વરાછાના લૂમ્સ કારખાનેદારના નામે રૃા.40 લાખની લોન લેનાર અડાજણના વેપારીએ લૂમ્સ કારખાનેદારની આધેડ વયની પત્નીને લોનના હપ્તાની રકમ લેવા બોલાવી યૌન શૌષણ કરી વિડીયો બનાવ્યા બાદ તેને વાયરલ કરવાની ધમકી આપીને વેપારી અને તેના ભત્રીજાએ ચાર વર્ષ અવાનનવાર દુષ્કર્મ કર્યું હતું. તેમજ બ્લેકમેઇલ કરીને રૃા.1.50 કરોડ પણ પડાવી લીધા હતા. પીડિતા કાકા-ભત્રીજા ઉપરાંત તેમને મદદ કરનાર અન્ય પાંચ વ્યક્તિ વિરુધ્ધ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ કાપોદ્રા વિસ્તારમાં રહેતા પરંતુ અગાઉ વરાછામાં રહેતા લુમ્સના કારખાનેદારના નામે રાંદેરના અડાજણ ગંગેશ્વર મહાદેવ રોડ રવિરાજ ફલેટમાં રહેતા વેપારી સુભાષચંદ્ર મનુભાઈ શિરોયાએ LIC માંથી રૃ.40 લાખની લોન લીધી હતી. આરંભે જાતે હપ્તા ભર્યા બાદ હપ્તાની રકમ લેવા તે કારખાનેદાર અથવા તેની 45 વર્ષીય પત્નીને બોલાવતા હતા. એપ્રિલ-2015 માં હપ્તાની રકમ લેવા આવેલી કારખાનેદારની પત્નીનું સુભાષચંદ્રએ યૌનશોષણ કર્યું હતું તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
બાદમાં તેના ફુટેજ વાયરલ કરવાની ધમકી આપી સુભાષચંદ્ર તેમજ તેના ભત્રીજા વિશાલ રમેશભાઇ શિરોયા (રહે. ગ્રીન રેસિડેન્સી, ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે, અડાજણ, સુરત) એ વીતેલા ચાર વર્ષમાં વારંવાર દુષ્કર્મ કર્યુ હતું. તેમજ કાકા-ભત્રીજાએ કારખાનેદારની પત્નીને બ્લેકમેઇલ કરીને રૃા.1.50 કરોડ પણ પડાવી લીધા હતા.
છેવટે કારખાનેદારની પત્નીએ કાકા-ભત્રીજા ઉપરાંત આ કુકર્મમાં તેમને મદદ કરનાર અલ્પેશ સવજીભાઈ શિરોયા (રહે. રાજહંસ ઓરેન્જ, પાલનપુર ગામ, સુરત), નિખિલ રાજુભાઈ રીબડીયા, વિપુલ પટોડીયા (રહે.રેશમા બિલ્ડીંગની બાજુમાં, કેનાલ રોડ, પૂણા, સુરત), હિતેશ જમનભાઈ તળાવીયા (રહે. જમન કાકા ગુરૃ મરચાવાલા, રેણુકા ભવન, બોમ્બે માર્કેટની પાછળ, સુરત) અને અરવિંદ સિદ્ધપરા (રહે. પરમ રો હાઉસ, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, અડાજણ, સુરત) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીઆઇ એમ.પી પટેલ કરી રહ્યા છે.
કાકા ભત્રીજા વિરૃદ્ધ અગાઉ અમરોલી, સરથાણા, કતારગામ પોલીસ મથકમાં રૃ.100 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.કાકા ભત્રીજા અને તેમના કુટુંબીઓ સહિત અન્યોએ અમારી ફેક્ટરી બરાબર ચાલતી નથી તેમાં તમે રોકાણ કરી ભાગીદાર બનો તેમ કહી સંખ્યાબંધ લોકો પાસેથી લાખો રૃપિયા ઉઘરાવી છેતરપિંડી કરી હતી.