આજે સુરતમાં ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન એટલે કે ફોગવા (Fogwa) દ્વારા વલથાણ-પુણા રોડ પર આવેલી આરબીએલ લોન્સમાં યોજવામાં આવ્યું છે. કોઈ પણ ઉદ્દેશ અને એજન્ડા વિના ફોગવાનું અધિવેશન યોજાતાં વિવર્સમાં (Weavers) નારાજગી જોવા મળી રહી છે.
વિવર્સ કહી રહ્યા છે કે, અગાઉ જેટલી સામાન્ય સભાઓ થઈ એમાં એજન્ડાનાંકામો રજૂ થતાં હતાં. નવાઈની વાત એ છે કે, અધિવેશનની આમંત્રણ પત્રિકામાં વિપક્ષ આપ કે કોંગ્રેસના એકપણ આગેવાનનું નામ ન હોવાથી અધિવેશન કોંગ્રેસી ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાના ભાજપ પ્રવેશ માટેનું હોવાની વિવર્સમાં ચર્ચાઓ ચાલી રહી છે.
અશોક જીરા ભૂતકાળમાં કોંગ્રેસના સુરત શહેર પ્રમુખના ચાલુ હોદ્દે ભાજપમાં જોડાઈ ગયા હતા અને તેઓએ ભાજપ છોડીને કોંગ્રેસમાં આવીને ચૂંટણી જીતીને કોર્પોરેટર પણ બન્યા હતા અને કામરેજ વિધાનસભાની ચુંટણી પણ લડ્યા હતા જેમાં તેમની હાર થઇ હતી. આમ પક્ષ પલટામાં પાવરધા એવા અશોક જીરા ફરી એકવાર વંડી ઠેક્વાની તૈયારી કરી રહ્યા છે.
અશોક જીરાવાલા એ બોલાવેલા અધિવેશનનું ઉદઘાટન કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ કરવાના છે. આ અધિવેશનના મુખ્ય મહેમાન તરીકે નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રમુખ એવા સી.આર.પાટીલ ઉપસ્થિત રહેવાના છે. આ સિવાય કેટલાક મંત્રીઓ અને સુરતના ધારાસભ્યો ના પણ મુખ્ય મહેમાન તરીકે નામ લખવામાં આવ્યા છે.
ફોગવા અને વિવર્સની આડમાં આ અધિવેશનના નામે પ્રમુખ પોતાને ભાજપમાં પ્રવેશવાનો રસ્તો બનાવીને ફોગવાના ભાજપમાં વિલીનીકરણ માટે ઊભો કરવામાં આવ્યો હોય એવું લાગે છે. આ કાર્યક્રમ માટે વિવિંગ સોસાયટીઓ પાસે ઉઘરાણાં થયાં હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.
સોશિયલ મીડિયા ગ્રુપમાં વિવર્સે કોમેન્ટ કરી છે કે, આ અધિવેશન વિવર્સ ભાઈઓ માટે છે કે ભાજપમાં એન્ટ્રી લેવા માટે એ બાબત સ્પષ્ટ થવી જોઈએ. બીજા વિવરે લખ્યું કે, વ્યક્તિગત રાજકીય લાભ માટે જો આ અધિવેશન યોજાતું હોય તો એનો ખર્ચ ભાજપ ભોગવશે કે ફોગવા?