ગુજરાત(gujarat): રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા આજે સવારે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાં ‘આપ’ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ અને આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓએ રાઘવ ચઢ્ઢાનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની વધતી જતી લોકપ્રિયતાને જોઈને અને જેવી રીતે આમ આદમી પાર્ટી જનતાના મનમાં પોતાનું સ્થાન બનાવી રહી છે તેને જોઈને ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે, બોખલાઈ ગઈ છે અને આવી રીતે તમામ પ્રકારની યુક્તિઓ અપનાવી રહી છે. આજે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલાઓ કરાવી રહી છે. ભાજપના લોકો આમ આદમી પાર્ટી દ્વારા ભગવાન ગણેશની પૂજા માટે ઉભા કરાયેલા પંડાલોને ઉખેડી નાખે છે, તેઓ મારપીટ કરે છે, અમારા નેતાઓના માથા ફોડી નાખે છે, જે બિલ્ડિંગમાં આમ આદમી પાર્ટી તેની સભાઓ કરે છે કે હોલ કે જેમાં અરવિંદ કેજરીવાલજી જનતાને સંબોધિત કરે છે, બીજે જ દિવસે ભારતીય જનતા પાર્ટી ત્યાં બુલડોઝર મોકલીને તે હોલને તોડી નાખવાનું કામ કરી રહી છે.
આજે વડાપ્રધાન સૌરાષ્ટ્રની ધરતી પર છે, આમ આદમી પાર્ટીના અનેક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. અમારા જામનગર નોર્થનાં ઉમેદવારને તેમના ઘરે નજરકેદ કરીને ઘરમાં કેદ કરવામાં આવ્યા છે. અમારા સંગઠન મંત્રી, અમારા લોકસભા ઇન્ચાર્જ, અમારા જિલ્લા પ્રધાન, અમારા તમામ મોટા અધિકારીઓને કાં તો ઘરમાં કેદ કરવામાં આવ્યા છે અથવા તો પોલીસ સ્ટેશનમાં બોલાવીને વડાપ્રધાનનો કાર્યક્રમ પૂરો થાય ત્યાં નજરકેદ કરીને બેસાડી રાખવામાં આવશે. આ બધી વસ્તુઓ જુના વિડીયો નિકાળીને બતાવવા, કોઇ 5 વર્ષ જુના વિડીયોને આજના વિડીયો તરીકે સરખાવીને બતાવવા, આખી રાજનીતિને ગોળ-ગોળ ફેરવીને બતાવવી એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે.
તેમણે વધુ માં જણાવતા કહ્યું કે, ભાજપ એટલા માટે ડરી ગઈ છે કારણ કે આજે ગુજરાતની જનતા 27 વર્ષની અહંકારી પાર્ટી પાસેથી હિસાબ માંગી રહી છે. લોકો કહી રહ્યા છે કે, તમે 27 વર્ષમાં શું શું કામ કર્યું? એમનાં વિશે તો જણાવો. જ્યારે એક સામાન્ય ગુજરાતી આ 27 વર્ષની અહંકારી ભાજપને પૂછે છે કે તમે મોંઘવારીનું શું કર્યું, તો ભાજપ પાસે કોઈ જવાબ નથી હોતો. જ્યારે એક સામાન્ય ગુજરાતી પૂછે કે, ગુજરાતમાં આટલી બેરોજગારી છે, 150 નોકરીની જગ્યાઓ માટે ત્રણ લાખથી વધુ આવેદનપત્રો ભરાય છે, તો તમારો જવાબ શું છે? પરંતુ 27 વર્ષના અહંકારી ભાજપ પાસે કોઈ જવાબ નથી. જ્યારે સામાન્ય ગુજરાતી સરકારને પૂછે છે કે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના માફિયા વાર્ષિક 10,000 કરોડથી વધુ ચલાવે છે, તો તેના પર તમારો શું જવાબ છે, તો 27 વર્ષની ભાજપ સરકાર પાસે કોઈ જવાબ નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આજે ડ્રગ્સના મામલે ગુજરાત ભારતનું એન્ટ્રી પોઈન્ટ બની ગયું છે, તો ભાજપ પાસે કોઈ જવાબ નથી. આ તમામ મુદ્દાઓને રદબાતલ કરવા માટે, આ તમામ મુદ્દાઓને ભૂલાવવા માટે, ભાજપ આજે એક જૂનો વીડિયો લાવીને પ્રાસંગિકતા આપવાનો પ્રયાસ કરી રહી છે. આજે હું સીધું કહેવા માંગુ છું કે, જો આમ આદમી પાર્ટીનાં પ્રદેશ નેતા ગોપાલ ઈટાલિયાએ કોઈ વાંધાજનક શબ્દ બોલ્યા હોય, કોઈના વિશે કહ્યું હોય, તો કડકમાં કડક કાર્યવાહી કરો, તમને લાગે તો જેલમાં પૂરી દો, પરંતુ ગોપાલ ઈટાલિયા જે પ્રશ્નો પૂછે છે એના જવાબ આપો.
