સામાન્ય રીતે આપણે રોડ પર અકસ્માતના (Accident) કિસ્સાઓ વિષે સંભાળતા હોઈએ અથવા ટીવી પર જોતા હોઈએ છીએ. આવા અનેક કિસ્સાઓમાં લોકો પોતાનો દીકરો-દીકરી, ભાઈ-બહેન, માતા-પિતા કે પોતાના મિત્રો ગુમાવતા હોય છે. અને તેમાં પણ આમાંથી અનેક કિસ્સા એવા પણ હોય છે કે, જે સાંભળીને આપણે કંપી ઉઠીએ. ત્યારે આવો જ એક કાળજા કંપાવનારો કિસ્સો વડોદરામાં (Vadodara) બન્યો છે.
વડોદરા-સાવલી રોડ પર આસોજ ગામ પાસે મોડી સાંજે બાઇક પર સવાર 3 યુવાનોને બોલેરો જીપે અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવાનનું ધટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અન્ય એકને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતી, ત્યાં તેને સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનામાં બે યુવકોના મોત થતાં પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.
મિત્રની બાઈકને પંચર પડતા મદદે ગયા હતા અને…
મૃતક બંને યુવાનો વડોદરાના રેહવાસી હતા. વડોદરાના પાણીગેટ બાવચાવાડમાં રહેતો દેવ (ઉં.17), ગૌતમ (ઉં.17) અને દંતતેશ્વર સાંઇનાથનગરમાં રહેતો કિશન વણઝારા (ઉં.18), તે ત્રણેય મંજુસર GIDCથી બુલેટ ઉપર વડોદરા આવી રહ્યા હતા. આ દરમિયાન સાવલી તાલુકાના આસોજ ગામના પાટીયા પાસે રોંગ સાઇડમાં આવી રહેલી બોલેરો જીપના ચાલકે બુલેટ સવાર ત્રણ મિત્રોને અડફેટે લીધા હતા. અડફેટે લેતાં ત્રણેય રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેમાં કિશન વણઝારાનું ધટનાં સ્થળ પર મોત નીપજ્યું હતું.
જ્યારે ગૌતમનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દેવને બંને પગ તથા કમરમાં ગંભીર ઇજા પહોંચતા વડોદરાની માંજલપુર ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હાલમાં તેની સારવાર શરુ છે.
દેવના પિતાએ કહ્યું…
આ ઘટનાનો ભોગ બનેલ અને ઇજાગ્રસ્ત દેવના પિતા રજનીશભાઇએ જણાવ્યું હતું કે, દેવ ધોરણ-10માં અભ્યાસ કરી રહયો છે. ગૌતમ પણ પડોશમાં જ રહે છે, અને દંતેશ્વર સાંઇનાથ નગરમાં કિશન વણઝારા રહે છે. કિશન દંતેશ્વર મંજુસર પાસેની કંપનીમાં નોકરી કરે છે. તેની મોટર સાઇકલને પંચર પડતા તેણે ગૌતમ કહારને મદદ માટે બોલાવ્યો હતો. ગૌતમ તેના મિત્ર દેવને સાથે લઇ મદદે ગયો હતો.
ત્રણેય ઘરે પરત ફરતા સર્જાયો અકસ્માત
દેવના પિતાએ વધુમાં કહ્યું કે, ‘ત્રણેય મિત્રો બુલેટ ઉપર ઘરે પરત આવી રહ્યા હતા. કિશન વણઝારા બુલટે ચલાવી રહ્યો હતો. તેઓ આસોજ પાટીયા પાસે સામેથી પુરપાટ રોંગ સાઇટ ઉપર આવી રહેલી બોલેરો જીપના ચાલકે બુલેટને અડફેટમાં લેતા ત્રણેય મિત્રો રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં કિશન અને ગૌતમનું મોત નીપજ્યું છે. જ્યારે મારા પુત્ર દેવને બે પગમાં અને માથામાં ગંભીર ઇજા થઇ છે. હાલ તેની વડોદરાની માંજલપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.’
આરોપી જીપ ચાલક સામે ફરિયાદ
આ ભયાનક અકસ્માત સર્જાતા ત્યાના સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. આ અકસ્માતમાં બુલેટ ચાલક કિશન વણઝારાનું ત્યાજ મોત થયું હતું. સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત ગૌતમ કહાર અને દેવ કહારને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગૌતમ કહારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન થોડીવારમાં મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ ત્રણે મિત્રોના પરિવારજનોને થતાં તેઓ દોડીને હોસ્પિટલ પર આવ્યા હતા. બે મિત્રોના મોતની ખબર સંભાળતા તેમના પરિવારમાં માતમ છવાય ગયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ થયેલ ખબર સંભાળતા હોસ્પિટલમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ ભયજનક અકસ્મતાની ઘટનાં અંગે મંજુસર પોલીસે બોલેરો જીપ ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કર્યો અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.