સુરતમાં ગુરૂ પૂર્ણિમાના દિવસે વધુ એક અંગદાન: બ્રેઈનડેડ યુવકની બે કિડનીના દાનથી બે વ્યક્તિઓને નવજીવન

Organ Donation in Surat:ગુરૂ પૂર્ણિમાના જેવા પાવન દિવસે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન કરવામાં આવ્યું છે. સુરતના પાંડેસરાના સેવકરામ કાલુ રાજોરે બ્રેઈનડેડ થતા તેમની બે કિડનીના દાનથી બે જરૂરિયાતમંદ દર્દીઓને(Organ Donation in Surat) નવજીવન મળશે. નવી સિવિલના માધ્યમથી અંગદાનની સદી પાર થવા સાથે સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી છેલ્લા છ મહિનામાં અંગદાનની 32 ઘટનામાં કુલ 102 અંગોનું દાન કરવામાં આવ્યું છે.

જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ
આજે ગુરૂ પૂર્ણિમાના જેવા પાવન દિવસે જીવનપથમાં જ્ઞાન અને માર્ગદર્શન આપનાર ગુરૂનો મહિમા અનેરો હોય છે, જેમ ગુરૂજનો વિદ્યાદાન કરીને શિષ્યના જીવનને ઉજ્જવળ બનાવે છે. એવી જ રીતે સેવકરામ મૃત્યુ પામીને પણ કિડનીના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં એક નવો ઉજાસ ફેલાવવામાં નિમિત્ત બન્યા છે.

ટીવી જોતા જોતા પેરેલિસિસનો એટેક આવ્યો હતો
મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પંધાણા તાલુકાના સેગવાલ ગામના વતની 46 વર્ષીય સેવકરામ રાજોરે સુરતના પાંડેસરા હાઉસિંગમાં પત્ની રમાબાઈ, ત્રણ પુત્રીઓ અને એક પુત્ર સાથે રહેતા હતા, અને મોચી કામ કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા હતા. ગત તારીખ .30મી જૂને તેઓ રાત્રે જમીને પરિવાર સાથે ટીવી જોઈ રહ્યા હતા, એ દરમિયાન શરીરની એક બાજુ પેરેલિસિસ (લકવા) એટેક આવ્યો હોય એમ તેમના શરીરનો એક ભાગ જકડાઈ ગયો હતો.

ગત રોજ બ્રેઈનડેડ જાહેર કરાયા હતા
સેવકરામને સારવાર માટે વલસાડની ડુંગરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિદાનમાં (IPH) અને (IVH) થયું હોવાનું જણાતા હોસ્પિટલના ડોક્ટર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સઘન સારવાર માટે રિફર કર્યા હતા. 1 જુલાઈએ નવી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમને 2 જુલાઈએ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

પરિવારે અંગદાનની સંમતિ આપી
રાજોરે પરિવારના સભ્યોને સોટોની ટીમએ અંગદાનનું મહત્વ પણ સમજાવ્યું હતું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો સેવકરામના પત્ની, સંતાનો સહિત રાજોરે પરિવારના સભ્યોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સમંતિ આપી હતી.

બે કિડનીઓનું દાન કરાયું
આજે બ્રેઈનડેડ સેવકરામની કિડનીઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 32મુ અંગદાન થયું છે એમ ડો.ગોવેકરે જણાવ્યું હતું. આ અંગદાનની ઘટનામાં કુલ 102 અંગોનું દાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *