ભારતીય જનતા પાર્ટીનાં બે નેતાઓ પર લોકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા ઘણા સમયથી ભાજપે તેનો પગપેસારો કરવા માટે મોટા પાયે પ્રચાર ચાલુ કર્યો છે અને મમતા બેનર્જીની સરકાર સામે શિંગડા માંડ્યા અને પોલીસ સામે પણ ઘર્ષણમાં ઉતરે છે.
ભાજપનો એવો આક્ષેપ છે કે, મમતા બેનર્જીનાં ઇશારે સ્થાનિક પોલીસ તેના કાર્યકરો પર ખોટા કેસો કરે છે. આવા સમયે, ભાજપનાં બે નેતાઓએ તેમના કાર્યકરોને પોલીસ પર હુમલો કરવા અને જરૂર પડે તો તેમને મારી નાંખવાની સલાહ આપી હોવાનાં આક્ષેપ સામે આવ્યા છે.
ભાજપનાં નેતા કાલોસોના મોન્ડલે કહ્યું કે, સ્થાનિક પોલીસ મુખ્ય દુશ્મન છે, નહીં કે ત્રિનમૂલ કોંગ્રેસ. પોલીસ લોકોની દુશ્મન છે. તેમણે તેમના કાર્યકરો અને લોકોને ઉશ્કેરતા કહ્યુ કે, જરૂર પડે તો પોલીસ પર હુમલા કરો અને તેમને મારી નાંખો. તમને કશુ થશે નહીં. આ પોલીસ પાસેથી આપણે કશી અપેક્ષા રાખી શકીએ તેમ નથી. જો તમે એમને હથિયાર બતાવશો તો જ તમને ગાંઠશે. પણ મમતા બેનર્જીનાં માણસોને મારશો નહીં. જો તેમે તેમને મારશો, તો તમારી સામે કેસ થશે અને તે આપણા પ્રતિસ્પર્ધી નથી. પણ પોલીસ આપણી પ્રતિસ્પર્ધી છે એટલે તેમને મારો”.
આવી જ રીતે ભાજપનાં મહિલા મોરચાનાં પ્રમુખ લોકેટ ચેટર્જીએ તેમના ટેકેદારોને કહ્યુ કે, જો જરૂર પડે તો હિંસા પર ઉતરો અને હથિયાર હાથમાં લો.”