સુરતના લિંબાયતમાં સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર બાદ હત્યા મામલે આરોપી અનિલ યાદવને અત્રેની સેશન્સ કોર્ટ દ્વારા અપાયેલી ફાંસીની સજાને હાઇકોર્ટે પણ યથાવત રાખી હતી. ત્યારબાદ આજે સેશન્સ કોર્ટના જજ પીએસ કાલાએ ડેથ વોરંટ ઈશ્યુકરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદની સાબરમતી જેલમાં 29 ફેબ્રુઆરીના રોજ સવારે ચાર વાગે આરોપી અનિલ યાદવને ફાંસીની સજા આપવામાં આવશે. આરોપીને અંતિમ શ્વાસ સુધી ફાંસીના માંચડે લટકાવવામાં આવશે તેવો આદેશ કર્યો છે. એડી. સેસન્સ જજ પી એસ કાલાએ આદેશ કર્યો છે. અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે આરોપીને ફાંસી આપવામાં આવશે. ઓક્ટોબર 2018માં ગોડાદરામાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કરી તેની હત્યા કરવામાં આવી હતી. જે મામલે અનિલ યાદવને સુરત કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેસને સેશન્સ અને હાઈકોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
આપણે જણાવી દઈએ કે, વર્ષ 2018માં સુરતના લીંબાયતમાં રહેતા 26 વર્ષિય આરોપી અનિલ યાદવે પોતાના ઘર નજીક રહેતા પરિવારની સાડા ત્રણ વર્ષની દીકરીને પોતાના રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચરીને હત્યા કરી નાંખી હતી. બાદમાં માસુમ બાળકીના મૃતદેહને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને તે પોતાના વતન નંદુરબાર ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો. CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં ઘટનાના 290 દિવસ બાદ 31 જુલાઈના રોજ અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી હતી.
પોલીસ સમક્ષ કરી હતી કબૂલાત
અનિલ યાદવે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમણે દુષ્કર્મ પહેલા 14 ઓક્ટોબરની રાત્રે મોબાઇલ પર અશ્લિલ વીડિયો જોયા હતા ત્યાર બાદ સાડા ત્રણ વર્ષની બાળકી રૂમમાં આવી જતા બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તેની હત્યા કરીને ટ્રેન મારફતે બિહાર પોતાના વતન ભાગ્યો હતો.
સુપ્રીમ અને રાષ્ટ્રપતિને અરજી કરી શકે
સેશન્સ કોર્ટના ફાંસીના આદેશને 149 દિવસ થયા બાદ હાઇકોર્ટે પણ વિવિધ પાસાંઓ અને પુરાવાઓ ઉપરાંત ટ્રાયલ દરમિયાન થયેલી દલીલો સહિતના મુદ્દાઓને ધ્યાને લઈને આરોપી અનિલ યાદવ ફાંસીને જ લાયક હોવાનું ઉચિત માન્યું હતું. જો કે, આરોપી હવે પોતાનો બચાવ કરવા માટે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. તે રાષ્ટ્રપતિને પણ દયાની અરજી કરી શકે છે. તેની પાસે બંને વિકલ્પ ખુલ્લા છે.
સેશન્સ કોર્ટના જજ પીએસ કાલા દ્વારા ડેથ વોરંટ જાહેર
મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, શરૂઆતથી જ આ કેસ મારી પ્રાયોરિટી પર રહ્યો. આ સમયગાળામાં એક પછી એક બળાત્કારની ત્રણ જઘન્ય ઘટનાઓ બની હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ તરીકે આ કેસમાં માસૂમ બાળકીને ન્યાય અપાવવો એ જ મારી પ્રાથમિકતા હતી. રાત-દિવસ એક કર્યા. આવા બીજા કેસ પણ જોયા છે. જેમાં બાળકીને જોતાં જ આંખમાં આંસુ પણ આવી ગયાં હતાં. દલીલો દરમિયાન એ દર્દ પણ ઘણી વાર છતું થયું. રાત-દિવસ એક કરીને મહેનત કરી જે રંગ લાવી અને સેશન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા આપી. હાઇકોર્ટે પણ જ્યારે આ સજા યથાવત રાખી છે. હવે સેશન્સ કોર્ટના જજ પીએસ કાલા દ્વારા ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે અને અનિલ યાદવને અમદાવાદની સાબરતી સેન્ટ્રલ જેલમાં 29 ફેબ્રુઆરીએ સવારે 4.30 કલાકે ફાંસી આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.