ST બસ સાથે ધડાકાભેર અથડાતાં કારના કુરચે કુરચા બોલી ગયા- JCBથી પતરું કાપી પારુલ યુનિ.ના 2 વિદ્યાર્થીનાં મૃતદેહ બહાર કાઢ્યા

રાજકોટ(ગુજરાત): રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 3 લોકોનાં મોત થયા છે, જ્યારે 2 લોકોને ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મૃતકો પૈકી 2 લોકો પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા. અને 1 ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. મૃતક નિશાંત દાવડા, આદર્શ ગોસ્વામી અને ધ્રાંગધરિયા ફોરમ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાં ગયા હતા. આ ઉપરાંત બસમાં બેઠેલા કાલાવડના 2 મુસાફરો પણ ઇજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી અનુસાર, રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર મેટોડા GIDC નજીક બપોરના 1 વાગ્યા આસપાસ કાર ચાલક અચાનક કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઇડર કુદી રોંગ સાઇડમાં પહોંચી હતી અને રાજકોટથી કાલાવડ તરફ જઇ રહેલી ST બસ સાથે જોરદાર ટક્કર લાગતા કારનું પડીકું વળી ગયું હતું. જેમાં ST બસ અને મોટર કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જયારે 2 વિદ્યાર્થીઓ કૃપાલી ગજ્જર અને સીમરન ગીલાની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કેટલો ગંભીર છે તે દ્રશ્યો પરથી જ જાણી શકાય છે. કારણ કે, ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર બસની આગળના ભાગમાં અંદર ઘુસી ગઇ હતી જેને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી. એટલુ જ નહીં જેસીબી મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢ્યો હતો.

આ ઘટનામાં કારમાં બેઠેલા પાંચ પૈકી આદર્શ ગોસ્વામી, નિશાંત દાવડાના ઘટના સ્થળે જ મોત થયા હતાં. જ્યારે ફોરમ ધ્રાંગધરીયા, સીમરન ગીલાણી અને કૃપાલી ચેતનભાઇ ગજ્જરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. મૃતકોમાં નિશાંત અને આદર્શ તથા ફોરમ રાજકોટના જ વતની હતાં. ઘાયલોમાં સીમરન રાજકોટની તથા કૃપાલી ભાવનગરની છે. આ બંને હાલ સારવાર હેઠળ છે.

આ ઉપરાંત મૃતક ફોરમ હર્ષદભાઇ ધ્રાંગધરીયા કોઠારીયા રોડ નંદા હોલ પાસે ભારતી નગરમાં રહેતી હતી. અને તે હોમિયોપેથી કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા મિસ્ત્રી કામ કરે છે. આશાસ્પદ દિકરીના મોતથી ગુર્જર સુથાર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. જ્યારે ST બસમાં બેઠેલા કાલાવડ ખત્રીવાડના યુસુફઅલી તૈયબઅલી સાદીકોટ તથા જીવુબેન બેચરભાઇને ઇજા થતાં તેમને પણ રાજકોટમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *