2022 સુધીમાં 30000 મેગા વોલ્ટ પુન: પ્રાપ્ય ઉર્જા ઉત્પાદનનું ગુજરાત સરકારનું આયોજન, જાણો વિગતે

ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે રાજ્ય વિધાનસભામાં જણાવ્‍યું હતું કે, ગ્રીન અને કલીન એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશભરનું નેતૃત્‍વ કરી રહ્યું છે. મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલના સબળ નેતૃત્‍વમાં આ વર્ષના બજેટમાં ગ્રીન એનર્જીના ઉત્પાદન માટે ખાસ ભાર આપવામાં આવ્‍યો છે. એટલું જ નહીં, ગુજરાતે વર્ષ 2022 સુધીમાં 30 હજાર મેગાવોટ એટલે કે 30 ગીગાવોટ પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ઉત્‍પાદિત કરવા માટે ખાસ આયોજન હાથ ધર્યુ છે.

તેમણે જણાવ્‍યું હતું કે, ફ્રાન્‍સના પેરીસમાં નવેમ્‍બર, 2015 દરમ્‍યાન યોજાયેલી 21મી કોન્‍ફરન્‍સ ઓફ પાટીઝ(Conference of Parties)અંતર્ગત 11મી માર્ચ, 2018 રોજ દિલ્‍હી ખાતે યોજાયેલી ઇન્‍ટરનેશનલ સોલાર એલાયન્‍સમાં ઉપસ્‍થિત 121 દેશોના પ્રતિનિધિઓને સંબોધતા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ બિનપરંપરાગત ઉર્જા ઉત્‍પાદન સંદર્ભે સંકલ્‍પ જાહેર કર્યો હતો કે, આગામી વર્ષ 2022 સુધીમાં ભારત દેશ 175 ગીગાવોટ પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ઉત્‍પન્‍ન કરશે. તેમણે જણાવ્‍યું હતું હતું કે, રાષ્‍ટ્રના આ સંકલ્‍પની સિધ્‍ધિ માટે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના ઉર્જાવાન નેતૃત્‍વમાં ગુજરાતે અગ્રેસર રહેવાનું નકકી કર્યુ છે અને આ માટે બહુકોણીય આયોજન કર્યુ છે.

ઉર્જા મંત્રીએ કલીન અને ગ્રીન એનર્જીના ઉત્‍પાદન માટેના ગુજરાતના બહુલક્ષી આયોજનની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ગુજરાતે આગામી વર્ષ 2022 સુધીમાં 30 હજાર મેગાવોટ પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ઉત્‍પાદિત કરવાનું નકકી કર્યુ છે. જેનો દ્વિસ્‍તરીય અમલ થશે. જેમાં ઉત્‍પાદિત થનારી 20 હજાર મેગોવોટ પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ગુજરાત માટે ઉપયોગમાં લેવાશે. જયારે 10 હજાર મેગાવોટ ઊર્જા કેન્દ્ર અને અન્‍ય રાજ્યોને પૂરી પાડવામાં આવશે.

ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2013માં ગુજરાતની રીન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા જે 4126 મેગવોટ હતી, તે આજે અંદાજે 9 હજાર મેગોવોટ સુધી પહોંચી છે. જેને વર્ષ 2022 સુધીમાં 30 હજાર મેગાવોટ સુધી લઇ જવામાં આવશે. આ પૈકી જે 20 હજાર મેગાવોટ વીજળી ગુજરાત માટે ઉત્‍પન્‍ન કરવામાં આવશે. તેના માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યુ છે.

આ આયોજનના ભાગરૂપે ગુજરાતમાં સોલાર પાર્કની સ્‍થાપના, ખાનગી જમીન ઉપર નોન પાર્ક એરીયા તરીકે લોકોને ઉર્જા ઉત્‍પાદન માટે પ્રોત્‍સાહિત કરવા, સ્‍કાય યોજના અને રૂફટોપ યોજનાનો વ્‍યાપ વધારવો, સ્‍મોલ સ્‍કેલ અંતર્ગત વીજ ઉત્‍પાદનને પ્રોત્‍સાહિત કરવા પર ભાર મૂકાશે.

