હાલ તમે જાણતા હશો કે કોરોના વાયરસ ભારતમાં પ્રવેશી ચુક્યો છે. અને તેનો આતંક પણ મચાવાનો ચાલુ કરી દીધો છે. હવે આવા સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર ના બંને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. અત્યારે ડૉકટરો અને નર્સીગ સ્ટાફ સહિત પોલીસ અધિકારીઓ કોરોના સામેની લડાઈમાં દેશના લોકોને બચાવવા માટે પોતાની ચીંતા કર્યા વગર દિનરાત કામ કરી રહ્યા છે. કોઈ કારણ વગર ઘરની બહાર નિકળતા લોકોને ઘરમાં મોકલી આપવાની જવાબદારી પોલીસની હોવાને કારણે અનેક સ્થળે પોલીસ અને લોકો વચ્ચે વારંવાર ઘર્ષણ પણ થાય છે, તેમ છતાં પોલીસની અંદર રહેલી માણસાઈએ ઉત્તમ માણસ હોવાનું ઉદાહરણ પણ પુરૂ પાડયુ છે.
હાલ સુરતમાં જનસંખ્યાનું પ્રમાણ ખુબ મોટું હોવાથી અને લોકોને સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દિનરાત લોકોની સેવા કરી રહી છે. સુરત એવું શહેર છે કે જ્યાં બહાર ગામથી પણ લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે આવતા હોય છે. હવે આના કારણે સુરત પોલીસ લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરી રહી છે.
તેમ છતાં ઘણા લોકો માટે ઘરની બહાર નિકળવુ અત્યંત જરૂરી બની આવે છે, તે પોલીસ પણ સમજી શકે છે. તેવી ઘટના સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ ઘટી છે. સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એમ.એલ. સાલુંકે પોતાના વિસ્તારમાં નાકાબંધી કરી રહ્યા હતા, તેઓ કારણ વગર ઘરની બહાર નિકળી લોકોને ઘરે પાછા મોકલી રહ્યા હતા.
હવે આ જ વખતે એક સ્ત્રી તેના પતિ સાથે ચાલતી રસ્તા ઉપર ચાલી આવતી હતી, ઈન્સપેકટર સાલુંકેએ આ દંપતીને જોતા જ ખ્યાલ આવ્યો કે આ મહિલા ગર્ભવતી છતાં કેમ ચાલતી નિકળી છે તેવો પ્રશ્ન પણ થયો, જયારે સાલુંકેએ આ દંપતીને અટકાવી પુછયુ તો તેમને જાણકારી મળી કે મહિલા ગર્ભવતી છે અને તેનું નિયમિત ચેકીંગ અને સોનોગ્રાફી કરાવવી ખુબ જરૂરી છે. ઈન્સપેકટર સાલુંકેને આશ્ચર્ય થયુ કે આવી પરિસ્થિતિમાં પણ આ દંપતી કેમ ઘરેથી ચાલતુ નિકળ્યુ હશે? ત્યારે જાણવા મળ્યુ કે પોલીસ વાહન ડીટેઈન કરે છે તેવી માહિતી હોવાને કારણે તેઓ વાહન હોવા છતાં ચાલતા નિકળ્યા છે.
આ પોલીસનું કામ ના હતું તેમ છતાં ઈન્સપેકટર એમ.એલ. સાલુંકેણી અંદર રહેલા માણસ આ સંવેદના સમજી શકતા હતા, તેમણે તરત પોતાની સરકારી જીપમાં આ દંપતીને હોસ્પિટલમા મોકલી આપ્યુ હતું એટલુ જ નહીં આ મહિલાના તમામ ટેસ્ટ પછી પોલીસની સરકારી ગાડી તેમને ઘરે પણ મુકી આવી હતી.