નર્મદા ડેમના પાણી અને વીજળી વહેંચણી મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર અને મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર વચ્ચે વિવાદ શરૂ થયો છે. જેમાં મધ્યપ્રદેશ સરકારે ગુજરાત સરકાર વીજળી ન આપતી હોવાનો આક્ષેપ કરીને પાણી બંધ કરવાની ચીમકી આપી છે. જ્યારે ગુજરાત સરકારે મધ્યપ્રદેશની ધમકી સામે લડી લેવાની ચેતવણી આપી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, નર્મદામાંથી વીજળી ઉત્પન્ન થતી ન હોવાથી ગુજરાત સરકાર મધ્યપ્રદેશને વીજળી આપી શકે તેમ નથી. જ્યારે છેલ્લા એક અઠવાડીયાથી મધ્યપ્રદેશ ગુજરાતને પાણી આપી રહ્યું છે.
પ્લાન્ટ બંધ હોવાથી વીજ ઉત્પાદન થતું નથી.
આ અંગે ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ સરદાર સરોવર ડેમમાંના 1450 મેગાવોટની ક્ષમતાવાળા હાઇડલ પાવરમાંથી 57 ટકા ઊર્જાનો હિસ્સો માગી રહી છે. મધ્યપ્રદેશનું કહેવું છે કે જો ગુજરાત સરકાર વીજ ઉત્પાદન કરીને નહીં આપે તો પાણી પણ છોડવામાં નહીં આવે. પરંતુ હાલ આ પ્લાન્ટ બંધ હોવાથી વીજ ઉત્પાદન થતું નથી.
નર્મદા જળ વિદ્યુત મથકમાં 15 વર્ષમાં વીજ ઉત્પાદન તળિયે.
છેલ્લા 15 વર્ષમાં સરદાર સરોવર નર્મદા ડેમના જળ વિદ્યુત મથકોનું વીજ ઉત્પાદન તળિયે ગયું છે. તેમાં પણ 2018-2019માં 1200 મેગાવોટના આરબીપીએસનું વીજ ઉત્પાદન ઝીરો યુનિટ નોંધાયું છે. પાંચ વર્ષથી અપુરતો વરસાદ અને 2017માં ડેમની ઉંચાઈ વધાર્યા બાદ દરવાજા લગાવવામાં આવતા ડેમના જળ વિદ્યુત મથકોનું વીજ ઉત્પાદન ઘટ્યું છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીના અહેવાલ મુજબ, વર્ષ 2004-05માં 7 મહિનામાં બન્ને જળ વિદ્યુત મથકોએ કુલ 263.257 મિલિયન યુનિટ વીજળી ઉત્પાદીત કરી હતી. જેની સામે વર્ષ 2018-2019માં બન્ને જળ વિદ્યુત મથકો દ્વારા 594.790 મિલિયન યુનિટ વીજળી ઉત્પન થઈ છે. જેમાં પણ 1200 મેગાવોટના આરબીપીએચના 6 ટર્બાઈનોએ ઝીરો યુનિટ વીજળી ઉત્પાદીત કરી છે.
ઓછા વરસાદને કારણે નર્મદામાંથી વીજ ઉત્પાદન ઘટ્યું.
જળ વિદ્યુત મથકોના ઓછા વીજ ઉત્પાદન પાછળ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં થયેલો ઓછો વરસાદ કારણભૂત છે. જેના કારણે નર્મદા ડેમ ઓવર ફ્લો થવાના દિવસો ઘટી જવા સાથે ડેમમાં જળસ્તર પુરતું ન હોવાથી આરબીપીએચ અને સીએચપીએચ વધતા કે ઓછા પ્રમાણમાં ચલાવી શકાય તેમ નથી. નિષ્ણાતો મુજબ, જળ વિદ્યુત મથકોનું વીજ ઉત્પાદન ઘટવાનું બીજું કારણ જૂન 2017માં નર્મદા ડેમની ઉંચાઈ 138.68 મીટર કરાઈ હોવાનું ગણાવી રહ્યા છે. જેના કારણે આરબીપીએસને ડેમ ભરવા કાર્યરત કરાયું નહોતું.