ગુજરાતની સાડા છ કરોડ જનતા પૂછી રહી છે કે, મોંઘવારીથી લઈને બેરોજગારી સુધી, ભ્રષ્ટાચારથી લઈને ગુજરાતમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના ધંધા સુધીના જે પ્રશ્નો છે તે પ્રશ્નોના જવાબ ભાજપ આપે. ગોપાલ ઈટાલિયા એ જ કહી રહ્યા છે કે, સામાન્ય પરિવારના બાળકને સારું શિક્ષણ મળે, ગુજરાતમાં દરેક જગ્યાએ સારવાર મફત હોય, મોહલ્લા ક્લિનિક બને, હોસ્પિટલો બને, આજે દરેક ઘરમાં 300 યુનિટ વીજળી મફત મળે, એટલે કે ગોપાલ ઇટાલિયા ગુજરાતીઓના હિતમાં વાત કરી રહ્યા છે.પરંતુ ભારતીય જનતા પાર્ટી આજે ગોપાલ ઇટાલિયાનાં કેટલાક જુના વીડિયોને મુદ્દો બનાવવા માંગે છે. આમ આદમી પાર્ટી અને 6.5 કરોડ ગુજરાતીઓના જે સવાલો છે એનાંથી ભટકાવવા માટે ભાજપ કહે છે કે એક જૂનો વીડિયો આવ્યો છે, હવે તે જુઓ અને અમને વોટ આપો, અમને કોઈ સવાલ ન કરો, માત્ર વીડિયો જોઈને અમને વોટ આપો.
અમને ફોન કરીને લોકો સવાલ પૂછી રહ્યા છે કે, શું ગોપાલ ઈટાલિયા પર ભારતીય જનતા પાર્ટી એટલા માટે હુમલો કરી રહી છે કેમકે તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે? આજથી થોડા વર્ષો પહેલા સમગ્ર ગુજરાતમાં જોરદાર આંદોલન થયું ત્યારે સમગ્ર પાટીદાર સમાજ રસ્તા પર ઉતરી આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો હતો. શું તે આંદોલનનો બદલો લેવા માટે ભાજપ આજે આમ આદમી પાર્ટીના પાટીદાર નેતા ગોપાલ ઈટાલિયા પર હુમલો કરી રહ્યું છે? શું ભાજપ એ આંદોલનનો બદલો લઈ રહી છે? અમે ઈચ્છીએ છીએ કે ભાજપ આ પ્રશ્નનો જવાબ આપે. આજે ભાજપ તેની 27 વર્ષની અહંકારી સરકારના એક પણ કામને ગણાવી શકતી નથી, તેથી તે જૂના વીડિયો લાવીને મુદ્દાને ભટકાવવા માટે તેને જોડવાનો પ્રયત્ન કરી રહી છે.
આજે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત આવે છે, ત્યારે તેઓ દિલ્હીમાં કરેલા તેમના 7 વર્ષના કાર્યનું રિપોર્ટ કાર્ડ લઈને આવે છે. અરવિંદ કેજરીવાલ કહે છે કે, મેં દિલ્હીના દરેક વ્યક્તિને 300 યુનિટ વીજળી મફત આપી, દર મહિને 20,000 લિટર પાણી મફત આપ્યું, મોહલ્લા ક્લિનિક અને સારી સારવાર આપી, શાનદાર હોસ્પિટલ બનાવ્યા, દરેક બાળકને ઉત્તમ શિક્ષણ આપ્યું, વૃદ્ધોને મોટા મંદિરોનાં દર્શન કરાવવા માટેનું કામ કર્યું. દિલ્હીની મહિલાઓને મફત બસમાં મુસાફરી કરાવી અને આ બધા કામોના આધારે અરવિંદ કેજરીવાલ વોટ માંગે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જ્યારે ગુજરાત આવે છે ત્યારે તેઓ તેમની સરકારની 7 મહિનાની કામગીરીનું રિપોર્ટ કાર્ડ લઈને આવે છે, તેમણે કેવી રીતે 30,000 લોકોને કાયમી રોજગારી આપી, હજારો લોકોને નોકરી આપી, 300 યુનિટ વિના મૂલ્યે વીજળી આપી, અને જાણ નથી કે બીજું શું-શું આપ્યું? તે પંજાબ સરકારના પોતાના 7 મહિનાના કામના નામે વોટ માંગે છે. આજે આમ આદમી પાર્ટીના લોકો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગે છે કે અમે અમારા દિલ્હીના 7 વર્ષના કામ અને અમારા પંજાબના 7 મહિનાના કામના આધારે વોટ માંગીએ છીએ, શું તમે તમારા 27 વર્ષના કામના આધારે વોટ માંગી શકો છો? તમે કોઈ એવી વાત ગણાવી શકો છો કે ભાજપ સરકારે ગુજરાતના સામાન્ય લોકોનું જીવન સરળ બનાવવા માટે કર્યું હોય? આજે આ જ સવાલ ગુજરાતની જનતા પૂછી રહી છે.
ગુજરાતની જનતાના પ્રશ્નને દબાવવા માટે પ્રોપેગેંડા ચલાવવામાં આવશે. કાદવ ઉછાળવામાં આવશે, આમ આદમી પાર્ટી પર હુમલા કરવામાં આવશે, અમે જે બિલ્ડીંગ પર સભા કરીએ છીએ તેને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે, સભાની પરવાનગી માટે અરવિંદ કેજરીવાલની રેલીઓ રદ થશે, અમારા તમામ નેતાઓ પર હુમલા થશે, ગુજરાત સરકાર આપણા બધાના ફોન પણ ટેપ કરાવી રહી છે, તમામ યુક્તિઓ અપનાવી રહી છે, માત્ર એક જ વાત માટે કેજરીવાલને રોકો, આમ આદમી પાર્ટીને રોકો. જે પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે તેઓ ગુજરાતમાં પણ આવશે તો અમારી દુકાનોને તાળા લાગી જશે. આજે ગુજરાતમાં ભાજપના લોકોના બાળકો, સગાંવહાલાં સૌ કરોડપતિ બની ગયા છે, પણ હું ગુજરાતની સામાન્ય જનતાને પૂછવા માગું છું કે, તમને કંઈ મળ્યું? શું તમારા બાળકોને સારું શિક્ષણ મળ્યું છે? શું તમારું ભવિષ્ય સુધર્યું છે? શું તમારા ખિસ્સામાં બે પૈસા ખર્ચવા માટે સરકારે આપ્યા? આ લોકો આવું ક્યારેય નહીં કરે. તે તેના સંબંધીઓ, તેના મિત્રો, તેના બાળકો માટે તમામ કામ કરશે. જો તમે તમારા બાળકો, તમારા પરિવારના ભવિષ્યની ચિંતા કરતા હોવ તો આ વખતે સૌ લોકો સાથે મળીને પરિવર્તન માટે ઝાડુનું બટન દબાવી આમ આદમી પાર્ટીને વોટ આપો.
આજે ભારતીય જનતા પાર્ટી અમારાથી એટલી ડરી ગઈ છે કે તે અમને અપશબ્દો કહે છે, અમે જે બિલ્ડિંગમાં સભા કરીએ છીએ તે બિલ્ડિંગ બુલડોઝરથી તોડી નાંખે છે, અમારા ફોન ટેપ થાય છે. દિલ્હીના એક મંત્રીએ રાજીનામું આપી દિધું અને સાથે એક પત્ર પણ લખીને એમાં કહ્યું છે કે, ભાજપ કેવી રીતે દલિતો પર હેરાન કરી રહી છે, ભાજપ કેવી રીતે દલિત સમાજનાં લોકો પર અત્યાચાર કરી રહી છે. આજે ભાજપ કોઈ પણ સમુદાય માટે કામ કરતું નથી, કોઈ જાતિ, કોઈ ધર્મ માટે કામ માટે કામ નથી કરતી, ભાજપ માત્ર તેના સંબંધીઓ માટે, તેના બાળકો, તેના મિત્રો માટે કામ કરે છે. તે તેમના સોનાના મહેલ બનાવે છે, તેમની કરોડોની ફેક્ટરીઓ બનાવે છે, તેમના મોટા શોપિંગ મોલ બનાવે છે, તેમને હજારો કરોડ રૂપિયા આપે છે. તે ન તો કોઇ સમુદાયનીછે, કે કોઈ ધર્મની છે, તે ફક્ત પોતાની છે અને પોતાનું જ હિત જાણે છે.
ભાજપ જે મુદ્દો નથી એને પણ મુદ્દો બનાવે છે. જ્યારે અરવિંદ કેજરીવાલએ કહ્યું કે, હું હનુમાનજીનો ભક્ત છું, મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો, ત્યારે ભાજપના લોકો 1968નું કેલેન્ડર લઈને ફરી રહ્યા છે અને એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે 1968માં જન્માષ્ટમી ક્યારે હતી. હું ભાજપના લોકોને કહેવા માંગુ છું કે, અમે અમારા ઈષ્ટદેવની પૂજા કરીએ છીએ, તેમને પ્રેમ કરીએ છીએ. આ વિષયોની મજાક ના ઉડાવો. કોઈ ભગવાન કૃષ્ણના ભક્ત છે, કોઈ હનુમાનજીના ભક્ત છે, તેમની મજાક ના ઉડાવો. આજે ભાજપ લોકોી ભાવનાઓ સાથે રમવાનું કામ કરી રહી છે.
ભાજપના નેતાઓ કોંગ્રેસને ગાળો આપતા નથી, કોંગ્રેસનાં હોલ્ડિંગ્સ ફાડતા નથી, કોંગ્રેસ જે બિલ્ડિંગમાં જાહેર સભાઓ કરે છે તે બિલ્ડિંગ બુલડોઝરથી નથી તોડતી, કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવતી નથી, કોંગ્રેસના નેતાઓના ગણેશ પંડાલને ઉખેડી નાંખતા નથી. આમ આદમી પાર્ટીની સાથે આ બધું થઈ રહ્યું છે કારણ કે ભાજપ ગભરાયેલી છે.
આજે દિલ્હીમાં ડબલ એન્જિનની સરકાર નથી. ડબલ એન્જીની એમને જરુર પડે છે જેમનું પહેલું એન્જીન ખરાબ હોય. ભાજપનું એક એન્જિન હંમેશા ખરાબ જ રહે છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર જ્યાં પણ ડબલ એન્જિનની સરકાર છે, ત્યાં 100 ગણા વધારે કામ શિક્ષિત, પ્રામાણિક અને ઈમાનદાર અરવિંદ કેજરીવાલ દ્વારા કરીને બતાવ્યા છે. આજે પંજાબમાં ડબલ એન્જિનની સરકાર નથી, પરંતુ જ્યાં પણ ડબલ એન્જિનની સરકાર છે, તેનાથી વધારે કામ ભગવત માનની સરકારે કરીને બતાવ્યું છે. આવું ડબલ એન્જિન વાપરવાનો કોઈ ફાયદો નથી કે જેનું એક એન્જિન હંમેશા ખરાબ રહેતું હોય. સ્વચ્છ, શિક્ષિત આમ આદમી પાર્ટીને મત આપો.
જાન્યુઆરી 2015માં દિલ્હીના રામલીલા મેદાનમાં એક રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાનએ કહ્યું હતું કે, આ લોકો અર્બન નક્સલવાદી છે, તેમને જંગલમાં જતું રહેવું જોઈએ. એક મહિના પછી, વિધાનસભાની ચૂંટણીમાં, દિલ્હીની જનતાએ તેમના વોટની શક્તિથી બતાવી દીધું હતુ કે, કોણે દિલ્હી સચિવાલયમાં જઈને સરકાર ચલાવવી જોઈએ અને કોણે જંગલમાં જવું જોઈએ. આજે ભાજપના લોકો અરવિંદ કેજરીવાલને સારું-ખરાબ કહી રહ્યા છે. અમે આ ગંદા રાજકારણમાં પડવા માંગતા નથી. તમે અમને ગાળો આપશો, અમે મોહલ્લા ક્લિનિક બનાવીશું, તમે અમને નક્સલવાદી કહીશું, અમે બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરીશું, તમે અમને વધારે ગાળો આપશો, અમે ગુજરાતની જનતાને મફત વીજળી આપીશું. અમે અમારા એજન્ડા પર ચાલીશું, તમે તમારા એજન્ડાને પર ચાલો.
કોંગ્રેસ પાર્ટી ગુજરાતની રાજનીતિમાંથી સાફ થતી દેખાઈ રહી છે. કોંગ્રેસ ઘરડી થઇ ગઇ છે, થાકી ગઇ છે. જ્યારે ઘરમાં કોઈ વૃદ્ધ થાય છે ત્યારે તેને કામ કરાવવામાં આવતું નથી, તેમને હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરવામાં આવે છે. આજે કોંગ્રેસ એક 95 વર્ષની વૃદ્ધ મહિલા છે જેને ICUમાં લઈ જઈને સારી સારવાર આપવી જોઈએ, તેમની સેવા કરવી જોઈએ. રાહુલ ગાંધી તમિલનાડુ કેરળમાં ભારત જોડો યાત્રા નિકાળી રહ્યા છે અને ગુજરાતમાં ચૂંટણી છે. તેઓ એવા રાજ્યોમાં ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે જ્યાં ભારતીય જનતા પાર્ટી નથી. તમે જાતે જ સમજી લો તે તેઓ કેટલા ગંભીર છે. આવી નકામી કોંગ્રેસ પાસેથી શું અપેક્ષા રાખી શકાય કે જેને ભારતની રાજનીતિ વિશે કંઈ જ ખબર નથી. સરદાર-ગાંધીના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી એટલા માટે છે કારણ કે ભાજપ 27 વર્ષથી એક નકામી થાકેલી કોંગ્રેસ સામે લડી રહ્યી છે.
જ્યારે જ્યારે પણ ભાજપ અરવિંદ કેજરીવાલ સાથે સ્પર્ધા કરે છે ત્યારે તેમને નાની યાદ આવી જાય છે. દિલ્હી હોય કે પંજાબ હોય કે અન્ય રાજ્ય હોય. ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે કે કોંગ્રેસને વોટ આપવાનો મતલબ વોટને વોડફવો છે, જો પાર્ટી 27 વર્ષથી ભાજપને હરાવી શકી નથી તે હવે શું હરાવી શકશે. જે લોકો પરિવર્તન ઈચ્છે છે તેઓ આમ આદમી પાર્ટીને વોટ આપશે. આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા, સહિત આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.