ગુજરાત(Gujarat): રાજ્યમાં દિવાળી(Diwali 2022) પહેલા જ ફરી એક વાર ખાદ્યતેલ(edible oil price hike)ના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો અને કપાસિયા તેલના ડબ્બામાં 30 રૂપિયાનો વધારો થયો છે. જે બાદ હવે સિંગતેલનો ભાવ 3 હજાર રૂપિયાને પાર થઇ ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2500 રૂપિયાએ પહોંચી જવા પામ્યો છે.
તહેવારો નજીક હોવાથી ખાદ્યતેલના ભાવમાં ભડકો:
અત્રે ઉલ્લેખનીય છે કે, તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો 3000 રૂપિયાને પાર પહોંચી ગયો છે. સિંગતેલનો નવો ભાવ 3050 રૂપિયા થઇ ગયો છે. તો 30 રૂપિયાના વધારા બાદ કપાસિયા તેલનો નવો ભાવ 2500 રૂપિયા થઇ ગયો છે. જોકે, વેપારીઓના જણાવ્યા અનુસાર, તેલ બનાવતી મિલોમાં સ્ટોકની અછતને કારણે ભાવ વધારો થઇ રહ્યો છે.
મોંઘવારીમાં તો તહેવારો ઉજવવા પણ બન્યા મુશ્કેલ:
મહત્વનું છે કે, દિવાળી જેવા તહેવાર પર્વે ખાદ્યતેલમાં ભાવ વધારાને લઇને ખરીદી કરવી ખુબ જ મુશ્કેલ બની રહી છે. આવી રીતે જ જો ભાવ વધતાં રહેશે તો સામાન્ય લોકોને તહેવારો ઉજવવા પણ મુશ્કેલ બની જશે. આ ભાવ વધારા પર ગુજરાત ખાદ્ય તેલ વેપારી મહામંડળના પ્રમુખ બિપીન મોહને જણાવતા કહ્યું હતું કે, આ વખતે હવામાનને કારણે તેલનું ઉત્પાદન ઓછું થયું છે. તો તહેવારો આવતા બજારમાં ખાદ્ય તેલની માંગ ખુબ જ વધી ગઈ છે. થોડા સમય અગાઉ પણ સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજારને પાર પહોંચી ગયો હતો. પરંતુ તેલના ભાવમાં ઘટાડો થયો હતો. હાલ સિંગતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવતા ભાવ 3050 રૂપિયાએ પહોંચી ગયા છે.
હજુ પણ વધી શકે છે ભાવ:
વેપારીઓના જણાવ્યા મુજબ, સીંગતેલમાં હજુ ભાવ વધવાની પૂરેપૂરી શકયતાઓ સેવાઈ રહી છે. સીંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલ પર પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને લીધે હાલ લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધવા લાગ્યું છે. ખાદ્યતેલોમાં થઇ રહેલા આસમાની ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.