સુરત(Surat): શહેરમાં પૈસાની લેતી દેતી મામલે ચાર લોકોએ એક યુવકને દુકાનની અંદર પડેલ કાપડના લીરાથી બંને હાથ અને પગ બાંધીને પગ વડે લાતોથી અને લાકડાના ફટકાઓથી ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, 28 વર્ષીય ધવલભાઈ ઘનશ્યામભાઈ જીયાણી એકાઉન્ટન્ટની નોકરી કરે છે. (રહે, ભગવતી સોસાયટી, સરથાણા). પોલીસ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું છે કે, તેઓ 2016 થી 2018 સુધી કડોદરા સુરત રોડ ભરત કેન્સર હોસ્પિટલ સામે આવેલ ડીએમડી માર્કેટમાં એ બ્લોક દુકાન નંબર 307 દીપ્તિ ક્રિએશનમાં ભાવેશ શાહની દુકાનનું જીએસટી નું રિટર્ન અને એકાઉન્ટનું કામ કર્યું હતું. ત્યારબાદ ધવલભાઇ પાસે ટાઈમ ન રહેતો હોવાને કારણે જીએસટી નું કામ કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ બે જાન્યુઆરી 2023 ના રોજથી ભાવેશ શાહ ફરી જીએસટી ભરવાનું કામ જણાવતા ધવલભાઇએ જીએસટી નું કામ શરૂ કર્યું હતું.
આ દરમિયાન ભાવેશ શાહ જીએસટીનું રિટર્નનું કામ કરવા માટે ટુકડે ટુકડે ત્રણ લાખ બે હજાર રૂપિયા ધવલભાઇ ના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. પરંતુ આ રૂપિયા ધવલભાઇ થી ખર્ચ થઈ ગયા હતા અને તેણે ભાવેશ શાહની દુકાનની જીએસટી નું રિટર્ન ભરેલું હતું નહીં. આ વાતની જાણ ભાવેશ શાહને થઈ હતી અને ધવલભાઈ એ ભાવેશભાઈ ને તેમના રૂપિયા પરત ચૂકવી આપીશ તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ 4 માર્ચ 2023 ના રોજ સાંજના ચારેક વાગ્યાની આસપાસ ભાવેશ શાહ ધવલભાઈ ના ઘરે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે મારે તારા પિતાજીને મળવું છે. આ સમય દરમિયાન ધવલભાઇ ના પિતાજી ઘરે હાજર ન હોવાને કારણે ભાવેશ શાહ બાદમાં ફરીથી રાતના આઠેક વાગ્યાની આજુબાજુ ધવલભાઇ ના ઘરે આવ્યા હતા અને તેના પપ્પા સાથે જીએસટીના રૂપિયાની વાતચીત કરી જતા રહ્યા હતા.
ત્યારબાદ તારીખ 5 માર્ચ 2023 ના રોજ બપોરના 12:30 વાગ્યાની આજુબાજુ ભાવેશ શાહે ધવલભાઈના પિતાના ફોનમાં ફોન કરીને જણાવ્યું હતું કે, તમે ડીએમડી માર્કેટ આવો આપણે રૂબરૂ વાતચીત કરીએ. ત્યારબાદ ધવલભાઈ અને તેમના પિતા લીમડી માર્કેટ ખાતે ભાવેશ શાહની દુકાને ગયા હતા અને ધવલભાઇ અને તેના પિતા ભાવેશ શાહ સાથે દોઢ બે કલાક રોકાયા હતા અને જીએસટી ના રૂપિયા બાબતે વાતચીત કરી હતી.
ત્યારબાદ થોડીવારમાં ભાવેશ શાહે પ્રતીક રાહુલ અને અમર ને ફોન કરીને બોલાવ્યા હતા. ત્યારબાદ ભાવેશ શાહે અમરને બહારથી લાકડાના ફટ કાલે આવવાનું કહ્યું હતું. ત્યારબાદ આ લોકોએ દુકાનનું શટર બંધ કરી અને ભાવેશ શાહે ધવલભાઇ ને ગંદી બિપચય ગાળો આપી હતી અને ધવલભાઇ ને કાપડના લીરા થી બંને હાથ અને પગ બાંધી દીધા હતા અને લાતોથી અને લાકડાઓના ફટકાઓ થી પાછળ થાપા ના ભાગે ઢોર માર માર્યો હતો.
જેને કારણે દુકાનમાં ગોંધી રાખ્યા બાદ ધવલભાઇ ની તબિયત બગડતા રાતના આશરે 11 વાગ્યાની આજુબાજુ ભાવેશ શાહ અને અમર દુકાનેથી ફોરવીલ માં બેસાડી સારોલી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. આ દરમિયાન ભાવેશ શાહે કહ્યું હતું કે મારા રૂપિયા આપી દેજે તને પહેલી અને છેલ્લી વખત જીવતો જવા દઉં છું અને આ બાબતે જો કોઈને વાત કરીશ તો તારી લાશ પણ નહીં મળે. તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
હાલમાં તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવકને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથે જ ભાવેશ શાહ તથા પ્રતીક, રાહુલ અને અમર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.