રાજ્યના નાગરિકો પોતાના ધાબા ઉપર સોલાર પેનલ ગોઠવી ઘરમાં સૌર ઉર્જા ઉત્‍પાદિત કરી શકે તે માટેની મહત્‍વાકાંક્ષી એવી નવી સોલાર રૂફટોપ યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે જેની માહિતી આપતા ઉર્જા મંત્રીએ જણાવ્‍યું હતું કે, આ યોજના હેઠળ 3 કિલોવોટ સુધીની સોલાર સીસ્‍ટમ બેસાડનાર પરિવારોને નિયત કરાયેલી કિંમત ઉપર 40 ટકાની સબસીડી અને 3 થી 10 કિલોવોટ સુધીની સોલાર સીસ્‍ટમ બેસાડનાર પરિવારને 20 ટકા સબસીડી આપવમાં આવશે. આ યોજના માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂા. 1 હજાર કરોડની જોગાવાઇ કરવામાં આવી છે. આ યોજનાથી રાજ્યભરના ર લાખ પરિવારોને લાભ થશે. તેમણે જણાવ્‍યું હતું કે, આ વર્ષે આ યોજનાથી 600 મેગાવોટ સૌર વીજ ઉત્‍પાદન થવાનો લક્ષ્‍યાંક છે. વર્ષ 2022 સુધીમાં રાજ્યભરના 8 લાખ પરિવારો દ્વારા 2 હજાર મેગાવોટ સૌર ઉર્જા ઉત્‍પન્‍ન કરવામાં આવે તેવો લક્ષ્‍યાંક નકકી કરાયો છે.

રાજ્યભરમાં પ્રથમ વખત નાના પાયા પર સૌર ઉર્જાના ઉત્‍પાદન સાથે લોકોને સાંકળવા નવી યોજના શરુ કરવામાં આવી છે. જેમાં કોઇ વ્‍યકિત ખેડૂત, સોસાયટી, સહકારી મંડળી, કંપની કે પેઢી 500 કિલોવોટથી માંડીને 4 મેગાવોટ સુધીનો સૌર ઉર્જા પ્‍લાન્‍ટ સ્‍થાપીને વીજ ઉત્‍પાદન કરશે તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) આ વીજળી ખરીદશે. એટલું જ નહીં, પણ આ માટે કોઇ ટેન્‍ડર પ્રક્રિયામાં ભાગ લેવો નહી પડે. સરકારે જે છેલ્‍લું ટેન્‍ડર બહાર પાડયું હોય તેનો ભાવ ઉપરાંત પોતાની માલિકીની જમીનના ઉપયોગ માટે પ્રતિયુનિટ વધારાના 20 પૈસા આપવામાં આવશે. રાજ્ય સરકાર આવા નાના ઉત્‍પાદકો પાસેથી 2 હજાર મેગાવોટ સૌર ઉર્જા ઉત્‍પાદન કરવાનો લક્ષ્‍યાંક ધરાવે છે. સૌરભભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, સુર્યશકિત કિસાન યોજના-સ્કાય અંર્તગત ખેડૂતો જાતે જ વીજ ઉત્‍પાદન કરી શકે તેવી જોગાવઇ કરાઇ છે. આ યોજનાના સારા અનુભવો અને ખેડૂતોના ઉત્‍સાહને ધ્‍યાને લઇ, આ યોજના માટે રાજ્ય સરકારે રૂા.524 કરોડની જોગવાઇ કરી છે.

રાજ્ય સરકારે દેશભરમાં સૌ પ્રથમ વખત સબસ્‍ટેશનો આસપાસની પડતર જમીનનો સૌર ઉર્જા ઉત્‍પાદન માટે ઉપયોગ કરવાનું નકકી કર્યુ છે. રાજ્યભરમાં આવેલા 2 હજાર સબ સ્‍ટેશનો પૈકી 822 સબસ્‍ટેશનો આસપાસની જગ્‍યા નકકી કરવામાં આવી છે. જે પૈકી 271 સબ સ્‍ટેશનો આસપાસ જમીનોની સરવેની કામગીરી ચાલુ છે, જયારે 51 સબ સ્‍ટેશનોની નજીકની જમીનો માટે જિલ્‍લા કલેકટરને અરજી કરાઇ છે. આવા સબસ્‍ટેશનો નજીકની પડતર જમીન ઉપરથી સૌર ઉર્જા ઉત્‍પન્‍ન કરવા 2500 મેગાવોટના ટેન્‍ડરો બહાર પાડવામાં આવ્‍યા છે. આ જગ્યાઓ ઉપર આગામી વર્ષમાં ઉર્જા ઉત્‍પાદનની કામગીરી પૂર્ણ થશે. આ કામગીરી માટે રૂા.500/- કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, રાજ્યના સબ સ્ટેશનોનીજમીનો ઉપર સૌર ઉર્જા ઉત્‍પન્ન કરવાથી ગુણવત્‍તાવાળી વીજળી મળી રહેશે. ઉપરાંત સબ સ્‍ટેશન નજીક જ હોવાથી ટ્રાન્‍સમિશન લોસ પણ ઘટશે. સબસ્ટેશનો નજીક આવેલી પડતર જમીન પર વીજ ઉત્‍પાદન કરનારુ ગુજરાત દેશભરનું પ્રથમ રાજ્ય બની રહયું છે.

