આ ઘટના ઈન્દોરની એક હોસ્પીટલની છે. મોતિયાના ઓપરેશન પછી ઈન્દોર આઈ હોસ્પિટલમાં 11 દર્દીઓએ તેમની આંખોની રોશની ગુમાવી દીધી છે. અમુક દર્દીઓને એક આંખમાં તો અમુક દર્દીઓને બંને આંખોમાં દેખાવાનું બંધ થઈ ગયું છે. આ દરેક દર્દી 8 ઓગસ્ટે રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તે જ દિવસે તેમના ઓપરેશન કરવામાં આવ્યા હતા. બીજા દિવસે આંખોમાં દવા નાખ્યા પછી દર્દીઓને ઈન્ફેક્શન થયું હતું અને હોબાળો શરૂ થઈ ગયો હતો. જ્યારે ડોક્ટર્સે તેમની આંખની તપાસ કરી ત્યારે તેમણે કહ્યું હતું કે, અમને બધુ સફેદ દેખાય છે, જ્યારે અમુક લોકોએ કહ્યું કે, અમને માત્ર કાળુ દેખાય છે. તપાસ પછી ડોક્ટર્સે સ્વીકાર્યું કે, ઈન્ફેક્શન થયું છે પરંતુ તે કયા કારણથી થયું છે તે વિશે ડોક્ટર્સ પણ કશુ કહી શકે તેમ નથી.
બીજી બાજુ સ્વાસ્થય વિભાગે ઘટના પછી હોસ્પિટલનું ઓપરેશન થિયેટર સીલ કરી દીધું છે. અહીં આંખોના ઓપરેશન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તપાસ પછી કારણ સ્પષ્ટ થતાં કડક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. હોસ્પિટલના આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ડૉ. સુધીર મહાશબ્દેએ જણાવ્યું છે કે, આંખમાં ઈન્ફેક્શનનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું. અન્ય એક્સપર્ટ પણ તપાસ કરી ચૂક્યા છે. સેમ્પલ પણ તપાસ માટે મોકલાવ્યા છે.
આ હોસ્પિટલમાં ડિસેમ્બર 2010માં પણ ઓપરેશન ફેઈલ થઈ ચૂક્યા છે.
ઈન્દોર આઈ હોસ્પિટલમાં ડિસેમ્બર 2010માં પણ મોતિયાના ઓપરેશન ફેઈલ થયા હતા. તેમાં 18 લોકોએ તેમની આંખોની દ્રષ્ટી ગુમાવી હતી. તે સમયે સીએમએચઓ ડૉ. શરદ પંડિતે સંબંધિત ડોક્ટર્સ અને જવાબદાર કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધાવી હતી. 24 જાન્યુઆરી 2011ના રોજ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન અને શિબિર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ઓટીના સાધનો, દવાઓ, ફ્લૂયડના સેમ્પલને તપાસ માટે એમજીએમ મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારપછી શિબિરો માટે સીએમએચઓ મંજૂરી માટે ફરજિયાત કરી દેવામાં આવી હતી. થોડા મહિના હોસ્પિટલમાં આ બધા પ્રતિબંધો જળવાયેલા રહ્યા હતા પછી નિયમોમાં ઢીલ આપવામાં આવી હતી. 2015માં બડવાનીમાં પણ આ જ પ્રકારની ઘટનામાં 60થી વધારે લોકોની આંખોની દ્રષ્ટી જતી રહી હતી.