Youth died in Accident in Vadodara: અમદાવાદ ઇન્સ્કોન બ્રિજ ઉપર નવ વ્યક્તિઓનો ભોગ લેનારી અકસ્માતની ગભીર ઘટના હજુ પણ લોકોના મન પરથી દૂર થઈ નથી. આમ છતાં, મધરાત્રે કાર લઈને નીકળતા યુવકો સુધરતા જ નથી. મધરાત્રે વડોદરાના(Youth died in Accident in Vadodara) પંડ્યા બ્રિજ પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની કમ્પાઉન્ડમાં પ્રચંડ ધડાકા સાથે એક કાર અથડાઇ હતી.
આ કાર એટલી સ્પીડમાં હતી કે, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ ગઈ હતી. કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનામાં કારચાલકનું મોત નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય એકને ઇજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જો કે આ ઘટના સમયે રોડ પર કોઈ ન હોવાથી ઇસ્કોન બ્રિજ અકસ્માત જેવી મોટી દુર્ઘટના બનતા ટળી હતી.
ઘર તરફ જઇ રહ્યા હતા
મધરાત્રે 2 વાગ્યાના સુમારે બનેલી આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર શહેરના હરણી એરપોર્ટ સામે આવેલી F-7, ગોકુલ વાટિકામાં રહેતો અર્જુનસિંહ મહેન્દ્રસિંહ ઠાકુર અને F-9માં રહેતો 24 વર્ષીય ગુંજન જિજ્ઞેશભાઇ સ્વામી કાર લઈને પંડ્યા બ્રિજ તરફથી પુરપાટ ઝડપે ઘર તરફ જઈ રહ્યા હતા.
કમ્પાઉન્ડ વોલ ધરાશાયી
પંડ્યા બ્રિજ તરફથી ઘર તરફ જઈ રહેલા અર્જુનસિંહ ઠાકુર અને ગુંજન સ્વામી પૈકી કાર ગુંજન સ્વામી ચલાવી રહ્યો હતો. પુરપાટ ઝડપે પંડ્યા બ્રિજ ઊતર્યા બાદ 50 મીટર દૂર આવતા ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરીની કમ્પાઉન્ડ વોલમાં કાર ધડાકા સાથે અથડાઇ હતી. કારની ફુલ સ્પીડના કારણે કમ્પાઉન્ડ વોલ પણ ધરાશાયી થઈ ગઈ હતી. કારને થયેલ નુકસાન અને તૂટી ગયેલી દીવાલને જોતા સ્પષ્ટ જણાય છે કે, કાર કેટલી સ્પીડમાં હશે તેનો અંદાજો લગાવી શકાય છે.
ભગવાને અમારી સાથે અન્યાય કર્યો છે
ગુંજનના દાદા હરીશભાઈએ જણાવ્યું છે કે, મારો દીકરો ચાર વાગ્યે ઊઠીને પૂજાપાઠ કરતો હતો. હું તેને ના પાડતો પણ તે માનતો નહીં. આવો અન્યાય તો ભગવાને ન કરવો જોઈએ. મેં કહેલું કે બેટા ગાડી ન લેતો, આ ગાડી એટલે જીવ મૂઠીમાં લઈને ફરવાનું. પણ એને ગાડીનો શોખ હતો, તેના પપ્પાએ લઈ દીધી હતી. તેનાથી કંટ્રોલ ન થઈ શક્યો હોય એટલે આવું બન્યું હશે. મેં એને બહુ ટોક્યો હતો કે 30-35 જ ચલાવવાની.
સદભાગ્યે રાત્રે રોડ પર કોઈ નહોતું
મધરાત્રે થયેલા અકસ્માતમાં કારને થયેલું નુકસાન અને ધરાશયી થયેલી દીવાલને જોતા લાગે છે કે, જો આ કારની અડફેટે કોઈ પણ આવ્યું હોત તો અમદાવાદ ઇસ્કોન બ્રિજ ઉપર જે રીતે ઘટના બની તેવી બીજી ઘટના વડોદરા માં બની જાત. સદભાગ્યે આ અકસ્માત સમયે કારની સામે કોઈ ન હતું અને કાર બ્રિજ ઊતરીને સીધી ફૂડ એન્ડ ડ્રગ્સની લેબરેટરીની કમ્પાઉન્ડ વોલમાં અથડાઇ હતી. આ રોડ ઉપરથી વહેલી સવારે નોકરી-ધંધાર્થે જનાર લોકોએ કારની હાલત જોતા તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube