ગુજરાતમાં ભાજપ માટે ૧૯૮૯થી સલામત બની ગયેલી સુરત લોકસભાની બેઠક ભાજપ માટે આજે પણ એટલી જ સલામત બની રહી છે. સુરત લોકસભા મત વિસ્તારમાં આવતી સાતમાથી પાંચ વિધાનસભા મત વિસ્તારમાં પાટીદાર બહુમતિ હોવા છતાં પણ એક માત્ર વરાછાને બાદ કરતાં કોંગ્રેસ કોઈ જગ્યાએ આક્રમક ટક્કર આપી શકી ન હતી. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર ઉતાર્યા છે તેના કારણે ભાજપની લીડમાં ઘટાડો થશે પરંતુ જીત ભાજપની નક્કી છે તેવું કહેવાય રહ્યું છે.
સુરત લોકસભા માટે ભાજપે વર્તમાન સાંસદ દર્શના જરદોશને છેલ્લી ઘડીએ રિપીટ કર્યા છે તેમની સામે કેટલાક કાર્યકરોની નારાજગી હોવા છતાં સુરતીઓમા ંચાલતી જુથબંધીના કારણે છેલ્લી ઘડીએ તેમની પર પસંદગીનો કળશ ઢોળાયો છે.
જ્યારે કોગ્રેસે પાટીદાર એવા યુવા બિઝનેસમેન અશોકભાઇ વલ્લભભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. બે વર્ષ પહેલાનું પાટીદાર અનામત આંદોલન અને સુરતમાં પાટીદાર મતદારોની વસ્તીને ધ્યાને રાખી પાટીદાર ઉમેદવારની પસંદગી કરી છે.
સુરતના ભાજપના ઉમેદવાર સામે કેટલાકનો વિરોધ અને પાટીદાર ફેક્ટર હોવા છતાં એવું કહેવાય છે કે ભાજપની જીત નિશ્રિત છે પરંતુ જીતનું જે ગત વખતે અંતર હતું તે ઘણું ઘટી શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી એવો દાવો કરવામા આવી રહ્યો છે કે લોકો ભાજપથી ત્રાસી ગયાં છે અને પાટીદાર મતદારો કોંગ્રેસ તરફી છે જેથી ઉલટ ફેર થઈ શકે છે.
જોકે, આવી અનેક અટકળ હોવા છતાં એવું કહેવાય રહ્યું છે કે ૧૯૮૯થી ભાજપ માટે સલામત બનેલી સુરત બેઠક આજે પણ સલામત જ રહી છે. જેનું કારણ એ છે કે સુરત લોકસભા મત વિસ્તારમાં કુલ સાત વિધાનસભા આવે છે તેમાંથી વરાછારોડ, કરંજ, ઓલપાડ, ઉત્તર અને કતારગામમાં પાટીદાર મતદારો મહત્તમ છે પરંતુ લોકસભાની ચુટણી વખતે આંદોલનને જુવાળ હતો તેમ છતાં પણ પાટીદાર પાવરવાળી બેઠક પર કોંગ્રેસનો વિજય થઈ શક્યો નહોતો.
૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૫,૩૩,૧૯૦ મતની લીડ મળી હતી. જોકે, ૨૦૦૯ની લોકભા ચૂંટણીમાં ભાજપની લીડ માત્ર ૭૪,૭૯૮ રહી હતી. ત્યારે કોંગ્રેસે ધીરુ ગજેરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. દરમિયાન ગત ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં સુરત લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે તે ૭ વિધાનસભા બેઠકોમાં કુલ ૩,૧૮,૮૮૯ મતની લીડ મળી હતી.
છેલ્લી પાંચ લોકસભા ચૂંટણીંમાં ભાજપની લીડમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ગત ચૂંટણીમાં મોદીવેવમાં જંગી લીડ મળી હતી. ત્યારે આ વખતની ચૂંટણીમાં તે ઘટી શકે છે. બેઠકમાં સૌરાષ્ટ્રીયન પટેલ મતદારોનો આંકડો ૩.૯૪ લાખથી વધુ છે. ત્યારબાદ મુસ્લિમ મતદારો ૧.૩૬ લાખથી વધુ છે. તેથી ભાજપ માટે સુરત બેઠક પર લીડ જાળવી રાખવી શહેર ભાજપ માટે પણ પ્રતિષ્ઠાનો મુદ્દો બની રહેશે.
કાશીરામ રાણાએ પાયો નાખ્યો
સુરત લોકસભામાં ભાજપનો પાયો નાંખવાનું શ્રેય એક સમયે ભાજપના સુપ્રિમો કહેવાતા કાશીરામ રાણાને જાય છે. કોંગ્રેસના સમયમાં ૧૯૮૯માં સુરત બેઠક પર સી.ડી.પટેલને હરાવીને કાશીરામ રાણાએ સુરતમાં ભાજપનો પાયો નાંખ્યો હતો. ૧૯૮૯થી સતત ૨૦૦૪ સુધી કાશીરામ રાણા છ ટર્મ સુધી સાંસદ રહ્યાઅને કેન્દ્રીય મંત્રી પણ બન્યા હતા.
૨૦૦૯ પહેલાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સામે વિરોધ ઉભો થયો તેમાં કાશીરામ રાણા કેશુભાઈ જુથના હોવાથી રાણાની ટીકીટ કાપીને નવોદિત દર્શના જરદોશને ટીકીટ આપી તે પણ બે ટર્મથી સુરતના સાંસદ છે. છ ટર્મ રાણા અને બે ટર્મ જરદોશ મળીને કુલ ૮ ટર્મથી સુરતમાં ભાજપના જ સાંસદ છે.
સુરત લોકસભા ભાજપ માટે એટલા માટે સલામત છે કે, સુરત લોકસભા વિસ્તારમાં સાત વિધાનસભા આવે છે તે તમામ પર ભાજપના જ ધારાસભ્ય છે. જ્યારે સૌથી મહત્વની એવી સુરત મહાનગરપાલિકા પર પણ ભાજપનો જ કબ્જો છે. આ ઉપરાંત ઓલપાડ તાલુકા પંચાયત અને ચોર્યાસી તાલુકા પંચાયત સહિત જિલ્લા પંચાયતની મોટા ભાગની બઠક પર પણ ભાજપના જ ઉમેદવારો જીત્યા છે. સુરતમાં ભાજપની સત્તા હોવાથી હજી પણ સુરત લોકસભા ભાજપ માટે સૌથી સલામત બેઠક ગણાય છે.
અસર કરે તેવા પરિબળો
મોટાભાગના મતદારો સિટી વિસ્તારના છે. સુરત મહાનગરપાલિકામાં પાયાની તમામ સુવિધાઓ છે. પાણી-ડ્રેનેજ જોડાણના છુટક પ્રશ્નો છે તે અંગે કામગીરી ચાલી રહી છે. સુરત બેઠક ભાજપનો ગઢ છે. સને-૧૯૮૯થી ભાજપનો કબજો છે. જોકે, ગત ૨૦૧૭ની ચૂંટણીમાં સુરત લોકસભા બેઠકમાં આવતી ૭ વિધાનસભા બેઠકના વિસ્તારમાં ભાજપની લીડ ઘટી હતી. છતા કોંગ્રેસ પાસે કોઇ મજબૂત ઉમેદવાર નથી. તેમજ ચૂંટણી માટે આ બેઠકમાં કોઇ મુદ્દા ઉઠાવી શકાય તેવા દેખીતા મુદ્દા હાલમાં નથી.
વર્તમાન સાંસદનું રિપોર્ટકાર્ડ…
બે ટર્મથી ચૂંટાયેલા સાંસદ દર્શના જરદોશ વિશેષ સક્રિય ન હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. તેમણે પોતાનું સંસદીય કાર્યાલય પણ બનાવ્યું નથી. કોટ વિસ્તારની તેમની ઓફિસમાંથી જ બધી કામગીરી થાય છે. ગ્રાન્ટનો પણ પુરેપુરો ઉપયોગ કરી શક્યા નથી. જોકે, પાર્લામેન્ટમાં તેમની હાજરી નિયમિત છે અને પ્રશ્નો પણ ઉઠાવે
મતદારોનું જ્ઞાાતિ મુજબ વર્ગીકરણ
જ્ઞાાતિ |
મતદારોની સંખ્યા |
કોળી પટેલ |
૧,૧૬,૪૮૯ |
કાછીયા પટેલ |
૧,૯૦૦ |
સૌરાષ્ટ્ર્ીયન પટેલ |
૩,૯૪,૮૯૯ |
મહેસાણા પટેલ |
૮,૭૩૪ |
સુરતી પાટીદાર |
૪૭,૫૩૮ |
મુસ્લીમ |
૧,૩૬,૯૪૧ |
વ્હોરા |
૮,૫૫૮ |
જૈન |
૪૭,૧૧૭ |
રાણા |
૩૩,૧૮૭ |
ક્ષત્રીય (ખત્રી) |
૩૬,૧૯૭ |
મોઢ વણિક |
૫૧,૪૮૧ |
દલિત |
૧,૨૮,૯૫૪ |
પરપ્રાંતિય |
૮૮,૬૧૩ |
મારવાડી-રાજસ્થાની |
૬૪૨૧ |
આહીર- રબારી |
૧૫૭૬૭ |
બ્રાહ્મણ- દેસાઈ |
૩૧૨૧૭ |
મરાઠી |
૪૪૪૪૯ |
સાતેય વિધાનસભા પર ભાજપનો કબજો
બેઠક |
ઉમેદવાર |
લીડ |
ઓલપાડ |
મુકેશ પટેલ |
૬૧,૫૭૮ |
સુરત પશ્વિમ |
પૂર્ણેશ મોદી |
૭૭,૮૮૨ |
કતારગામ |
વીનુ મોરડીયા |
૭૯,૨૩૦ |
સુરત ઉત્તર |
કાંતિ બલર |
૨૦,૦૨૨ |
કરંજ |
પ્રવિણ ઘોઘારી |
૩૫,૫૯૮ |
વરાછા રોડ |
કિશોર કાનાણી |
૧૩,૯૯૮ |
સુરત પૂર્વ |
અરવિંદ રાણા |
૧૩,૩૪૭ |