જતા-જતા રડાવી રહ્યું છે 2022! નવસારીમાં દર્દનાક અકસ્માત, 9 લોકોના મોત- લોહીથી લથપથ થયો હાઈવે

ગુજરાત(Gujarat): નવસારી (Navsari) જિલ્લામાં વહેલી સવારે આજે દર્દનાક અકસ્માત (Accident) ની ઘટના સામે આવી છે, જેમાં વલસાડથી ભરૂચ જતી એક કારે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતાં સામેના ટ્રેક પર પરથી અમદાવાદથી વલસાડ જતી લક્ઝરી બસ સાથે જોરદાર ટક્કર મારી હતી, જેને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ 7 લોકોનાં દર્દનાક મોત થયાં હતાં, જ્યારે સારવાર દરમિયાન વધુ બેનાં મોત થતાં આ અકસ્માતમાં કુલ 9 લોકોનાં કરુણ મોત થયાં છે. આ ઘટનાની જાણ થતાં નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ઘટનાસ્થળ સહિત સિવિલ પહોંચીને તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરત અને વલસાડ ખસેડવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, વહીવટી તંત્રના અંદાજ અનુસાર વહેલી સવારે ઝડપે દોડતી ફોર્ચ્યુનર કારના ચાલકને ઝોકું આવી ગયું હોઈ શકે છે, જેને લીધે અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી કાર સીધી જ મુંબઈ બાજુ ડિવાઈડર કૂદી જતી રહી હતી. જેને કારણે અમદાવાદથી આવી રહેલી લક્ઝરી બસ સાથે તેની જોરદાર ટક્કર થઇ હતી, જેથી આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેને કારણે ફોર્ચ્યુનરમાં સવાર 9 લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં અને અન્ય એકને મલ્ટીપલ ફ્રેક્ચર થયું હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી બસ સાથે કાર અથડાતાં દરમિયાન બસના ડ્રાયવરને પણ હાર્ટ-એટેક આવી ગયો હતો.

મળતી માહિતી અનુસાર, બસમાં સવાર 30 લોકોને નાનીમોટી ઈજા થતાં નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે સામાન્ય ઈજા પામનારા લોકોને વલસાડ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની છે, જેઓ અમદાવાદ ખાતેથી વલસાડ પરત ફરી રહ્યા હતા.

જણાવી દઈએ કે, ફોર્ચ્યુનરમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કારમાં સવાર એકને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પોલીસ અધીક્ષક, જિલ્લા અધિક કલેકટર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સિવિલ હોસ્પિટલમાં ખડે પગે હાજર રહીને ઘાયલને સારવાર અપાવી હતી.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ:
આ દર્દનાક અકસ્માતમાં નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચ, ફોર્ચ્યુનરનો ડ્રાઈવર; જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ; જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ (પરિણીત); ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ; જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ (પરિણીત); મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ; નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત; પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ(પરિણીત) અને ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ (લક્ઝરી બસનો મુસાફર)ના કરુણ મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *