ચૈત્ર સુદ નવમીના દિવસે જ શા માટે ઉજવાય છે રામનવમી અને શું છે જપ, તપ, વ્રતનું મહત્વ?

ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.

આ રામ નવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાષકો, આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રીરામ નામ જપ, રામ નામની માળા, રામ નામનું લેખન, રામનું ભજન-કીર્તન, રામચરિત માનસ – રામાયણનું વાચન, રામ પંચાયતન (રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી, શત્રુઘ્ન અને હનુમાનજી) નું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિભાવથી કરે છે.

રામનામ અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત રામ બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. રામને બદલે રામ… રામ… બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો ! સપ્તર્ષિઓએ આ રત્નાકર (વાલિયો લૂંટારા) ને રામનામનો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હૃદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી રામ…રામ…નો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટીના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને વાલ્મીક કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું.

રાવણે ત્રિલોકમાં ત્રાસ ફેલાવ્યો હતો, તે દેવોને પણ અનેક પ્રકારે દુ:ખ આપતો હતો તેથી ભગવાન વિષ્ણુએ રામાવતાર લઈ આ દુષ્ટ રાવણનો સંહાર કર્યો હતો.

રામનવમી આપણો ધાર્મિક તહેવાર છે. લોકો તે દિવસે ઉપવાસ કરે છે. ઉપવાસનો અર્થ એવો છે કે, ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું અથવા રહેવું.   ઉપવાસ એક પ્રકારનું વ્રત છે. પ્રભુ પ્રાપ્તિ માટેની આ પણ એક સાધના છે. આ સાધનામાં જો તન્મયતા અને એકાગ્રતા હોય તો આત્મબળ અવશ્ય મળે છે, માટે વ્રત દરમિયાન સાધનામાં વિઘ્ન આવે કે ઉત્સાહ ઓસરી જાય ત્યારે શ્રીરામની કૃપા માટે પ્રાર્થના કરો.

આ પરમ પવિત્ર દિવસે જે ચોવીસ કલાક પરમાત્મા સમીઅ રહે તેનો જ ઉપવાસ સાચો, તેનું જ રામ નવમીનું વ્રત સાચું. તુલસીદાસજી શ્રીરામને લોકવિશ્રામા કહે છે. કારણ રામ એ સંસારનો વિશ્રામ છે. જીવમાત્ર આરામને શોધે છે, પણ રામ વગર આરામ નથી. શ્રીરામ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે. સર્વ આપત્તિના હર્તા અને સર્વ સંપત્તિના દાતા છે. માટે રામનવમીની વ્રતકથા વાંચવાથી કે સાંભળવાથી બ્રાહ્મણ શબ્દબ્રહ્મના પારને પામે છે, ક્ષત્રીયને રાજનીતિ પ્રાપ્ત થાય છે, અને વૈશ્યને વ્યાપાર કુશળતા તથા શુદ્રને શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે.

આ વ્રત આયુષ્યમાં અભિવૃદ્ધિ કરનારું છે. અ વ્રત કરનાર પુત્ર, પૌત્ર અને સંબંધીવર્ગ સહિત સુખ ભોગવવા માટે સ્વર્ગના અધિકારી બને છે. રામાયણના બાલકાંડમાં શ્રીરામના જન્મનું વર્ણન આવે છે. જેનું મન બાળક જેવું છે, એની ભક્તિ ભગવાનને સૌથી વધારે પ્રિય છે. બાળક નિર્દોષ અને રાગદ્વેષ રહિત છે.

રામનામના મંત્રનો મહિમા અવર્ણનીય છે. મંત્રનો જપ કરતાં પ્રભુનાં દર્શન કર્યા હતા ને પ્રભુની વાણી તેમના અંતરમાં પ્રગટ થઈ હતી. મંત્ર ગમે તે દેવનો હોય પણ સર્વ દેવોને કરેલાં પ્રણામ પ્રભુને જ પહોંચે છે. પરંતુ જપ કરતી વખતે મન પ્રભુમાં જ તન્મય હોવું જોઇએ. ઉચ્ચારણ પણ શુદ્ધ હોવું જોઇએ.

અનન્ય ભાવનું વ્રત એ મનુષ્યનો પુરુષાર્થ છે. રામનામ અને રામકથા સૌને ફળ દેનારી છે, તે સુંદર સરોવર સમી છે, જેમાં રામજન્મનું અને રામલીલાનું નિર્મળ નીતર્યું નીર છે, તેમાં નિષ્ઠા અને ભક્તિની શીતળ છાયા છે. અનન્ય ભક્તિ સિવાય માનવીનો અહંકાર ઓગળતો નથી, એ માટે રામનામ અનિવાર્ય છે.

ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે.

આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્યતિત કર્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *