સુરત(Surat): નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નેતા વિપક્ષ અને AAPના રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હિરપરા(Rakesh Hirpara)એ શિક્ષણ સમિતિના એક કૌભાંડને ખુલ્લું પાડ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ધોરણ 1ના બાળકોને સ્ટોરીટેલીંગ (વાર્તા કહેવા) માટે 20 જુન 2022ના રોજ અલગ અલગ એજન્સીઓ પાસેથી ભાવ મંગાવ્યા હતાં. એમાં ત્રણ કંપનીઓએ પોતાના ભાવ મોકલ્યા હતાં.
ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સતા પક્ષ સામે સવાલ કરતા કહ્યું છે કે, સૌ પ્રથમ વાત તો એ કે આટલા અનુભવી શિક્ષકો સમિતિ પાસે હોવા છતાંય માત્ર 45 મિનીટની વાર્તા કહેવા માટે બહારની એજન્સીને કામ શા માટે આપવું પડે ? સમિતિની દરેક શાળામાં સ્માર્ટ ક્લાસ, પ્રોજેક્ટર અને ઈન્ટરનેટની સુવિધા છે તો પછી બહારની એજન્સીને વાર્તા કહેવા માટે 45 મિનીટના 1880 રૂપિયા શા માટે આપવાના ? જોકે જેને કામ આપવામાં આવ્યું હતું એ એજન્સીએ સ્કૂલમાં જઈ વાર્તા કરવાને બદલે કાગળ પર જ વાર્તા કરી દીધી હોવાનું સામે આવ્યું હતું.
આ કામ માટે નુપુર ગજેરા, નિયા ક્રીએશન અને છેલના શાહ નામની નીચે દર્શાવેલી ત્રણ કંપની/વ્યક્તિઓએ તૈયારી બતાવી હતી અને ભાવ મોકલ્યા હતાં. પણ એમણે જે સરનામા સાથે અરજી કરી હતી એ સરનામા ઉપર આવી કંપની કે વ્યક્તિ અસ્તિત્વ જ ધરાવતી નથી જે અંગેના વિડીયો પુરાવા રાકેશ હિરપરાએ રજૂ કર્યા હતાં.
રાકેશ હીરપરાએ જણાવતા કહ્યું છે કે, 20 જુનના રોજ સમિતિએ આ કામની જાહેરાત કરી અને એના એ જ દિવસે નુપુર ગજેરાના નામે અરજી ઈનવર્ડ થઇ ગઈ. 21 જુનના રોજ છેલના શાહ અને નિયા ક્રીએશને અરજીઓ ઈનવર્ડ કરાવી અને એમના આવક નંબર છે 5344 અને 5355, એનો અર્થ એવો થયો કે બંને એક જ સમયે અરજી કરવા માટે આવ્યા હતાં. છેલના શાહ અને નુપુર ગજેરાની અરજી અક્ષરશઃ એક જેવી જ છે, એનો અર્થ એવો થયો કે આ ખોટી અરજીઓ કોઈ એક વ્યક્તિએ જ બનાવેલી છે.
નિયા ક્રિએશનના માલિકે 24 જુનના રોજ પોતાના આ કામના ફોટા ફેસબુક ઉપર મુક્યા હતાં, એ ફોટા શાળાના વાલીઓ અને શિક્ષકોને બતાવવામાં આવ્યા ત્યારે એમણે જણાવ્યું કે આ પ્રવૃત્તિ તો શિક્ષકોએ જાતે મહેનત કરીને બાળકો પાસે કરાવેલી છે, કોઈ એજન્સીએ આ પ્રવૃત્તિ કરાવી નથી.
વધુમાં કહ્યું હતું કે, સ્કૂલબેગ, યુનિફોર્મ, બુટ-મોજા, સ્ટેશનરી કીટ, વગેરે તમામ મુદ્દે સમિતના નિર્ણયો સામે સવાલ ઉઠી રહ્યા હોવા છતાંય સમિતિ આ બાબતે જરાય ગંભીર નથી. આ ઘટનાની તપાસ કરીને ગુનેગારો વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ અને સમિતિ અધ્યક્ષ જો કામ ન કરી શકતાં હોય તો એમણે પોતાનું પદ છોડી દેવું જોઈએ એવી આમ આદમી પાર્ટીની માંગણી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.