ગુજરાત(Gujarat): છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટી(AAP)એ સુરતમાં પોતાનો પાયો મજબુત કરી દીધો છે. ફેબ્રુઆરી 2021માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે વિસ્તારોમાં તેને ઉમેદવારો મળ્યા ન હતા, હવે તે વિસ્તારોમાં 5-5 ઉમેદવાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે કતારમાં છે. ભારતીય જનતા પાર્ટી(BJP), કોંગ્રેસ(Congress) અને આમ આદમી પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી તૈયારીઓમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા આગળ ચાલી રહી છે.
આગામી વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી સંપૂર્ણ તૈયારી સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો દાવો કરી રહી છે. પાર્ટીનું કહેવું છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પહેલીવાર 27 કાઉન્સિલરો જીત્યા બાદ આશા જાગી છે. આ જોતા છેલ્લા એક વર્ષમાં અમે વિપક્ષમાં રહીને પણ લોકોના હિત માટે કામ કર્યું છે.
AAPએ કહ્યું કે અમારું કામ જોઈને આજે અનેક લોકો પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. મોટા ઉદ્યોગપતિઓ અને શિક્ષિત લોકો AAP તરફથી વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે. AAP પાસે ચૂંટણી માટે પૂરતું ભંડોળ નથી છતાં લોકો ચૂંટણી લડવા તૈયાર છે.
વેસુ, પાંડેસરા-લિંબાયતમાં કોર્પોરેશનની ચુંટણીમાં નહોતા મળતા ઉમેદવારો:
આમ આદમી પાર્ટીએ ફેબ્રુઆરી 2021માં ગુજરાતમાં પહેલીવાર સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. ત્યારે પાર્ટીને ચુંટણી લડવા માટે ઉમેદવારો મળતા ન હતા. પાંડેસરા, લિંબાયત અને વેસુ જેવા વિસ્તારોમાં AAP બાજુથી લડવા કોઈ તૈયાર નહોતું. ત્યારબાદ AAPને ચૂંટણી લડવા માટે ઉમેદવારો તૈયાર કરવામાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
AAPએ કોઈક રીતે 116 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.આ સાથે AAP કુલ 120 સીટોમાંથી 116 સીટો પર ઉમેદવારો ઉભા કરી શકી હતી. જેમાંથી 2ના ઉમેદવારી ફોર્મ પણ રદ થયા હતા.
ખુદના પૈસે ચુંટણી લડવા તૈયાર છે ઉમેદવારો:
એક વર્ષમાં આમ આદમી પાર્ટી માટે તમામ પરસ્થિતિઓ બદલાઈ ગઈ છે. હવે પાર્ટી દાવો કરી રહી છે કે આજે તેમની પાસે દરેક વિધાનસભા બેઠક માટે મજબૂત ઉમેદવારો છે. એવા ઉમેદવારો પણ છે જેઓ પોતાના ખુદના પૈસાથી ચૂંટણી લડવા તૈયાર છે.
સુરતની 12 વિધાનસભા બેઠકો માટે 5 થી 15 લોકો ચૂંટણી લડવા ઈચ્છી રહ્યા છે. હવે આમાંથી ઉમેદવારોની પસંદગી કરવી મુશ્કેલ કામ છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીમાં હજુ ઘણા મહિના બાકી છે. આવી સ્થિતિમાં પાર્ટી પાસે ઉમેદવારોની સંખ્યા વધુ હોઈ શકે છે. અમે એવા ઉમેદવારોનું પરીક્ષણ કરી રહ્યા છીએ જે ચૂંટણી જીતી શકે છે.
આમ આદમી પાર્ટીના પ્રવક્તા રાકેશ સાનેપરાના જણાવ્યા અનુસાર, પાર્ટીને તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો મળ્યા છે. ઓલપાડ, કરંજ અને કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં પાર્ટી પોતાની સ્થિતિ મજબૂત માને છે. અન્ય વિસ્તારોમાં પણ મહેનત કરવામાં આવી રહી છે.
આગેવાનો અને કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે. જોકે, પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવશે. ત્યાર બાદ યાદી બહાર પાડવામાં આવશે. ઉમેદવારોની પસંદગી તેમાંથી કરવામાં આવશે જેઓ વિધાનસભાના પ્રભારી પદ પર કામ કરી રહ્યા છે.
AAPના સુરત પ્રભારી રામ ધડુક જાણો શું કહે છે?
આમ આદમી પાર્ટી મુદ્દાઓ પર લડાઈ લડી રહી છે. ગત વખતે પાર્ટી પાસે પાયાના સ્તરે કોઈ નેતા નહોતા, પરંતુ છેલ્લા એક વર્ષમાં અમે વધુ મજબૂત બન્યા છીએ. આમ આદમી પાર્ટી શિક્ષણ, સ્વાસ્થ્ય અને બેરોજગારી પર લડાઈ લડી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં આ અમારો મુદ્દો રહેશે. આ અંગે લોકો અમને સમર્થન આપી રહ્યા છે. AAP આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા તૈયાર છે તેવું AAPના સુરત પ્રભારી રામ ધડુકે જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીનો દાવો- શહેરમાં એક વર્ષમાં 50થી વધુ આંદોલનો કરવામાં આવ્યા
છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટીએ સતત મહેનત કરી છે. પાર્ટીનો દાવો છે કે તેણે એક વર્ષમાં સુરત શહેરમાં વિવિધ મુદ્દાઓ પર 50 થી વધુ આંદોલનો કર્યા છે. 400થી વધુ કાર્યકરો સામે કેસ નોંધાયા છે. ઘણા એવા કાર્યકરો છે જેમની સામે લગભગ 10 કેસ નોંધાયેલા છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં આંદોલનો કર્યા છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની સાથે અનેક આગેવાનો-કાર્યકરો જેલમાં પણ ગયા છે. જેને કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોનું મનોબળ વધ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.