17 વર્ષ સુધી માનતાઓ માન્યા બાદ થયો હતો સંતાનનો જન્મ- હરણી તળાવ દુર્ઘટનામાં દંપતીના બંને બાળકોના મોત

Vadodara Harani Lake Tragedy: વડોદરામાં હચમચાવી નાખે એવી દુર્ઘટનામાં 12 માસુમ વિદ્યાર્થીઓના મોત થયા છે. આ દુર્ઘટના તળાવમાં બોટ(Vadodara Harani Lake Tragedy) પલટી જવાને કારણે બની હતી, જેમાં બે શિક્ષિકાઓના મોત થયા હતા. આ દુર્ઘટનાને કારણે અનેક હસતા-ખેલતા ઘરોમાં માતમ ફેલાઈ ગયો. આ દુર્ઘટના બાદ મૃતકોના માતા-પિતાની આંખોમાં આંસુ સુકાઈ રહ્યા નથી.કેટલીય માતાનો ખોળો સુનો થઇ ગયો છે. ત્યારે આ બનાવ એટલો દુઃખદાયક છે આખું વડોદરા સહિત ગુજરાત હચમચી ગયું છે. આ વચ્ચે એક એવું દંપતી સામે આવ્યું છે કે જેના વિશે જાણીને તમે પણ રડી પડશે. વાસ્તવમાં એક દંપત્તીના લગ્નના 17 વર્ષ પછી જન્મેલા બે બાળકોનું આ દુર્ઘટનામાં અવસાન થયું છે.જેના કારણે તેઓ ભારે આઘાતમાં સરી પડ્યા છે.

કેટ કેટલીય માનતાઓ બાદ આખરે 17 વર્ષ બાદ કિલકારી ગુંજી હતી
આ દંપત્તીના લગ્ન બાદ બાળકો થઈ રહ્યા નહોતા. આ માટે તેમણે અનેક માનતાઓ રાખી હતી. પથ્થર એટલા પીર પૂજ્ય હતા ત્યારે લગ્નના 17 વર્ષ બાદ તેમના ઘરે એક દીકરા અને એક દીકરીનો જન્મ થયો. આ દંપત્તીના બંને બાળકો શહેરની ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. જેમાં દીકરો બીજા ધોરણમાં અને દીકરી ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.જેને આ બોટ કાંડમાં કાળ ભરખી ગયો છે.જેના કારણે તેના ઘરમાં બધા આઘાતમાં સરી પડ્યા છે.

બંને બાળકોના પિતા હતા યુકેમાં,જાણ થતા દોડી આવ્યા
આજવા રોડ પર રહેતા આ પરિવારના સ્વજનોએ મીડિયાને જણાવ્યું કે, લગ્નના અનેક વર્ષ થવા છતાં બંનેને બાળકો થઈ રહ્યા નહોતા, જેથી તેમણે અનેક બાધા-માનતાઓ રાખી હતી. જે બાદ તેમના ઘરે સંતાનનો જન્મ થયો હતો. તેમણે જણાવ્યું કે, બંને બાળકોને તળાવમાંથી કાઢીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓના મોત થઈ ચૂક્યા હતા. બાળકોના પિતા યુકે રહેતા હતા, જેઓને સમાચાર મળ્યા બાદ વડોદરા આવવા નીકળ્યા છે. બંને બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને પિતાના આગમન બાદ અંતિમ વિધિ કરવામાં આવશે.

18 વિરુદ્ધ ફરિયાદ, બોટ ચલાવનારની ધરપકડ
વડોદરામાં બનેલી આ દુર્ઘટના માટે જવાબદાર એવા 18 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોટ ચલાવનાર નયન ગોહિલ અને બોર્ટના ગાર્ડ અંકિત પરમારની ધરપકડ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના ત્રણ ભીગીદારોની પણ ધરપકડ કરવામાં આવશે. જોકે, કોન્ટ્રાક્ટર પરેશ શાહ હાલ ફરાર છે.