રાજકોટ(ગુજરાત): રાજકોટ (Rajkot)ના ઠેબચડા (Thebachda) ગામે વાડીમાં ઘોડિયામાં સૂતેલા બાળકને કુતરું કરડી જતા બાળકનું મોત નીપજ્યું હતું. બાળકીને બચાવવા દોડી ગયેલા તેના પિતા સહિત બે લોકોને કુતરું કરડતાં સારવાર માટે હોસ્પિટલ (Hospital) માં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ઠેબચડા ગામની સીમમાં લક્ષ્મણભાઇની વાડીમાં ખેતમજૂરી કરતા અને ત્યાં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની પારસભાઇ વસાવા અને તેના પત્ની સહિતના પરિવારજનો વાડીમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન, તેના નવ મહિનાના પુત્ર સાહિલને ઘોડિયામાં સુવડાવ્યો હતો. આ બાળક ગાઢનિદ્રામાં હતું ત્યારે અચાનક જ શ્વાન તેની પાસે આવ્યું હતું.
બાદમાં શ્વાને બાળકને ગળેથી ઊંચક્યું હતું અને બચકું ભરી લીધું હતું. શ્વાનના કરડવાથી બાળકે ચીસાચીસ કરી હતી. તેની ચીસો સાંભળી પિતા પારસભાઇ અને એક વૃદ્ધા તેને બચાવા દોડી આવ્યા હતા અને ઘોડિયા નજીક જતા જ શ્વાને પારસભાઇ અને વૃદ્ધાને પણ બચકાં ભરી લીધા હતા.
શ્વાને ગળાના ભાગે બચકાં ભરતા માસૂમ સાહિલના ગળામાંથી લોહી વહેવા લાગ્યું હતું અને તેને તાત્કાલિક ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર દરમિયાન માસૂમ સાહિલ મોતને ભેટ્યો હતો. સાહિલ એક બહેનનો એકનો એક ભાઇ હતો. વહાલસોયાનાં મોતથી વસાવા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.