એક મહિના પછી પુત્રીના લગ્ન હતા, પાક નિષ્ફ્ળ જવાને કારણે આણંદના ખેડૂતે કર્યો આપઘાત…

તારાપુર તાલુકાના ઊંટવાડા ગામે રહેતા એક ખેડૂતે પાક નિષ્ફળ જતાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે તારાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. આણંદના 42 વર્ષીય ખેડૂતે પાક નિષ્ફળ જતાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમનું રવિવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે એક મહિનામાં પુત્રીના લગ્ન પણ લેવાના હતા. આ મામલે તારાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આણંદના ઊંટવાડા ગામે રહેતા હસમુખભાઈ સોલંકી પરિવાર સાથે રહી ખેતીકામ કરી ગુજરાન ચલાવે હતા. તેમની દીકરી અને ભીત્રીજીના એપ્રિલમાં લગ્ન લેવાના હતાં. પરંતુ ગત 27મી ફેબ્રુઆરીના રોજ સવારે તેમના પત્ની જયશ્રીબેન બહારથી કપડાં ધોઈને ઘરમાં આવ્યા ત્યારે હસમુખભાઈ રસોડામાં લોખંડના મોભ સાથે સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતાં. તેમણે બુમરાણ મચાવતા અંદર સૂઈ રહેલો તેમનો પુત્ર તેમજ તેમની પુત્રી તથા અાસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. તેઓએ તાત્કાલિક બેભાન હાલતમાં તેમને સાડીના ગાળિયામાંથી નીચે ઉતારી તારાપુર સીએચસી ખાતે ખસેડ્યા હતા.

દરમિયાન, વધુ સારવાર અર્થે આણંદની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિવારે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ પૂછપરછમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેઓ 15 થી 20 વીઘા જમીન ધરાવે છે. ગત વર્ષે સારા વળતરની અપેક્ષાએ તેમણે તમામ જમીનમાં ટાંમેટીનો પાક લીધો હતો. જોકે, ટાંમેટીનો પાક નિષ્ફળ જતાં હસમુખભાઈ સોલંકી છેલ્લાં કેટલાંય સમયથી ટેન્શનમાં રહેતા હતા.

જેના ભાવ ચાલુ સિઝનમાં ઊંચા રહે તેની જ ખેતી કરવા ચરોતરના લોકો ટેવાયેલા હોય છે. એક માહિતી અનુસાર, બે વર્ષ અગાઉ ટામેટાના ભાવમાં જબરદસ્ત ઊછાળો જોવા મળ્યો હતો. જેને કારણે તારાપુર સહિત અન્ય પંથકમાં મોટાભાગના ખેડૂતોએ ટામેટાંની ખેતી કરી હતી. જેને કારણે ગત વર્ષે ટામેટાં ત્રણથી ચાર રૂપિયે કિલોના ભાવે મળતાં કેટલાંય ખેડૂતોને રોવડાવ્યા હતા. તારાપુર પંથકના કેટલાંય ખેડૂતોએ ટાંમેટાનો પાક પશુને ખવડાવ્યા હતા, તો વળી કેટલાકે રસ્તામાં ફેંકી દીધા હતા.

પાક નિષ્ફળ ગયા પછી છેલ્લાં દસ મહિનાથી તેઓ ઘરની બહાર નીકળતા નહોતા. ઘરમાં જ પુરાઈ રહેતા હતા. તેઓ ગુમસુમ થઈ ગયા હતા. કોઈની સાથે વાતચીત પણ કરતા નહોતા. ગળેફાંસો ખાધા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે તેઓ બહાર નીકળ્યા એમ પરિવારજનોએ જણાવ્યું હતું. પ્રવિણસિંહ બચુભાઈ, હેડ કોન્સ્ટેબલ, તપાસ અધિકારી.

મૃતકને સંતાનમાં એક પુત્રી ભાવિશા અને પુત્ર અંકિત છે. ભાવિશાના તેમજ પાસે જ રહેતા નાના ભાઈ શૈલેષભાઈની પુત્રીના મહિનાના અંત સુધીમાં લગ્ન લેવાના હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *