સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજ્યમાં આવેલ બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે 27 પર વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે.
માર્ગ અકસ્માતની આ ઘટનામાં 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને ટ્રક ચાલકોના ઘટનાસ્થળે કરૂણ મોત થયા છે. અકસ્માતની આ ઘટનાને લીધે આસપાસના લોકો તથા થરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આની સાથે જ બન્ને મૃતકોનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
બે ટ્રક ચાલકોના ઘટના સ્થળે નીપજ્યા મોત :
કાંકરેજના ઉણ ગામ નજીક નેશનલ હાઇવે પર આજે 2 ટ્રકની વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને ટ્રક ચાલકોના કરૂણ મોત થયા હોવાની ઘટના સામે આવી રહી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકના કેબીનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો તેમજ બન્ને ટ્રકચાલકો કેબિનમાં કચડાઇ જતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.
આ ઘટનાની જાણ થતાંની સાથે જ આસપાસના લોકો તથા થરા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. બન્ને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી જવામાં આવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી અકસ્માતોની વણઝાર ચાલુ છે.