સુરત(Surat): શહેરમાંથી હાલ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં શહેરનાં જહાંગીરપુરા(Jahangirpura) વિસ્તારમાં BHMSની એક વિદ્યાર્થિનીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા સમયે આ વિદ્યાર્થીનીએ ‘ગેમ ઓવર’ લખેલી ટી શર્ટ પહેરી હતી.
મળતી માહિતી અનુસાર, જાનવીબેન દિલીપભાઈ પટેલ નામની 20 વર્ષીય યુવતી જહાંગીરપુરા સ્થિત પટેલ નગરમાં રહેતી હતી. તેમજ તે કીમ ખાતેના અણીતા ગામમાં આવેલી કોલેજમાં બીએચએમએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન પરીક્ષામાં એટીકેટી આવી હતી, જેના કારણે તે તણાવ અનુભવતી હતી. ત્યારે હાલ આ આપઘાત પાછળનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે.
જાનવીએ સોમવારના રોજ બપોરે ઘરનાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમજ આ બનાવ વખતે જાનવી ઘરમાં એકલી જ હતી. આ પછી જયારે પરિવારનાં સભ્યોએ બહારથી આવીને જોયું તો તેઓના પગ તળે જમીન સરકી ગઈ હતી. નોંધનીય છે કે, મૃતકના પિતા દિલીપભાઈ પાલિકામાં ડેપ્યૂટી એન્જિનિયર તો માતા શિક્ષીકા છે. તેનો ભાઈ પાલિકાના વેક્સિનેશન વિભાગમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
ત્યારે આ અંગે પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જાનવી કોલેજમાં અપડાઉન કરતી હતી. સોમવારે જ તેણે કોલેજની ફી પણ ભરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન જાનવીની તાજેતરમાં એટીકેટી આવી હોવાનું અને તેને લીધે તણાવ અનુભવતી રહી હોવાનું જાણવા મળ્યું છે. જેને લીધે અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા સેવાઈ રહી છે. ઘટનાને પગલે હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.