ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટી નવા જૂનીના એંધાણ વચ્ચે કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ઠાકોર સેનાના આગેવાન અને બનાસકાંઠાથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધુ છે. દિવસભરની ચર્ચા બાદ આખરે અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે. અલ્પેશે કોંગ્રેસના તમામ પદ પરથી એક પત્ર લખી તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ છે.
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તમામ હોદ્દા પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જશે એવી વહેતી થયેલી અટકળો વચ્ચે તેના સાથીદાર ધવલસિંહે આ મામલે ચૂપકીદી સેવીને કહ્યું હતું કે, ભરતજી અને અલ્પેશ સાથે મળીને કોઈ અંતિમ નિર્ણય લઈશ. પરંતુ છેલ્લા 24 કલાકથી અલ્પેશના કોંગ્રેસ છોડવાની ચાલી રહેલી અટકળો બાદ અલ્પેશ ચિત્રમાંથી ગાયબ થઈ ગયો છે. તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરની રાજકીય લાઈફ લાઈન ગણાતી ઠાકોર સેનામાં પણ આંતરિક વિખવાદ ઉભો થતાં અલ્પેશ ઠાકોરનું ભાજપમાં જોડાવાનું સપનું હાલ રોળાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ દરમિયાન ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ સામે માત્ર બનાસકાંઠા ભાજપના ઠાકોર આગેવાનો જ નહીં પરંતુ ગુજરાતના મોટાભાગના ઠાકોર આગેવાનોએ ભાજપના પ્રદેશ નેતાઓને મળીને અલ્પેશ ઠાકોરને ભાજપમાં ન લેવા રજૂઆત કરી છે.
સૂત્રોનાં કહેવા પ્રમાણે અલ્પેશ ઠાકોર ભાજપમાં પણ જોડાશે. કહેવામાં આવ્યું રહ્યું છે કે અલ્પેશનું રાજીનામું ‘ઑપરેશન રાધનપુર’નો ભાગ હોઇ શકે છે. આ પહેલા પાટણ લોકસભા લડવા મુદ્દે અલ્પેશ ઠાકોર અને કૉંગ્રેસ વચ્ચે નારાજગી હતી, ત્યારે હવે અલ્પેશ ઠાકોર રાજીનામું આપશે તેવા સમાચારે ખળભળાટ મચાવી દીધો છે.