સુરત (Surat, Gujarat) : હત્યાની ઘટનાઓ અવારનવાર સામે આવતી જ રહે છે. ત્યારે વધુ એક ચકચાર મચાવતી હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી હત્યા નીપજાવીને તેને અકસ્માતનું નામ આપી દીધું હતું. પરંતુ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરતા આ ખુલાસો થયો હતો.
મળતી માહિતી અનુસાર, 16 મેના રોજ સુરતના ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામમાં મહાત્મા ગાંધી કુટિરની સંચાલિકા ડિમ્પલ સેવનિયાએ અમદાવાદના પ્રેમી હેમંત ઉર્ફે પિન્ટુ શર્મા સાથે મળી પોતાના વકીલ પતિ વીરેન્દ્રસિંહ સેવાનિયાની હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ આ ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા આ સમગ્ર ખુલાસો થયો હતો. હાલ પોલીસ દ્વારા હત્યા કરનાર પત્ની ડિમ્પલ અને અમદાવાદનો પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ હસમુખ શર્માને દબોચી પાડવામાં આવ્યા છે.
પતિના અગ્નિસંસ્કાર પણ કરાવી દીધા:
તાલુકાના ઉમરાછી ગામમાં 16મી મેના રોજ માજી સરપંચ અને વકીલ વીરેન્દ્રસિંહ સેવાનિયા રાતે પાણી પીવા જતા હતા, આ દરમિયાન ધાબા પરથી પડી ગયો હતો. તેથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ. જે બાદ પરિવારે અગ્નિસંસ્કાર પણ કરી લીધા હતા. પરિવારને પત્ની ડિમ્પલનું વર્તણૂંક અજીબ લાગતું હતું. જેથી પોલીસ સામે શંકા વ્યક્ત કરતા આખા કેસની તપાસ ફરીથી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસમાં જિલ્લા એલસીબી અને એસઓજી પણ તપાસમાં જોડાઇ હતી.
પ્રેમી મૂળ રાજસ્થાનનો છે:
આ ઘટનાની ઝીણવટભરી તપાસ બાદ ભેદ ઉકેલાયો હતો. ઉમરાછી ગામના ગાંધી કુટીરનું સંચાલન કરતી ડિમ્પલ તેમજ મૂળ ગામ જયપુરના અને અમદાવાદના રહેવાસી અધિકારી હેમંત ઉર્ફે પીન્ટુ હસમુખ શર્મા (32) અમદાવાદથી આશ્રમની વિઝીટ કરવા આવતા હતા. આ દરમિયાન બંનેની આંખો મળી હતી. જે પ્રેમે એક વ્યક્તિની ઘાતકી હત્યા નીપજાવી દીધી હતી.
પ્રેમીએ પેવર બ્લોક મારી કરી હત્યા:
ડીમ્પલ સેવનિયાએ પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ શર્માને રાત્રી દરમિયાન અમદાવાદથી બોલાવ્યો હતો. મધ્ય રાત્રીએ હેમંત ઉર્ફે પીન્ટુ શર્માએ મૃતક વીરેન્દ્રસિંહ સેવનિયાના માથામાં પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હત્યા બાદ પત્ની ડિમ્પલ સેવનિયાએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે લોહીના ડાઘા સાફ કર્યા હતા. તેમજ પથ્થર પણ ધોઈ નાખ્યો હતો.
જેથી પોલીસ તેમજ પરિવારજનોને અકસ્માત લાગે. પરંતુ પોલીસની તલસ્પર્શી તપાસને લઇ આખી ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે મૃતકની હત્યારી પત્ની ડીમ્પલ સેવનિયા તેમજ પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ શર્માની અમદાવાદથી ધરપકડ કરી લીધી છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.