સુરત(Surat): કોર્પોરેશનમાં પાટીદાર વિસ્તારમાંથી AAP નો 27 નગરસેવકો સાથે ઉદય થયો હતો. જ્યારે હવે AAP તૂટી રહી છે. અત્યારસુધીમાં 12 કોર્પોરેટર BJPમાં જોડાઈ કેસરિયો ધારણ કરી લીધો છે, જે પૈકી 7 કોર્પોરેટર પાટીદાર હતા. આ સાથે એક કોર્પોરેટરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. હવે AAP પાસે માત્રને માત્ર 14 નગરસેવકો જ વધ્યા છે, જેમાં તમામ નગરસેવકો પાટીદાર છે. જેથી હવે સુરતમાં AAP પાટીદારોના સહારે હોય એવું આ પરથી લાગી રહ્યું છે.
AAPના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જુઓ શું કહ્યું:
આ બાબત અંગે AAPના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવતા કહ્યું હતું કે, અત્યારે આમ આદમી પાર્ટીના 14 કોર્પોરેટર વધ્યા છે, જે તમામ પાટીદાર છે. આમ આદમી પાર્ટી પાટીદારો, ક્ષત્રિય તેમજ દરેક સમાજને સાથે રાખીને ચાલે છે. વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, સામાન્ય માણસ હોય કે, જે ઈમાનદારીથી રૂપિયા રળી પરિવારનું ગુજરાન ચલાવતા હોય, આ તમામ લોકોના સહારે આમ આદમી પાર્ટી છે.
ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર અંગે જુઓ શું કહ્યું:
ભાજપમાં જોડાયેલા પાટીદાર કોર્પોરેટર અંગે જણાવતા કહ્યું હતું કે પોતાનામાં લોભ, લાલચ જાગે, પોતાનું જમીર વેચી દે છે તે મતદારોનો વિશ્વાસ વેચી રહ્યો છે. રાજનેતાઓ લોકોનો ભરોસો ગુમાવી રહ્યા છે, જેમાં આ વધુ એક ઉદાહરણ ઉમેરાય ગયું છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ક્યારેય પક્ષ બદલવો ન જોઈએ. પોતાની ટર્મ સુધી એક પક્ષમાં જ રહેવું જોઈએ અને જો ત્યારબાદ પક્ષ બદલવો જોઈએ.
AAPના 14 નગરસેવક પાટીદાર:
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં AAPના હવે 14 નગરસેવક જ રહ્યા છે, જે તમામ પાટીદાર છે અને એ પણ પાટીદાર વિસ્તારના છે. એમાંથી 9 નગરસેવક મહિલા છે, જ્યારે 5 નગરસેવક પુરુષ છે. હાલ તો સુરતમાં ચર્ચા ચાલી રહી છે કે લોકસભા ચૂંટણી અગાઉ વધુ 10 જેટલા નગરસેવક AAPમાંથી ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે બીજી બાજુ AAP દ્વારા પણ સંઘર્ષ કરવાની વાત ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.