તામિલનાડુની રાજધાની ચેન્નાઈમાં આજકાલ એક ચોરની ચર્ચા ચાલી રહી છે. આ ચોરે પોલીસથી બચવા માટે જે તરકીબ અજમાવી હતી તે કદાચ માન્યામાં પણ ના આવે. બે દિવસ પહેલા સોમવારે ચોર મહાશય એક મોલના માલિકના ઘરમાં ચોરી કરવા માટે ઘુસ્યા હતા. ચોરી કરીને તે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે લોક સ્ટ્રીટ પર પોલીસની એક ગાડી પેટ્રોલિંગ કરી રહી હતી. બાઈક સવાર ચોર પર શંકા જતા પોલીસે તેનો પીછો શરુ કર્યો હતો.
પોલીસને ચકમો આપવા માટે ચોર દસ મિનિટ સુધી ફિલ્મી ઢબે બાઈક ભગાવતો રહ્યો હતો. એ પછી પણ પોતે પકડાઈ જશે તેવી બીક લાગતા ચોરે પોતાની પાસેના 500 રુપિયાની નોટોના બંડલ રસ્તા પર ફેંકવાના શરુ કર્યા હતા.
આ જોઈને પોલીસ અને રસ્તા પરના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ચોરે આ રીતે લગભગ દોઢ કરોડ રુપિયા રસ્તા પર વેરી દીધા હતા. તમામ નોટ 500ના દરની હતી. કેટલાક પોલીસ કર્મીઓનુ ધ્યાન આ તરફ દોરાતા ચોર બચી જવામાં સફળ રહ્યો હતો.
મોલ માલિકના કહેવા પ્રમાણે તેમણે કેટલીક પ્રોપર્ટી વેચી હતી અને તેના સોદામાંથી મળેલી રકમ ઘરમાં રાખી હતી. આ પૈસા કોઈ નોકરે જોયા હતા. આમ ચોરી કરનાર પણ જાણભેદુ હોવાની પોલીસને શંકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.