ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ એવો કીમિયો અપનાવ્યો કે.., જાણીને પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ

વલસાડ(ગુજરાત): હાલમાં પોલીસને બુટલેગરો પર વોચ રાખીને દારૂની હેરાફેરી થતી ઝડપી પાડવામાં સફળતા મળી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ફરી એક વખત…

વલસાડ(ગુજરાત): હાલમાં પોલીસને બુટલેગરો પર વોચ રાખીને દારૂની હેરાફેરી થતી ઝડપી પાડવામાં સફળતા મળી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ફરી એક વખત જિલ્લામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો છે. આ વખતે એલસીબી દ્વારા બુટલેગરોની એક અજીબ તરકીબને પકડી પાડીને ટેમ્પોમાંથી રૂપિયા 2 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસને મળેલી બાતમીને આધારે એલસીબીની ટીમ વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ધરમપુર ચોકડી પર વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન, હાઇવે પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટેમ્પોને રોકીને તપાસ કરવામાં આવી હતી. દારૂની હેરાફેરી માટે આ વખતે બુટલેગરોએ જે યુક્તિ વાપરી હતી તે જાણીને પોલીસની ટીમ પણ ગોટે ચડી હતી.

પોલીસ દ્વારા ટેમ્પો રોકીને તપાસ કરવામાં આવતા બહારથી પ્રાથમિક દ્રષ્ટિએ ટેમ્પોમાં હાઇ વોલ્ટેજ પાવર માટેનું વીજ ટ્રાન્સફોર્મર ભરેલું જોવા મળ્યું હતું. જોકે, પોલીસને પાકી બાતમી મળી હોવાથી ટેમ્પોની અંદર રાખેલા અન્ય સામાન અને વીજ ટ્રાન્સફોર્મરની પણ બહારથી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને કંઈક ગરબડ હોવાનું લાગ્યું હતું.

પોલીસ દ્વારા વીજ ટ્રાન્સફોર્મરના બોલ્ટ ખોલીને તપાસ કરવામાં આવતા હાજર તમામ લોકો દંગ રહી ગયા હતા. કારણ કે, બહારથી વીજ ટ્રાન્સફોર્મર લાગતાં આ મશીનમાં અંદર કોઈ મશીનરી નહીં પરંતુ વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો હતો. બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે આ વીજ ટ્રાન્સફોર્મરના અંદરના સ્પેરપાર્ટ્સ કાઢી નાખ્યા હતા અને આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ દારૂને હેરાફેરી માટે કરતા હતા.

જાણવા મળ્યું છે કે, બહારથી વીજ ટ્રાન્સફોર્મર લાગતા આ ખોખામાં જ વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. વલસાડ પોલીસ પણ બુટલેગરોથી જાણે એક કદમ આગળ હોય તેમ બૂટલેગરોની આ અજીબ તરકીબને પણ ઝડપી પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા અંદાજે 2 લાખ રૂપિયાથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે તાપી જિલ્લાના બાજીપુરાના રહેવાસી એવા જયદીપ ચૌધરી નામના ટેમ્પો ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા ટેમ્પોના ચાલક જયદીપની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા વિદેશી દારૂનો જથ્થો દમણથી ભદ્રેશ પટેલ નામના એક વ્યક્તિએ ભરાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે દમણથી દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનારને પણ વોન્ટેડ જાહેર કર્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અવારનવાર લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે.

તેમ છતાં દારૂના ધંધામાં મોટી કમાણી હોવાથી બુટલેગરો અવનવી તરકીબોથી સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના પ્રયાસો કરતા રહે છે. જાણવા મળ્યું છે કે, પોલીસે અંદાજે 7 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલકની ધરપકડ છે. બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *