જન્મ કે મૃત્યુ આપણા હાથમાં નથી. જન્મથી મૃત્યુના સમય સુધી તમારે શું કરવાનું છે કેવી રીતે જીવન ગાળવાનું છે તે તમારા હાથમાં છે. આજીવન તંદુરસ્તી જળવાય અને દવાઓ ના લેવી પડે તેવા ઉપાયો જાણીએ.
૧. ક્વોલિફાઇડ ડોકટરની સલાહ કાયમ લેવી પડશે :
તમે જિંદગીમાં કોઈ પણ વખત મેડિકલ ચેક અપ કરાવ્યું ના હોય અને તમને સામાન્ય મેડિકલ ચેક અપમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી તકલીફોની ખબર પડે અને તમે ગભરાઇ જાઓ તેવું ના થાય માટે તમારા શરીરની સંભાળ રાખવા તમારે ૩૦ વર્ષ પછી દર વર્ષે સામાન્ય સામાન્ય મેડિકલ ચેક અપ કરાવવું (ખાસ કરીને વારસાગત રોગની સંભાવના હોય તો) ખૂબ જરૂરી છે. આ ચેકઅપમાં શરીરની તપાસ ઉપરાંત હિમોગ્રામ, લિપિડ. લિવર અને કિડની પ્રોફાઇલ, બ્લડ સુગરની તપાસ કરાવવી જરૂરી છે. તપાસમાં બધા રિપોર્ટ નોર્મલ નીકળે તો તમારે કોઈ પણ દવા લેવી નહીં પડે આ વાત ખાસ યાદ રાખશો.
૨. રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) ને જાળવો :
રોગપ્રતિકારક શક્તિ એટલે કે તમારી ઇમ્યુનિટીનો આધાર તમારા લોહીમાં રહેલા હિમોગ્લોબીનના પ્રમાણ પર છે. હિમોગ્લોબીન પુરૂષોમાં ૧૪ ગ્રામ થી ૧૬ ગ્રામ અને સ્ત્રીઓમાં ૧૩ ગ્રામથી ૧૫ ગ્રામ હોય તો તે સો ટકા ગણાય. એ પ્રમાણ જળવાય તો તમારી રોગપ્રતિકારક શક્તિ સરસ ગણાય. આ પ્રમાણ જાળવવા માટે ‘હિમ’ એટલે આયર્ન અને ‘ગ્લોબીન’ એટલે પ્રોટીન. આનો અર્થ તમારા ખોરાકમાં ફક્ત ૧૦ થી ૧૫ મિલિગ્રામ્સ જેટલું આયર્ન અને ૫૦ થી ૬૦ ગ્રામ્સ જેટલું ગ્લોબિન એટલે પ્રોટીન લેવું જોઈએ જેથી તમારૂં હિમોગ્લોબીન ૧૦૦ ટકા રહે અને તમારી રોગપ્રતિકારક જળવાઇ રહે અને તમારે કોઇ પણ જાતની દવા લેવી ના પડે.
૩. નિયમિત ગમતી કસરત કરો :
તમારે માટે તમને ગમતી કોઇપણ કસરત માટે ૩૦ થી ૪૦ મિનિટનો સમય કાઢવો અશક્ય નથી. ઘરમાં કે બહાર ચાલવા જાઓ, સાઇકલ ચલાવો અથવા નજીકમાં કોઇ ગાર્ડનમાં ચાલતી લાફીંગ કલબમાં જઈને કસરત કરો. તમારૂ ધ્યેય ૧૦ મિનિટમાં એક કિલોમીટર થાય તે પ્રમાણે રોજ ત્રણ કિલોમીટર ચાલવાનું હોવું જોઈએ. તે ઉપરાંત ૧૦ -૧૫ મિનિટ આસનો કે સ્ટ્રેચિંગ કસરત કરો. કસરત કરવાથી તમારૂં સ્વાસ્થ્ય જળવાશે અને દવાઓ લેવી નહીં પડે.
૪. તમારા શરીરમાં સુક્ષ્મ જીવાણુઓ દાખલ ના થાય તેનું ધ્યાન રાખો :
જે જે જગ્યાએ પ્રદુષિત વાતાવરણ હોય એટલે કે જેમાં હવામાં રહેલા વાયરસ, બેક્ટેરિયા, ઝેરી રસાયણિક પદાર્થો તેમજ વાહનના એક્ષોસ્ટના અને અનેક પ્રકારની વસ્તુઓ બાળવાથી થતો ધુમાડો હોય તેવા વાતાવરણમાં જવું જ પડે તેમ હોય તો મોઢા ઉપર માસ્ક પહેરીને જશો. ટુ વ્હીલર પર જતી વખતે આ વાતનો ખાસ ખ્યાલ રાખશો. તમારા શરીરના સાત દરવાજા (આંખ, નાક, કાન, મો, મળદ્વાર, મૂત્રદ્વાર અને ચામડી) માંથી જાણે અજાણે દાખલ થનારા અને શરીરને રોગગ્રસ્ત કરનારા બેક્ટેરિયા, વાઇરસ, ફન્ગસ અને એલર્જન્સ શરીરમાં દાખલ ના થાય માટે સાતે દરવાજાનું ધ્યાન રાખવું પડશે. એટલા માટે તમારી આંખોને ચોખ્ખી રાખવા તમે સવારે બ્રશ કરવા માટે, સ્નાન કરવા માટે, નાસ્તો જમ્યા પછી એમ તમે દિવસમાં પાંચ થી છ વખત બાથરૂમમાં જાઓ ત્યારે આંખો ઉપર પાણી છાંટવાનું ભૂલશો નહિ. એજ રીતે તમારા મોંને અને ગળાને ચોખ્ખું રાખવા જ્યારે જ્યારે બાથરૂમાં જાઓ ત્યારે ગરમ પાણીથી કોગળા કરવાનું ભૂલશો નહીં.
તમારા નાક અને કાનનું બહારના જીવાણુ અને પ્રદૂષણથી રક્ષણ કરવા હમેશા બહાર જાઓ ત્યારે ચાલતા હો કે ટુ વ્હીલર પર જતાં હો ત્યારે હમેશા મોં પર માસ્ક રાખો અને દિવસમાં એક વખત નાકમાં ‘વ્હાઇટ વેસેલાઇન’ લગાડો અને ખૂબ અવાજ થતો હોય ત્યારે પ્રદૂષણથી કાનની સાંભળવાની શક્તિનું રક્ષણ કરવા કાનમાં રૂના પૂમડા નાખો. તમારા મૂત્રદ્વાર અને મળ દ્વારને પણ જ્યારે જ્યારે બાથરૂમ અને ટોઇલેટ જાઓ ત્યારે ખૂબ સારી રીતે સાફ કરીને ચોખ્ખા રાખો. આ બાબત સ્ત્રીઓ ખાસ ધ્યાન રાખે. તમારા આખા શરીરની ચામડીને ચોખ્ખી રાખવા રોજ ઋતુ પ્રમાણે ઠંડા કે ગરમ પાણીથી સ્નાન કરો. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં પરસેવા અને ધૂળ સાથે અનેક પ્રકારના સૂક્ષ્મ જીવાણું બેક્ટેરિયા, વાઇરસ, ફંગસ અને એલર્જી કરનારા પદાર્થો તમારા શરીરને લાગેલા હોય તેને દૂર કરવા એન્ટીસેપ્ટિક સાબુ પણ વાપરશો. આ વાત ખૂબ જરૂરી છે.
સાંજે સુવાના સમય પહેલા સ્નાન કરી ચોખ્ખા કપડાં પહેરીને જ સૂઈ જવાનો નિયમ રાખો. બહારથી ઘેર આવો ત્યારે, નાસ્તો કર્યા પછી કે જમ્યા પછી સાબુથી હાથ ધોવાનું ભૂલશો નહીં. જેમ તમે તમારા શરીરને ચોક્ખુ રાખો છો તેવી જ રીતે તમારા ઘરની અને ખાસ કરીને બાથરૂમ અને કિચનની ચોક્ખાઈનું ખાસ ધ્યાન રાખશો. આ માટે જંતુ નાશક દવાઓનો ઉપયોગ ખાસ કરશો. તમારા પહેરવાના કપડા ચોકખા ધોયેલાં હોય તેનું પણ ખાસ ધ્યાન રાખશો. શરીરની ચોકખાઇ હશે તો તમારે કોઇ દવા નહીં લેવી પડે.
૫. બોડી માસ ઇંડેક્ષ:
તમારો બોડી માસ ઇંડેક્ષ ૧૯ થી ૨૪ વચ્ચે હોય અને પેટના ઘેરાવાનું માપ તમારી ઉંચાઈના માપથી અર્ધુ હોય તો તમે તંદુરસ્ત કહેવાઓ અને દવાઓની જરૂર ના પડે. તમારી ફાવે ત્યારે ખૂબ કેલરીવાળો ખોરાક ખાવાપીવાની ટેવને કારણે તમારૂં વજન વધી ગયું છે. પેટનો ઘેરાવો પણ વધી ગયો છે. હવે વજનનું માપ બોડી માસ ઇંડેક્ષ (બી.એમ.આઈ.) પ્રમાણે ગણાય છે. બી.એમ.આઇ. ૧૯ થી ૨૪ સુધી નોર્મલ ગણાય અને સાથે પેટના ઘેરાવાનું માપ તમારી ઊંચાઇના માપથી અર્ધુ હોવું જોઈએ તે વાત ખાસ યાદ રાખશો.
