલાકોમાં લાખો રૂપિયાની રકમ એકઠી કરી હતી. ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે, તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અને શાળાના આચાર્ય અરવિંદભાઈ ઠેસિયાએ સાથે મળી સુરેશસરના પરિવારને પાંચ લાખની રકમ અર્પણ કરી હતી. સાથોસાથ ગુરુકુળના ધર્મવલ્લભદાસજી સ્વામીએ પણ સંતોને તેમના ઘરે મોકલી દોઢ લાખની મેડીકલ રકમ અર્પણ કરી.
હાલ સમાચાર મળ્યા છે કે, તેમની પરિસ્થીતી નાજુક છે. ત્યારે દરેક વિદ્યાર્થીઓ ભગવાનને પ્રાથના કરી રહ્યા છે કે, ‘તેઓ જલ્દી સ્વસ્થ થઇ જાય અને વહેલી તકે અમને ભણાવવા પાછા ફરે!’ આજના સમયમાં જયારે એકબાજુ ગુરુ શિષ્યના સબંધોને લાંછન લગાવતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે, સુરતના ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગુરુના સંકટ સમયે સાથ આપી તેમના ગુરુભાવ પ્રત્યે રહેલું ઋણ અદા કર્યું છે અને સમાજમાં અનોખી પહેલ પ્રસરાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.