ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રધાનમંત્રીને શાંતિની અપીલ કરવાનું કહેવાની tweet બાબતે જે રીતે અડધી રાત્રે આવીને આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે એના લીધે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જેમાં આગામી ૧ લી મે ના રોજ સમગ્ર રાજ્યમાં જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં અને દલિત મુદ્દાઓને લઈને ‘જેલ ભરો આંદોલન’ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પાટીદાર આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસો પરત લેવાનું સરકાર દ્વારા એલાન કરવામાં આવ્યું હતું… પરંતુ પાટણમાં ભાનુભાઈ વણકરના આત્મવિલોપન પ્રસંગે કરવામાં આવેલ આંદોલન દરમિયાન થયેલા કેસ પરત લેવાનું ચીફ સેક્રેટરીની સુચનાથી લેખિતમાં આપવા છતાં હજી સુધી કેસ પરત લેવામાં આવ્યા નથી.
આ ઉપરાંત, ઉના આંદોલન દરમિયાન થયેલા કેસો હોય કે ૨ એપ્રિલ, ૨૦૧૮ માં કરવામાં આવેલ ભારત બંધના આંદોલન દરમિયાનના કેસો હોય કે પછી LRD આંદોલન દરમિયાનના કેસો હોય આ બાબતે સરકાર દ્વારા કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી. આ સિવાય સરકારી યોજનામાં આવકમર્યાદા સમાન કરવાની 14 એપ્રિલે કરવામાં આવેલ જાહેરાત માટે ઠરાવ હજી સુધી પસાર કરવામાં આવ્યો નથી. જેને લઈને પણ આ સરકાર કોણીએ ગોળ લગાડતી હોવાનું અનુભવાતા દલિત સમાજમાં આક્રોશ વ્યાપેલો છે.
આ સંજોગોમાં સરકાર તરફથી જાણે નાગરિક અધિકારો છીનવાઈ રહ્યાનું અને રાજ્યમાં નાગરિકો સરકારની તાનાશાહીભરી અદ્રશ્ય જેલમાં સબડી રહ્યા હોય એવું પ્રતિત થઈ રહ્યું છે ત્યારે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની મધ્ય રાત્રીએ કરવામાં આવેલ ગેરકાયદેસર ધરપકડ અને દલિત સમાજની પડતર માંગણીઓને લઈને રાજ્યવ્યાપી જેલભરો આંદોલન કરવામાં આવશે અને પોલીસ સમક્ષ જઈને કાર્યકરો પોતાની જાતને સમર્પિત કરશે અને મેં ભી જીગ્નેશ મેવાણી મુઝે ભી જેલ મેં ભેજો કહીને સામેથી ધરપકડ વહોરશે. -સુબોધ કુમુદ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.