બાપ રે! આ મોંઘવારી તો મારી નાખશે- છેલ્લાં 2 દિવસમાં સિંગતેલના ડબ્બે ઝીંકાયો 50 રૂપિયાનો વધારો

Groundnut Oil Price: રાજ્યમાં સીંગતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં ડબ્બે રૂ. 50નો વધારો થયો છે. સીંગતેલના હાલ ડબ્બાનો(Groundnut Oil Price) ભાવ રૂપિયા 2600 છે. તેમાં મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં તેલના ભાવ વધ્યા છે.

સીંગતેલમાં બે દિવસમાં ડબ્બે રૂ. 50નો વધારો
સિંગતેલના 15 કિલોના (લિટરના 230 રૂપિયા ઓછા હોય છે) નવા ડબ્બાનો ભાવ ગત શુક્રવારે મહત્તમ 2550 રૂપિયા, શનિવારે 2570 રૂપિયા અને આજે એક દિવસમાં 30 રૂપિયા વધારો કરીને 2600 રૂપિયા કરી દેવાયો છે. ભાવનો ટ્રેન્ડ જોતા વધારો ઝડપથી અને વધુ રકમનો કરાય છે. જ્યારે મગફળીના ભાવ ઘટે ત્યારે ઘટાડો ધીમે ધીમે થાય છે. લોકોને મોંઘુ સિંગતેલ આપવાની રીતરસમોને કારણે આજે કપાસિયા તેલ કરતા સિંગતેલ 1000 રૂપિયા મોંઘુ છે. જ્યારે પામતેલ કરતા સિંગતેલ 1200 રૂપિયા મોંઘુ છે.

ગૃહિણીઓને ઘરનું બજેટ બનાવવામાં મુશ્કેલી ઉભી થશે
ઉલ્લેખનીય છે કે ગૃહિણીઓને ઘરનું બજેટ બનાવવામાં મુશ્કેલી ઉભી થશે. કારણ કે સીંગતેલના ડબ્બાનો ભાવ હાલ રૂપિયા 2600 છે. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં આટલો વધારો જોવા મળતો હોય છે, પરંતુ વગર તહેવારે મસમોટા ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સીંગતેલમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. એવી શકયતા સેવવામાં આવી રહી છે કે સીંગતેલના ભાવ વધવાને પગલે ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે.

મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં તેલના ભાવ વધ્યા
ઉંચા ભાવની નીતિની સાથે ફિલ્ટર તેલ અંગે તથા હાર્ટ, ઓબેસેટી વગેરે માટે હેલ્થ કોન્શિયસ થતા લોકો તેલનો વપરાશ ઘટાડી રહ્યા છે. વેપારીઓએ તો સિંગતેલ છોડી કપાસિયા તેલ વાપરવાનું શરુ કરી દીધું છે અને પેક્ડ ફૂડ તો બધ્ધ પામતેલમાં બને છે. ઘરેલું વપરાશમાં પણ સિંગતેલના વિકલ્પે તેનાથી 1100 રૂપિયા સસ્તુ સૂર્યમુખી તેલ વપરાવાનું શરુ થયું છે. દિવાળી પછી સિંગતેલની સીઝન છતાં અગાઉ જેવી ધૂમ ખરીદી ગ્રાહકોમાં રહી નથી તેમ વેપારી સૂત્રો જણાવે છે.

આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો
ગત વર્ષથી આ વર્ષે તેલના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો. કેટલાક સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા. પરંતુ હવે 2024 માં ફરી આ વધારો ચાલુ થયો છે. આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.