મધ્યપ્રદેશ 10 દિવસથી ગુજરાતને પાણી આપે છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં જળ સપાટી વધી રહી છે. વરસાદી પાણીની આવક મુજબ મધ્યપ્રદેશ નર્મદા ડેમમાં પાણી છોડી રહ્યું છે. છેલ્લા 10 દિવસમાં મધ્યપ્રદેશે 69,596 ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડાયું છે. મધ્યપ્રદેશે પાણી બંધ કરવાનું કહ્યા બાદ છેલ્લા 10 દિવસ દરમિયાન કેટલું પાણી છેડ્યું તેની પર નજર કરીએ તો 10 જુલાઈએ 2,068 ક્યુસેક. 11 જુલાઈએ 1,831 ક્યુસેક. 12 જુલાઈએ 6,625 ક્યુસેક, 13 જુલાઈએ 10,670 ક્યુસેક પાણી છોડાયું હતું. તો 14 જુલાઈ પાણી છોડાયું ન હતું. જ્યારે 15 જુલાઈએ 2,190 ક્યુસેક, 16 જુલાઈએ 4,063 ક્યુસેક, 17 જુલાઈએ 5,428 ક્યુસેક. 18 જુલાઈએ 12,422 ક્યુસેક અને 19 જુલાઈએ સૌથી વધુ 24,299 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
નર્મદાના પાણી વહેંચણી મુદ્દે ફરીએકવાર મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર વચ્ચે વિવાદ ઉભો થયો છે. જેમાં મધ્યપ્રદેશે વીજળીના મુદ્દે નર્મદાનું પાણી બંધ કરવાની ચીમકી આપતા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ આજે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નર્મદાના મુદ્દે કોંગ્રેસ રાજકારણ રમવાનું બંધ કરે, નર્મદાના પાણીની વહેંચણી 1979ના ચુકાદા પ્રમાણે કરવામાં આવે છે. ગુજરાત સરકાર મધ્યપ્રદેશની કોઈપણ પ્રકારની ધમકીને વશ થશે નહીં તેવી ચેતવણી પણ રૂપાણીએ આપી હતી.
મુખ્યમંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકો સાથેનું અહિત કરવાની વૃત્તિ છતી થાય છે, અગાઉ નર્મદા યોજના પુરી ન થાય એ માટે કોંગ્રેસે પ્રયત્નો કર્યા હતા. પાણી સાથે કોંગ્રેસ રાજકારણ રમવાનું કામ કરે છે. મધ્યપ્રદેશના મંત્રી અને મુખ્યમંત્રીને ચેતવણી આપું છું કે નર્મદાના પાણી પ્રશ્ને રાજકારણ ન કરે. નર્મદાના પાણીની વહેંચણી 1979ના ચુકાદાથી કરવામાં આવી છે, જેમાં ફેરફાર કરવાનો કોઈ રાજ્યને અધિકાર નથી.
સરદાર સરોવર બંધમાં 250 મેગાવોટ કેનાલ હેડ પાવર હાઉસમાં વીજ ઉત્પાદન ચાલુ છે અને વીજ ઉત્પાદન થયા પછી એ પાણી નર્મદાની મુખ્ય નહેરમાં વાળીને ઉપયોગમાં લેવાય છે. આ વીજ ઉત્પાદનનો 57% હિસ્સો મધ્યપ્રદેશને આજે મળે છે.
મધ્યપ્રદેશ સરકાર રાજકીય બદઈરાદાથી આ બધું કરી રહી છે. મધ્યપ્રદેશ સરકાર ચેતવણી કે ધમકી આપે તે યોગ્ય નથી. ગુજરાત કોંગ્રેસે પણ તેનો જવાબ આપવો જોઈએ. આ પ્રકારની વાતો કરવી કમલનાથજી અને તેમના લોકોને શોભતું નથી. કોર્ટના આદેશ મુજબ કામ કરવું જોઈએ. આ ગુજરાત સરકારનો અધિકાર છે, 2024 સુધી કોઈ એક બીજાને ઓછું પાણી ન આપી શકે. હક છે જે મળીને જ રહેશે.
40 વર્ષમાં પહેલીવાર આવું થયું છે.40 વર્ષથી ચારેય રાજ્યો સાથે મળીને જ નિર્ણય લે છે. કોંગ્રેસ વખતે ગુજરાતને અન્યાય થતો આવ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ખુદ સ્વીકાર્યું કે તમે ખૂબ થપ્પડો મારી. આ પહેલા પણ નર્મદાની ઉંચાઈ વખતે નરેન્દ્રભાઈ લડ્યા હતા. કોંગ્રેસની માનસિકતાથી બધા વાકેફ છે. એનો જ ભાગ મધ્યપ્રેદેશમાં દેખાય છે. 15 એપ્રિલ 2019થી બધા રાજ્યોની ભાગીદાર રાજ્યો સાથે સહમતિથી નિર્ણય કર્યો છે. મધ્યપ્રદેશના હિત વિરુધ્ધ ગુજરાત કોઈ કાર્ય કરતું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.