તેમણે જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ધોલેરા ખાતે 5000 મે.વો.ના સોલાર પાર્ક સ્થાપનાનું લક્ષ્યાંક છે જે પૈકી 4000 મે.વો. ભારત સરકારના NTPC તથા સેકી દ્વારા સ્થાપવામાં આવશે. ગુજરાત સરકારે ધોલેરામાં 1 હજાર મેગાવોટના સોલાર પાર્કની સ્‍થાપનાના લક્ષ સાથે કામગીરી શરુ કરી દીધી છે. જેમાં પ્રાંરભિક તબક્કે 250 મેગાવોટના બીડ બહાર પાડયા હતાં. જેમાં પ્રતિયુનિટ વીજળીના ભાવ રૂા.2.75 રહયા છે. બાકીના 750 મેગાવોટના બીડ જુલાઇ માસના અંત સુધીમાં બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત બનાસકાંઠા વિસ્‍તારના રાધાનેસડા ખાતે પણ રાજ્ય સરકારે 700 મેગાવોટનો સૌર ઉર્જા પાર્ક સ્‍થાપવાનું નકકી કર્યુ છે. જે પૈકી 500 મેગાવોટ માટે પ્રતિયુનિટ રૂા.2.65ના બીડ મળ્યા છે. બાકીના 200 મેગાવોટ સૌર ઉર્જા માટેના બીડ ખુલ્‍લા છે, જે જુલાઇ માસના અંતે ભરાશે.

તેમણે જણાવ્‍યું હતું કે, રાજ્યમાં સોલાર પાર્ક ઉપરાંત ખાનગી જમીન ઉપર સૌર ઉર્જા ઉત્‍પન્‍ન કરવા ઇચ્‍છતા સાહસિકો માટે ‘નોન પાર્ક’ યોજના અંતર્ગત લોકો જાતે જ જમીન મેળવે, અને સોલાર પ્રોજેકટ સ્‍થાપે તે માટે 1 હજાર મેગાવોટના લક્ષ્‍યાંક સાથે 500 મેગાવોટના બે બીડ અનુક્રમે રૂા. 2.44 અને રૂા. 2.65 પ્રતિ યુનિટના આપવામાં આવ્યા છે. બે વર્ષમાં આ કામગીરી પૂર્ણ થશે.

રાજ્ય સરકારે સૌર ઉર્જા ઉપરાંત પવન ઉર્જા ઉત્‍પાદન કરવા ઉપર પણ ભાર મૂકયો છે તેની વિગતો આપતા તેમણે જણાવ્‍યું હતું કે, રાજ્ય સરકારે પવન ઉર્જા માટે 500 મેગાવોટનો લક્ષ્‍યાંક નકકી કર્યો છે. રાજ્યમાં 233 મેગાવોટ પવન ઉર્જાનું ઉત્‍પાદન થઇ રહયું છે. જયારે નવા 500 મેગાવોટ ઉર્જા માટેના બીડ ખુલ્‍યા છે.

માત્ર રાજ્ય પૂરતું જ નહીં, પરંતુ દેશ માટે પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ઉત્‍પાદન કરવાનું ગુજરાતે લક્ષ્‍ય રાખ્‍યું છે,તેમ જણાવતા તેમણે ઉમેર્યુ હતું કે, આ માટે રાજ્ય સરકારે સૌર ઉર્જા અને પવન ઉર્જાના એક સાથે ઉપયોગ કરવા હાઇબ્રીડ પોલીસી અમલમાં મૂકી છે. જે અંતર્ગત કચ્‍છ વિસ્‍તારમાં હાઇબ્રીડ પાર્ક સ્‍થાપવાનો નિર્ણય કરાયો છે. 10 વર્ષમાં આ યોજના અંતર્ગત 30 હજાર મેગાવોટ પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ઉત્પન્‍ન કરવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવેલ છે. આ યોજના દ્વારા ઉત્‍પાદિત સંપૂર્ણ વીજળી રાજ્યની બહાર પહોંચાડવામાં આવશે. આ વીજળી ખરીદવા કેન્‍દ્ર સરકારની એન.ટી.પી.સી.અને સેકી દ્વારા વીજ ખરીદી માટે તૈયારી દર્શાવાઇ છે. આ ઉપરાંત ધોલેરામાં 5 હજાર મેગાવોટનો વિશાળ સૌર ઉર્જા પાર્ક સ્‍થાપવાનો જે નિર્ણય લેવાયો છે તેમાંથી 1 હજાર મેગાવોટ રાજ્યમાં અને બાકીના 4 હજાર મેગાવોટ સૌર ઉર્જા રાષ્‍ટ્રને આપવામાં આવશે.

ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે બિનપરંપરાગત ઉર્જાના ઉપયોગ માટેના રાજ્ય સરકારના અનેકવિધ પગલાંની માહિતી આપી વિધાનસભા ગૃહમાં એમ પણ જણાવ્‍યું હતું કે, કલીન અને ગ્રીન ઉર્જા ઉત્‍પાદન ક્ષેત્રે દેશના લક્ષ્‍યાંક સિધ્‍ધિના પુરૂષાર્થમાં ગુજરાત શીરમોર રહેશે અને અન્‍ય રાજ્યોને પ્રેરણા પૂરી પાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *