નૂંહ જિલ્લાના ગામડાંમાં હજી પણ પાણી સૌથી મોટી સમસ્યા છે, પણ સાત દાયકામાં ક્યારેય તેના પર ધ્યાન અપાયું નથી. ‘જળ એ જ જીવન છે’ આ પંક્તિ આપણે શાળાનાં પુસ્તકોમાં ભણ્યા હતા. પરંતુ પાણી મેળવવા માટે લોકોએ દરરોજ જહેમત ઉઠાવવી પડે તો તેને શું કહેવું તે પણ એક સવાલ છે.
દેશની રાજધાની દિલ્હીથી ફક્ત 100 કિમી દૂર હરિયાણાના નૂંહ જિલ્લામાં આવ્યું છે ભાદસ ગામ.
આ ગામનું દુર્ભાગ્ય છે કે આઝાદીનાં 72 વર્ષ પછીય અહીંના લોકોને પીવાનું પાણી મળતું નથી.
1200 પરિવારોની વસતિ ધરાવતા આ ગામમાં લોકોએ પૈસા ખર્ચીને પાણીનાં ટૅન્કરો મગાવવાં પડે છે.
પાણીનો સંગ્રહ કરવા માટે દરેક ઘરમાં મોટા મોટા ટાંકા બનાવાયા છે. લોકો સ્થાનિક ભાષામાં તેને ‘કુંડા’ કહે છે.
જોકે, ઘણા ગરીબ પરિવારો એવા પણ છે જેમની પાસે પાણીનું ટૅન્કર ખરીદવાના પૈસા નથી. તેઓ ઘરમાં ટાંકા બનાવી શકે તેવી સ્થિતિમાં પણ નથી. તેને કારણે ગરીબ પરિવારોની મહિલાઓએ પાણી ભરવા માટે દૂર-દૂર સુધી જવું પડે છે.
મેવાત તરીકે ઓળખાતા આ વિસ્તારનું ભૂગર્ભ જળ ક્ષારવાળું છે.
આ પાણી પીવાલાયક નથી તથા બીજા કોઈ કામમાં પણ ઉપયોગી નથી. તેના કારણે આ વિસ્તારના લોકોએ પાણી માટે કેટલાય કિમી દૂર ભટકવું પડે છે અને પૈસા ખર્ચીને ટૅન્કર મગાવવું પડે છે.
આ કહાની માત્ર ભાદસ ગામની નથી, પરંતુ નૂંહના નગીના તાલુકાના લગભગ બધાં ગામોની હાલત આવી છે.
ભાદસના ધૂળિયા રસ્તા પર અમારી મુલાકાત 80 વર્ષનાં વૃદ્ધા ભજરી સાથે થઈ.
મેં તેમને પાણીની સમસ્યા વિશે પૂછ્યું તો મારો હાથ જ પકડી લીધો. મને કહે બહુ તકલીફમાં છીએ દીકરી, વસતિમાં પાણી આવે તેવું કંઈક કરી દે.
ધ્રૂજતા અવાજે તેઓ કહે છે, “ઘરમાં એક ટીપું પાણી નથી, નહાવું તો શેનાથી. રોજા કેવી રીતે રાખવા. ટૅન્કર બોલાવ્યું હતું પણ આવ્યું નહીં.”
“આખું ઘર જોઈ લો જરાય પાણી નથી. 15 દિવસ પછી રમઝાન આવશે. રોજ ભારે ગરમી પડે છે. થાય છે કે નહાઈ લઈએ, ગંદકી તો નાપાક(અપવિત્ર) છે. પણ નાહી જ ન શકીએ તો પાક(પવિત્ર) ક્યાંથી રહીએ.”
મને 2000 રૂપિયાનું પેન્શન મળે છે. દીકરો ચાની લારી ચલાવે છે. કેવી રીતે પીવાનું પાણી મેળવીએ છીએ એ અમે જ જાણીએ છીએ.”
“પાંચ દિવસ થઈ ગયા છે, ટૅન્કરવાળો પાણી આપવા જ આવ્યો નથી. ઉનાળામાં મનફાવે તેટલા પૈસા માગે છે. મહિને 5000 રૂપિયા ખર્ચવા પડે છે.”
બાજુમાં રાખેલા માટલા તરફ ઇશારો કરીને કહે છે કે જોઈ લે બેટા, બસ આટલું જ પાણી બચ્યું છે. અમને પાણી પીવા નથી મળતું ત્યારે આ પશુઓને ક્યાંથી પીવડાવવું.
અમારી વાતચીત ચાલતી હતી ત્યારે જ તેમણે વચ્ચે પોતાના પૌત્રને ટોક્યો કે તડકામાં બહુ ના રમીશ.
તેને બહુ તરસ ના લાગે તે માટે તેઓ ટોકી રહ્યા હતા. ઘરમાં માત્ર એક માટલું પાણી વધ્યું છે અને ટૅન્કરની રાહ જોવાની છે.
ભાદસ ગામમાં સરકારે પણ કેટલાક ટાંકા બનાવ્યા છે, પણ તે ગામથી દૂર છે. તેમાં ક્યારેક પાણી હોય, ક્યારેક ના હોય. તેના કારણે ગામના લોકોએ પાણીના ટૅન્કર મગાવીને જ ચલાવવું પડે છે.
ગામમાં રહેતા સૈફુ કહે છે કે અમે તેલની જેમ પાણી વાપરીએ છીએ. શાકભાજીમાં જરૂર હોય તેટલું જ તેલ નાખીએ અને પાણીનો જરૂર પ્રમાણે જ ઉપયોગ કરીએ છીએ. મજૂરી કરીને બે પૈસા મળે તેમાંથી બે ટંકની રોટી ખરીદતા પહેલાં પાણી ખરીદવાનો વિચાર કરવો પડે છે.
5 વર્ષ જૂની યોજના પછીય મેવાત તરસ્યું
ભાદસ ગામમાં રહેતાં 80 વર્ષનાં ભજરી
ઑક્ટોબર 2004માં હરિયાણાના તત્કાલીન મુખ્ય પ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાએ મેવાત માટે 425 કરોડ રૂપિયાના ખર્ચે રેનીવેલ યોજના શરૂ કરાવી હતી.
આ યોજનામાં યમુનાનું પાણી બૂસ્ટર અને પાઇપ લાઇન મારફતે ગામો સુધી પહોંચાડવાનું હતું. બાદમાં કૉંગ્રેસની સરકાર આવી ત્યારે આ યોજનાનું નામ બદલીને ‘રાજીવ ગાંધી પેયજલ યોજના’ કરી દેવાયું.
ગામમાં વ્યક્તિદીઠ 55 લટર પાણી આપવાની યોજના હતી.
ગામ અને વિસ્તાર પ્રમાણે આ યોજનાને બે તબક્કામાં વહેંચવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં અઢી કરોડ રૂપિયાનો ખર્ચ થયો, પણ તે પછી યોજના ઠપ થઈ ગઈ.
રાજ્યમાં હવે પાંચ વર્ષથી ભાજપની સરકાર છે. આ 15 વર્ષોમાં સરકારો બદલાઈ ગઈ અને યોજનાઓનાં નામો પણ બદલાઈ ગયાં, પણ લોકોની સ્થિતિમાં કોઈ ફરક આવ્યો નથી.
ગામની આ સ્થિતિને કારણે ઊભા થયેલા સવાલો સાથે અમે ગુરુગ્રામના સાંસદ રાવ ઇન્દ્રજિતસિંહને મળવા તેમના કાર્યાલયે પહોંચ્યા હતા. તેમણે મળવાનો સમય આપ્યો હતો, પણ આવા પ્રશ્નોના જવાબ આપવાની ના પાડી દીધી.