હાલ ખાખીની ખુમારી સામે આવી છે. મૂળ જૂનાગઢ (Junagadh)ના કેશોદ (Keshod)ના બળોદર(Balodar) ગામના વતની અને હાલ સુરત (Surat)ના સરથાણા પોલીસ સ્ટેશન (Sarthana Police Station)માં PSI તરીકે ફરજ બજાવતા હરેશભાઈ એલ. જેબલિયાએ એક ખુબ જ પ્રશંસનીય કાર્ય કર્યું છે. આ કાર્ય થકી તેમણે રાષ્ટ્રપ્રેમ સાથે શિક્ષણપ્રેમની અનોખી મિસાલ પૂરી પાડી છે. એચ. એલ. જેબલિયાના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ ફોલોઅર્સ થતાં તેમણે નક્કી કર્યા મુજબ ધારીના દઈડા ગામની સરકારી શાળાનાં 100 બાળકને દત્તક લીધાં છે. આ બાળકોને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી પોતાના ખર્ચે ભણાવશે.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોઅર્સ થતાં બાળકોને દત્તક લીધા:
આ અંગે PSI એચ. એલ. જેબલિયાએ જણાવ્યું હતું કે ”વર્ષ 2019માં ટ્રેનિંગ બાદ મારું પહેલું પોસ્ટિંગ અમદાવાદમાં શહેરકોટડામાં થયું હતું. આ પછી મેં ખાખી વરદીમાં મારો પહેલો જન્મદિવસ વૃદ્ધાશ્રમમાં મનાવ્યો હતો, જેનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો હતો. આ પછી એ વખતે વૃદ્ધાશ્રમમાં આગામી ચાર મહિનાની તમામ સેવાનું ફુલ બુકિંગ થઈ ગયું હતું.
View this post on Instagram
ત્યારથી મને એવું લાગ્યું કે સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ કરી લોકોને વધુ મદદરૂપ થવું જોઈએ. તે સમયે જ મેં દ્રઢનિર્ધાર કરી લીધો હતો કે ઇન્સ્ટાગ્રામ પર મારા 1 લાખ ફોલોઅર્સ થશે તેના પગલે હું 100 બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવીશ. આ રીતે મેં અમરેલીના ધારી પાસે આવેલા દઈડા ગામમાં આવેલી સરકારી શાળાના 1થી 8 ધોરણના 100 વિદ્યાર્થીને દત્તક લીધા અને અત્યારે તેમની ભણવાની જવાબદારી હું નિભાવી રહ્યો છું.
સરકારી શાળાનાં 100 બાળકને પસંદ કેવી રીતે કર્યાં?
આ અંગે PSI એચ. એલ. જેબલિયાએ જણાવ્યું હતું કે ”અમરેલીના ધારી પાસે આવેલા દઈડા ગામ અંદાજે 1000 લોકોની વસતિ છે. મેં તે ગામની સરકારી શાળાની મુલાકાત લીધી હતી. એ વખતે મેં સ્કૂલના આચાર્ય ભાટી સાહેબને કહ્યું હતું કે આ બાળકોના ભણવાની જવાબદારી મારે લેવી છે. આ સાંભળી આચાર્યએ તરત જ કહ્યું, તમારો વિચાર ખૂબ જ સરસ છે. આ માટે અમે તમને તમામ સપોર્ટ કરીશું.
100 બાળકના પરિવારની આર્થિક પરિસ્થિતિ કેવી છે?
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ”ધારીના દઈડા ગામમાં દરેક બાળકનાં માતા-પિતા એકાદ-બે એકર જમીનવાળા ધરાવતા સામાન્ય ખેડૂતો છે. આ સિવાય કેટલાક પરિવારો પશુપાલન અને મજૂરીકામ સાથે જોડાયેલા છે, એટલે મેં આ ગામ પસંદ કર્યું અને ગામનાં બાળકો શિક્ષણક્ષેત્રે આગળ વધે એવું નક્કી કર્યું છે.”
બાળકોને ભણાવવામાં લાખો રૂપિયાનો ખર્ચ થશે તો એનો કોઈ રૂટમેપ જણાવશો?
બાળકોને ભણાવવા પાછળ લાખો રૂપિયા ખર્ચાશે તો આ રકમ કઈ રીતે એકત્રિત થશે? તે અંગે તેમણે જણાવ્યું હતું કે મારા પગારની દસ ટકા રકમ હું આપીશ. આ ઉપરાંત મારા સોશિયલ મીડિયા દ્વારા અન્ય મિત્રોને જાણ થતાં તેઓ પણ આ કાર્યમાં સહભાગી થઈ રહ્યા છે. મારા ઘણા મિત્રોના ફોન આવ્યા હતા કે આ કાર્યમાં તમામ પ્રકારનો સપોર્ટ અમે તમને કરીશું. આમ, મારા મિત્રવર્તુળમાંથી આર્થિક જરૂરિયાત પણ બાળકો માટે થતી રહેશે.
દત્તક લીધેલાં બાળકો સરખું ભણી રહ્યા છે કે નહીં એનું ધ્યાન કેવી રીતે રાખશો?
જેબલિયાએ જણાવ્યું હતું કે તેઓ ફક્ત નાણાકીય ટેકો જ પૂરો પાડીને બેસી રહેવાના નથી. તેમણે આ માટે એક ટીમ બનાવી છે. જે દર બે-ચાર મહિને બાળકો શિક્ષણ, રમત-ગમત અને વક્તૃત્વ સ્પર્ધામાં આગળ વધે એ માટે ટેસ્ટ લેશે. આ માટે તેમને માર્ગદર્શન પણ આપવામાં આવશે. ઘણા શિક્ષક મિત્રોએ પણ ત્યાં નિયમિત મુલાકાત લેવાની તૈયારી દાખવી છે. ટીમ દ્વારા લેવામાં આવનારા વિવિધ પરીક્ષણોમાં પાર પડનારા બાળકોને પ્રોત્સાહિત કરાશે. આમ, વિદ્યાર્થીઓનું નિયમિત મોનટરિંગ કરાશે.
PSI એચ. એલ. જેબલિયાએ જાતમહેનતે પાંચ સરકારી પરીક્ષા પાસ કરી છે:
મળતી માહિતી અનુસાર, હરેશભાઈ જેબલિયા મૂળ જૂનાગઢના કેશોદના બળોદર ગામના રહેવાસી છે. તેઓ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે તેમણે એન્જિનિયરિંગ અને પાંચ સરકારી પરીક્ષા જાતમહેનતે પાસ કરી છે. એક સમયે તેઓ PSIની પરીક્ષા આપવા માટે ટ્યૂશન ક્લાસ કરવાની 40 હજાર ફી ભરી શક્યા નહોતા. 220 PSIની ભરતી આવી ત્યારે એ વખતે કુલ 4 લાખ ફોર્મ ભરાયાં હતાં, જેમાં તેઓ આખા ગુજરાતમાં 53મા નંબરે પાસ થયા હતા. આ સ્થિતિમાંથી પસાર થયા હોવાથી તેમને ગરીબ વિદ્યાર્થીની શું સ્થિતિ હોય તેની ખબર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.