તમારો ‘બોડી માસ ઇન્ડેક્સ’ (બી.એમ.આઇ.) આ રીતે માપો :- તમારૂં વજન કિલોગ્રામમાં હોય તેને તમારી ઊંચાઈ મિટરમાં હોય તેના ગુણાક (સ્કવેર)થી ભાગો. દા.ત. વજન ૮૦ કિલોગ્રામ છે અને ઊંચાઈ ૧.૮ મિટર છે તો ૮૦ ભાગ્યાં (૧.૮ ટ ૧.૮ =) ૩.૨૪ = ૨૪.૬૯ બી.એમ.આઈ. કહેવાય. ઉપરની ફોર્મ્યુલાથી ગણાતા તમારો બી.એમ.આઈ. ૨૫ અથવા ૨૫ની નીચે રાખવો જોઈએ. બી.એમ.આઈ. ૨૫ થી વધીને ૩૦ સુધી જાય તો વારસાગત કારણો નહીં હોય ત્યારે પણ બ્લડ પ્રેસર અને/અથવા ડાયાબિટીસ થાય. એક સાથે આ ત્રણે વસ્તુ ૧. વધારે વજન. ૨. ડાયાબિટીસ અને ૩. બ્લડ પ્રેશર હોય તેને વૈજ્ઞાાનિકો ‘મેટાબોલિક સિન્ડ્રોમ’ કહે છે, તે વખતે ખાસ ધ્યાન રાખવું પડે કારણ ‘મેટાબોલિક સિન્ડ્રોમ’ હોય તેને હાર્ટ એટેક આવાની શક્યતા વધે માટે ખોરાક અને કસરતનું આયોજન કરીને બી.એમ.આઈ. ૨૫થી વધે નહીં એ પ્રમાણે કરશો. જીંદગીભર દવા ના લેવી હોય તો આનું પાલન અવશ્ય કરશો.
દારૂ, સિગારેટ અને કેફી પદાર્થો લેશો નહીં :- જો તમારે આજીવન તંદુરસ્ત રહીને દવાઓથી દૂર રહેવું હોય તો દારૂ અને સિગારેટ પીવાની ટેવ છોડી દેવી પડશે. આ પદાર્થોને કારણે તમારી રોગપ્રતિકારક ઘટી જશે અને તેને કારણે શરીરના લગભગ બધાજ અંગોને (ખાસ કરીને તમારા લિવરને) ખૂબ નુકશાન થશે અને દવાઓ લેવી પડશે.
પૂરતી ઊંઘ લેવી પડશે :- ૨૪ કલાકમાંથી તમારા શરીરના બધા જ અંગો (ખાસ કરીને શરીરના સ્નાયુ અને સાંધાને) ને આરામ મળે માટે તમારે ૬ થી ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ. આ વાત ખાસ યાદ રાખશો કારણ શરીરને પૂરતો આરામ નહીં મળ્યો હોય તો યાદશક્તિ ઓછી થવા ઉપરાંત મગજની બીમારીઓ થશે એટલુ જ નહીં પણ તમારી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) ઓછી થવાને કારણે ચેપી રોગો થશે અને ઘણા શારીરિક પ્રોબ્લેમ થશે અને દવા લેવી પડશે.
ખોરાક લેવામાં તમારે જરૂર છે એટલી જ કેલરી જેટલો જ ખોરાક લો:- પુરૂષોને ૨૦૦૦ અને સ્ત્રીઓને ૧૮૦૦ કેલરી જેટલો ખોરાક જોઈએ. આ માટે કેલરી ચાર્ટ જોઈને નક્કી કરી તે પ્રમાણે ખોરાકનું ધ્યાન રાખીને સેચ્યુંરેટેડ ફેટ (ઘી, માખણ, ચીઝ, મલાઈ), ટ્રાન્સફેટ (કૃત્રિમ ઘી), ખાંડ, ગોળ, રિફાઇન્ડ કારબોહાઈડ્રેટ બને તેટલા ઓછા લેશો કારણ આ બધા ખોરાક લેવાથી આગળ જણાવ્યા પ્રમાણે વજન વધશે અને રોગ થશે અને દવાઓ લેવી પડશે.
છેલ્લે આટલું યાદ રાખશો જન્મ કે મૃત્યુ તમારે હાથ નથી. જન્મથી મૃત્યુના સમય તમારે શું કરવાનું છે, કેવી રીતે જીવન ગાળવાનું છે તે તમારા હાથમાં છે તે દરમ્યાન સ્વસ્થ રહેવા અને દવાઓથી દૂર રહેવા ઉપર બતાવેલા બધા ઉપાયો અમલમાં મુકશો. આ દરેકને ઉપયોગી એવી માહિતી શેર જરૂર કરજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.