સુરત(ગુજરાત): તા.૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના ભાગરૂપે કામરેજ તાલુકાના નવાગામ સ્થિત દાદા ભગવાન મંદિર ખાતે આયોજિત યોગદિનની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યોગને પોતાની દિનચર્યાનો એક અવિભાજ્ય ભાગ બનાવવા ઉપસ્થિત તમામ લોકોએ પ્રતિજ્ઞા પણ કરી હતી.
આ પ્રસંગે યોગ ઉજવણીમાં જોડાયેલા યોગા ટ્રેનર સુનિતાબેન નંદવાણી જણાવે છે કે, શરીરને સ્વસ્થ રાખવા યોગ જરૂરી છે. પરંતુ યોગાભ્યાસની નિયમિતતા કેળવવી વધુ આવશ્યક છે. યોગને પોતાની દિનચર્યામાં સામેલ કરવું તે જ ખરા અર્થમાં યોગ દિવસની સાચી ઉજવણી ગણાશે. તેમણે કહ્યું કે, યોગ એ ચહેરાની સાચી સુંદરતા અને દીર્ઘાયુ માટે સૌથી સસ્તી અને અસરકારક દવા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પહેલના કારણે દેશના કરોડો નાગરિકોને યોગસાધનાની પ્રેરણા મળી છે.
આ ઉપરાંત, કામરેજમાં યોગદિન ઉજવણીમાં સહભાગી બનેલા યોગપ્રેમી પુણાભાઈ ભાણાભાઈ વસાવા જણાવે છે કે, હું છેલ્લા ૨૦ વર્ષથી નિયમિત યોગ અને કસરત કરૂ છું. આજે ૬૩ વર્ષની ઉંમરે પણ મારૂ શરીર તંદરુસ્ત અને રોગવિહીન છે. તેનો સીધો શ્રેય નિયમિત યોગને આપવા માંગુ છું. મારી ઉંમરના અનેક લોકો આજે ગંભીર બીમારીથી પીડાતા અને દવાનું સેવન કરતા જોવા મળતા હોય છે. આ ઉપરાંત ધૂમ્રપાનની ખરાબ ટેવના કારણે પણ પોતાના શરીરને ખપાવનાર અનેક એવા વ્યસનીઓ જો નિયમિત યોગ કરતા થાય તો તેમના માટે આવી કુટેવો છોડાવવા યોગ એક મોટું હથિયાર સાબિત થઇ શકે તેમ છે એમ તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું.
આ યોગ દિન કાર્યક્રમમાં નાનકડા ભૂલકાઓએ પણ ઉત્સાહથી જોડાઈને યોગમુદ્રાઓ કરી હતી. સુરતની વશિષ્ઠ વિદ્યાલયમાં ધો.૮માં અભ્યાસ કરતી માધવી જોષીએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, શાળાના અભ્યાસ દરમિયાન યોગનું મહત્વ દર્શાવતા પાઠ થકી મને યોગથી સ્વસ્થ રહેવાની પ્રેરણા મળી છે. આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી પણ દેશના દરેક નાગરિકો યોગને અપનાવે એ માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે હું હવેથી નિયમિત યોગ કરીશ, અને પરિવારને પણ યોગ કરાવીશ. ‘યોગ ભગાવે રોગ’ એ વાક્યને સૌએ જીવનમાં ઉતારવું જોઈએ અને આજથી જ નિયમિત યોગ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.